ભણતર માટે સ્કૂલમાં બાળકોનો સત્યાગ્રહ:શિક્ષકો ભણાવતા નહીં હોવાથી ચક્કાજામ, ગેટ બંધ કરીને શિક્ષણાધિકારીનો ઉધડો લઈ લીધો

By Abhishek Raghuvanshi
3 Min Read
  • પંચમહાલ જિલ્લાના નદીસરમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ સારા ભણતર માટે આંદોલન છેડ્યું

પંચમહાલ જિલ્લાના ગોધરાના નદીસર ગામની શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયમાં શિક્ષકો યોગ્ય રીતે ન ભણાવતા હોવાનો આક્ષેપ કરીને વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઉત્તરવહીમાં રોષ ઠાલવ્યો હતો. રોષ પ્રગટ કરેલી ઉત્તરવહી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જિલ્લા શિક્ષણાધિકારી તપાસ અર્થે શાળામાં આવતાં વિદ્યાર્થીઓએ રડમસ અવાજે અધિકારીને રજૂઆત કર્યા બાદ શિક્ષણ ન મળતાં વિદ્યાર્થીઓએ શાળાનો ગેટ બંધ કરી દેતા શિક્ષણાધિકારી દોઢ કલાક પુરાયેલા રહ્યા હતા. સમજાવટ બાદ ગેટ ખૂલ્યો હતો.

ગોધરા તાલુકાના નદીસર ગામની શ્રી મહાજન ઈંગ્લિશ સ્કૂલ શાળાના ધોરણ 10ના 300 જેટલા વિદ્યાર્થીઓને શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ભણાવતા ન હોવાનો મામલો ઉછળ્યો હતો. શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તરવહીમાં જવાબો લખવાને બદલે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ અને હૈયાવરાળ ઠાલવી હતી. જે સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ હતી.

નારાજ વિદ્યાર્થીઓએ દોઢ કલાક સુધી સ્કૂલનો ગેટ બંધ કરી દીધો હતો. જ્યારે શિક્ષણાધિકારી મનાવવા આવ્યા તો રડતા મુખે આપવીતી સંભળાવી હતી

ધોરણ 10ના વિદ્યાર્થીઓએ જવાબવહીમાં શિક્ષકો નહિ આવતા અભ્યાસ બગડી રહ્યો હોવાના આક્ષેપ સાથે એક નોંધ લખેલી તે વાઈરલ થઈ હતી. જેથી પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી નદીસરની શાળામાં તપાસ અર્થે આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સમસ્યાઓ જણાવતાં ભણતર માટે આખા વર્ગના વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. રડમસ અવાજે વિદ્યાર્થીઓએ ઇન્ચાર્જ શિક્ષણાધિકારીને અમને કશું ભણાવ્યું ન હોવાની રજૂઆત કરી હતી. ઇન્ચાર્જ શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનો એક મૌખિક ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો.

- Advertisement -

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો
મુલાકાતની પ્રક્રિયા બાદ જ્યારે ઇન્ચાર્જ શિક્ષણાધિકારી શાળા કમ્પાઉન્ડથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ એક આંદોલનકારીની જેમ અધિકારીનો ઘેરાવ કરી શાળામાં પરત મોકલી પોતાની સમસ્યાઓ હલ કરવા રડમસ ચહેરે રીતસરની આજીજીઓ કરી હતી. વિવાદ વધુ વકરતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાને તાળાંબંધી કરી જિલ્લા શિક્ષણ અધિકારીને શાળામાં જ કેદ કરી દીધા હતા. શિક્ષણાધિકારી દોઢ કલાક સુધી શાળામાં પુરાયેલા રહ્યા હતા. આખરે અધિકારીએ તપાસ કરવાની બાંહેધરી આપતાં વિદ્યાર્થીઓએ શાળાના ગેટ ખોલ્યા હતા. આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે નદીસરની શાળાના વિદ્યાર્થીઓના મુખ્ય વિષયોનો અભ્યાસક્રમ જ બાકી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

બાળકોએ ઉત્તરવહીમાં લખ્યું, દોઢ મહિનાથી શિક્ષક સ્કૂલે આવતા નથી
શાળાની પરીક્ષાની ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નના ઉત્તરના બદલે લખ્યું હતું, અમારા ધોરણ 10ના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક જિગર સાહેબ છેલ્લા દોઢ- બે માસથી શાળામાં આવતા નથી. આ વિષયની પરીક્ષામાં અમે નાપાસ થઇએ તેવી સંભાવનાઓ છે. આચાર્ય એમ.એમ.રાણાએ ક્લાસ લીધા નથી. પરિણામ નબળું આવશે જવાબદારી આ શિક્ષકોની રહેશે.

તપાસ શરૂ કરી છે’
શાળાની ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓના લખણ વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ હતી. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો હાલ રજા પર છે. હાલ તપાસ ચાલી રહી છે. દોષિત મળશે તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.- જિગ્નેશ પટેલ, ઇન્ચા. શિક્ષણાધિકારી

Exit mobile version