ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે માંડ વીસેક દિવસ બાકી રહ્યાં છે. ત્રણેય પક્ષો દ્વારા ઉમેદવારોની બુલેટ ટ્રેનની સ્પીડે જાહેરાત કરવામાં આવી છે. ભાજપે બંને તબક્કામાં 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને કોંગ્રેસ મોડી રાત્રે વધુ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ગોંડલ બેઠક પરથી ત્રણ મહિલાઓ વચ્ચે ચૂંટણીની લડાઈ લડાશે.કોંગ્રેસમાંથી AAPમાં આંટો મારી પાછા કોંગ્રેસમાં આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસે રાજકોટ પૂર્વ બેઠક પર ટીકિટ આપતાં હવે ખરાખરીનો જંગ જામશે. વડોદરાની પાદરા બેઠક પરથી દિનેશ પટેલની ટીકિટ ભાજપમાંથી કપાઈ જતાં હવે તેઓ અપક્ષ લડશે તેવી જાહેરાત કરી છે.બીજી બાજુ કોંગ્રેસમાં ઉમેદવારોને લઈ ભૂકંપ સર્જાયો છે. ગણદેવી બેઠક પર પહેલી યાદીમાં જાહેર કરાયેલા શંકર પટેલને બદલીને હવે અશોક પટેલને ફાઈનલ કરવામાં આવ્યાં છે. ગણદેવી બેઠક પર હવે અશોક પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે.
કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ઘોંચમાં
કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ઘોંચમાં પડ્યું છે. NCP સાથે ચાર સીટો પર ચર્ચા બાદ હજુ પણ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ગોંડલ, ઉમરેઠ,કુતિયાણા,નરોડામાં NCPએ ટીકિટ માંગી હતી. કોંગ્રેસના બે લિસ્ટ જાહેર થયા બાદ પણ હજી ગઠબંધન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોત, પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,જયંત બોસ્કી, નિકુલ તોમર વચ્ચે થોડા દિવસ પહેલાં જ સર્કિટ હાઉસમાં આ અંગે બેઠક થઈ હતી.
કોંગ્રેસના ઉમેદવારનો અમદાવાદના ગોમતીપુરમાં વિરોધ
અમદાવાદના દાણીલીમડાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર ગોમતીપુરના ટોપીમીલ વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતાં.સ્થાનિક લોકોમાં છેલ્લા 5 વર્ષમાં ગોમતીપુર વિસ્તારમાં આવેલા નથી અને કોઈ પણ પ્રકારના વિકાસના કોઈ કામ નથી કરેલ તેમ કહી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.
રેશમા પટેલ NCPની ટીકિટ પર ગોંડલથી ચૂંટણી લડશે
ગોંડલ બેઠક પર ઉમેદવારો જાહેર કરવા ભાજપ અને કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર હતો. પરંતુ આ બેઠક પર ભાજપે ગીતાબા જાડેજા અને કોંગ્રેસમાંથી યતીશ દેસાઈ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે હવે NCPએ રેશમા પટેલને ગોંડલની બેઠક પર ટીકિટ આપી છે. હવે આ બેઠક પર ત્રણ મહિલાઓ વચ્ચે જંગ ખેલાશે કારણ કે AAPમાંથી નીમિષાબેન ખૂંટને પણ ગોંડલમાંથી ટીકિટ મળી છે.
વિપુલ ચૌધરી AAPની ટિકિટ પર વિસનગરથી લડશે ચૂંટણી
ગુજરાત ચુંટણીમાં અર્બુદા સેનાના વિપુલ ચૌધરી મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ અંગે અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ જાહેરાત કરી હતી. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. વિપુલ ચૌધરી AAP પક્ષમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. આમ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા વિપુલ ચૌધરી AAPની ટિકિટે વિસનગરથી ચૂંટણી લડશે. જો કે આ અંગે આપ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વિસનગરમાં મોટે ભાગે પાટીદાર ઉમેદવારની જીત થતી હોય છે. જો કે, ઠાકોર અને ચૌધરી મતો પણ નિર્ણાયક માનવામાં આવે છે. ચૂંટણીમાં ઠાકોર અને ચૌધરી મતો પર જે ઉમેદવાર પ્રભુત્વ ધરાવતો હોય તેની જીતવાની સંભાવના વધી જાય છે.
વાઘોડિયા અને પાદરામાં ભાજપમાં ભડકો
ભાજપની ટીકિટો જાહેર થયા બાદ મોટાભાગના દબંગો સચવાઈ ગયાં હતાં પરંતુ વાઘોડિયા બેઠક પરથી મધુશ્રીવાસ્તવની ટીકિટ કપાતા તેમણે અપક્ષ ચૂંટણી લડવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. બીજી બાજુ પાદરા બેઠક પરથી પણ ભાજપમાં ભડકો થયો છે. પાદરા વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, આગામી 17 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરીશ અને હું પાદરા બેઠક ઉપર જંગી મતથી જીત મેળવીશ. જયારે કરજણ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાને ટીકિટ નહીં આપતાં નારાજ થયાં છે. તેઓ હવે કોંગ્રેસની ટીકિટ પર કરજણ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.
અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો
ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જ્યારે પહેલી યાદીના પાંચ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. જ્યારે કોંગ્રેસે પોતાના 89 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં બે સગા ભાઈઓ વચ્ચેની કહાની સામે આવી છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી તો તેની સામ કોંગ્રેસે વિજયસિંહ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો છે.
પાલ આંબલિયા અને મુળુ કંડોરિયા વચ્ચે ભારે ખેંચતાણ
કોંગ્રેસમાં પણ કકળાટ થવો એ નવી વાત નથી રહી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યાં હતાં અને બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કર્યાં છે. પરંતુ આ બંને યાદીમાં દ્વારકા બેઠકના ઉમેદવાર હજી જાહેર કરાયા નથી. કારણ કે મુળુ કંડોરિયા અને પાલ આંબલિયા વચ્ચે ભારે ખેંચતાણને કારણે રાજીનામા સુધીની અસર વર્તાઈ શકે છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂની જેમ રાજભા ઝાલા પણ હવે કોંગ્રેસની જગ્યાએ ભાજપમાં જોડાઈ જશે.
ભાજપે કુતિયાણા બેઠક પરથી રમેશ ઓડેદરાને ટિકિટ આપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. ભાજપ દ્વારા આજે 160 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામા આવી છે. ત્યારે 83-પોરબંદર વિધાનસભા બેઠક તેમજ 84-કુતિયાણા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્રારા પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.કુતિયાણા બેઠક પર ભાજપના પીઢ ઉમેદવાર રમેશ ઓડેદરા (રમેશ પટેલ)ને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. રમેશ ઓડેદરા પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે કાર્યરત છે. રમેશ ઓડેદરાને પાર્ટી દ્વારા ફોન પર જાણ કરી ટિકિટ આપ્યાનું તેઓએ જણાવ્યું હતું.
ગુજરાતમાં એક્ઝિટ પોલ પર 12 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી પ્રતિબંધ
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાત માટે એક્ઝિટ પોલના અંદાજોના પ્રસારણ અને પ્રકાશન પર પ્રતિબંધ અંગેની સૂચના જારી કરી હતી. હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થશે જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. પોલ પેનલે ગુરુવારે એક નોટિફિકેશન બહાર પાડીને 12 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી અને 5 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી કોઈપણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં એક્ઝિટ પોલના અંદાજોના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. હિમાચલમાં વોટિંગને જોતા હવે ઓપિનિયન પોલ પણ 48 કલાક માટે રોકી દેવામાં આવ્યો છે.
