- કોતરપુર પ્લાન્ટમાં કપાયેલો હાથ તણાઈને આવ્યો હતો
- પાણી ફ્લશ કર્યા પછી સફાઈ બાદ પ્લાન્ટ ફરી શરૂ કરાયો
કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ગુરૂવારે સવારે ઉપરવાસમાંથી નર્મદા કેનાલમાંથી પુરૂષનો એક કપાયેલો હાથ તણાઇ આવ્યો હતો. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી સાથે આવેલો માનવ હાથ જોઇને કર્મચારીઓ અને અધિકારીઓ ચોંકી ગયા હતા. તેમણે પાણીનું શુદ્ધિકરણ તુરંત જ અટકાવી દીધું. તેમજ હાથને બહાર કાઢી લઇ 15 એમએલડી (મિલિયન લિટર પર ડે) એટલે કે 1.5 કરોડ લિટર પાણીનો જથ્થો ફ્લશ આઉટ કર્યા બાદ પ્લાન્ટની સફાઈ કર્યા બાદ ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો.
બીજી તરફ મ્યુનિ. તંત્ર દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે પ્લાન્ટ પર પહોંચી હાથનો કબજો મેળવી તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મ્યુનિ. તંત્ર દ્વારા આ સફાઈમાં 15 એમએલડી પાણીને ફ્લશ આઉટ કરી દેવામાં આવ્યું હતું. જેથી નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં. સરદારનગર પોલીસના જણાવ્યા અનુસાર માનવ શરીરના અંગો મળી આવતાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. એવું મનાઇ રહ્યું છે કે, નર્મદા કેનાલના પાણીમાં તરીને આવતાં કચરાને અટકાવવા વચ્ચે મશીન મૂકવામાં આવ્યું છે, જેને કારણે મૃતદેહના ટુકડા થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જોકે આ માનવ અંગોનો એફએસએલ રિપોર્ટ આવે ત્યાર બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
