ફરિયાદ:રોલો પાડવા હથિયારના ફોટા FBમાં અપલોડ કરનાર ત્રણ સામે ફરિયાદ

By Abhishek Raghuvanshi
1 Min Read
  • જસદણના યુવકે મૃતક પિતાનું હથિયાર જમા કરાવવાના બદલે સીન કર્યા

જસદણના કોઠી ગામે એક યુવકે બારબોરના હથિયારનો પરવાનો ન હોવા છતાં ફોટા પાડી ફેસબુક પર વહેતા કરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ત્રણ શખ્સો સામે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ભીખુભાઈ હીરાભાઈ મીઠાપરા (રહે-બળધોઈ, તા-જસદણ)એ પોતાનું લાયસન્સવાળું હથિયાર આરોપી ભાવેશ વાલજીભાઈ ઝાપડીયા (ઉ.વ.24) (રહે-કોઠી,તા—જસદણ)ને હથિયાર રાખવાનો પરવાનો ન હોવા છતાં આપી લાયસન્સ ધારકની શરત ભંગ કરી હતી.

આરોપી યુવાને પોતાની પાસે કોઈ હથિયાર કે પરવાનો ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારના ફોટા પોતાના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કરતા ત્રણ શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

જો કે આરોપી ભીખુભાઈ હીરાભાઈ મીઠાપરા(રહે-બળધોઈ, તા-જસદણ)નું ગત 4 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. છતાં આરોપી કલ્પેશ ભીખુભાઈ મીઠાપરાએ(ઉ.વ.34)(રહે-બળધોઈ,તા-જસદણ) હથિયાર પોતાના કબ્જામાં રાખી લાયસન્સની શરત ભંગ કરી હતી. આ કેસમાં એકબીજાની મદદગારી કરતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -
Exit mobile version