ફાયર વિભાગની કામગીરી:અમદાવાદમાં ઓગસ્ટથી ઓક્ટોબર સુધી આગની ઘટનાના કુલ 372 અંગારકોલ મળ્યા, 118 લોકોને બચાવ્યા

By Abhishek Raghuvanshi
2 Min Read

અમદાવાદ શહેરમાં આગના બનાવોમાં વધારો થવા માંડ્યો છે. જેના કારણે ફાયર વિભાગની ટીમ ખડેપગે ફરજ બજાવવા તૈયાર રહે છે. ત્યારે શહેરમાં ઓગસ્ટથી લઈને ઓક્ટોબર મહિના સમયમાં ફાયર વિભાગ દ્વારા આગની ઘટનાઓમાં ફસાયેલા 118 લોકોને સુરક્ષિત બહાર કાઢીને બચાવી લીધાં છે. શહેરની હદ અને હદ બહારના વિસ્તારમાં કુલ 372 અંગારકોલ ફાયર વિભાગ દ્વારા એટેન્ડ કરવામાં આવ્યા હતાં.

આગને કારણે ફસાયેલા દસ લોકોને સુરક્ષિત બચાવ્યા
અમદાવાદ ફાયર વિભાગને ઓગસ્ટ મહિના દરમિયાન કુલ 72 અંગારકોલ મળ્યા હતા. આ કોલ પૈકી 69 સામાન્ય, એક મધ્યમ અને બે મેજર કોલ હતા. 69 કોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાંથી જયારે ત્રણ કોલ અમદાવાદ શહેર હદ બહાર વિસ્તારમાંથી મળ્યા હતા.આગની આ મહિનામા બનેલી ઘટનાઓમાં એક વ્યકિત દાઝી જવા પામી હતી.જયારે અલગ અલગ સ્થળે આગને કારણે ફસાયેલા દસ લોકોને સુરક્ષિત બચાવી લેવામા આવ્યા હતા.

સપ્ટેમ્બરમા કુલ 102 લોકોને બચાવી લેવામા આવ્યા
સપ્ટેમ્બર મહિનામા ફાયર વિભાગને કુલ 112 અંગારકોલ મળ્યા હતા.આ કોલ પૈકી 107 નાના જયારે બે મધ્યમ કોલ હતા.ત્રણ મેજર કોલ પણ આ સમયમાં એટેન્ડ કરવામા આવ્યા હતા.આ મહિનામા અમદાવાદ શહેરની હદમા 104 અને શહેરની હદ બહાર આઠ કોલ એટેન્ડ કરવામા આવ્યા હતા.આ મહિનામા બનેલી આગની ઘટનાઓમાં એક મહિલા દાઝી જવાની ઘટના બની હતી.જયારે ત્રણ વ્યકિતને ઈજા થવા પામી હતી.સપ્ટેમ્બરમા કુલ 102 લોકોને બચાવી લેવામા આવ્યા હતા.જેમા બાવન પુરુષ અને પચાસ બાળકોનો સમાવેશ થતો હોવાનુ ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

ફટાકડાના કારણે આગ લાગવાના કુલ 93 કોલ મળ્યા
શહેરમાં 22થી 27 ઓકટોબર દરમિયાન કુલ 177 કોલ ફાયર વિભાગ તરફથી એટેન્ડ કરવામા આવ્યા હતા.આ પૈકી ફટાકડાના કારણે આગ લાગવાના કુલ 93 કોલ જયારે અન્ય કારણથી આગ લાગવાના 84 કોલનો સમાવેશ થાય છે.સારંગપુર,સી.ટી.એમ.તથા કાંકરીયા ખાતે એમ આગના ત્રણ મેજર કોલ નોંધાયા હતા.આ ઉપરાંત અન્ય કારણથી આગ લાગવાના 11 બનાવ નોંધાવા પામ્યા હતા.જોધપુર વિસ્તારના અભિજયોત રેસીડેન્સીના ત્રીજા માળે લાગેલી આગની ઘટનામા ફસાયેલા એક મહિલા અને પાંચ પુરુષ સહિત કુલ છ લોકોને સલામત રીતે બચાવી લેવામા આવ્યા હતા.

- Advertisement -
Exit mobile version