મોરબીમાં ગઈકાલે સાંજે મચ્છુ નદી પર આવેલી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે.ઘટના કઈ રીતે સર્જાઈ તેને લઈને સવાલ છે.જો કે દિવ્યભાસ્કરે સ્થળ પર જઈને તપાસ કરતા અધિકારી પાસેથી વિગત મેળવી હતી. આ બ્રિજ પર છેલ્લા ચાર દિવસમાં 12 હજાર લોકો આવ્યા હતાં. પરંતુ કોન્ટ્રાક્ટરનું તો એક જ રટણ છે કે અકસ્માતના દિવસે માત્ર 210 જ લોકોને ટીકિટ આપવામાં આવી હતી.
મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ
દિવાળીનો તહેવાર અને રવિવાર હોવાથી મોરબી સિવાય અન્ય ગામના લોકો પણ ઝૂલતા પુલ પર આવ્યા હતા. કેટલાક લોકો બહારથી મોરબીમાં પ્રસંગ કે ફરવા આવ્યા હતા તો મુસ્લિમ લોકોનો ઉર્ષ તહેવાર પણ હતો. સાંજે 4 વાગ્યા બાદ પુલ પર લોકોની અવરજવર વધતી જતી હતી. 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ લોકોની ખુશી પુલ તૂટતા ચીચીયારીઓમાં પરિવર્તિત થઈ હતી. અનેક લોકો એક સાથે એક ધડાકે નીચે પડ્યા હતા. જેમાંથી કેટલાક તૂટેલા પુલના સહારે જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો કેટલાક સીધા નદીના ઊંડા પાણીમાં જતા રહ્યા હતા. મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ છે.
નદીમાંથી રેસ્ક્યૂ ટીમે મૃતદેહો બહાર કાઢ્યા
ઝૂલતો પુલ 6 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો
અગાઉ પુલ સાગના લાકડાનો હતો ત્યારે કોઈ દુર્ઘટના થઈ નહતી. પુલને 6 મહિના અગાઉ રીપેરીંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.પુલનો તમામ કોન્ટ્રાકટ ઓરેવા કંપનીને આપવામાં આવ્યો હતો. 2 કરોડના ખર્ચ સાથે ઝાળી અને એલ્યુમિનિયમ દ્વારા ઝૂલતો પુલ 6 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો હતો. દિવાળી હોવાથી લોકો વધુ મુલાકાત લેશે તેથી તંત્રની પરવાનગી અને ફિટનેસ સર્ટિફિકેટ વિના જ ઉતાવળે જ પુલ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. 4 દિવસમાં પુલની 12 હજાર લોકોએ મુલાકાત પણ કરી હતી.
પુલની કેપેસિટી કરતા વધુ લોકોએ અવરજવર કરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તહેવારમાં પુલની કેપેસિટી કરતા પણ વધુ લોકોએ અવરજવર કરી હતી. જેના કારણે પુલ નબળો થયો હતો અને રવિવારે પણ વધુ સંખ્યામાં લોકોએ મુલાકાત લેતા નબળો બનેલો પુલ એક ઝટકે તૂટી પડ્યો હતો. પુલ તૂટતા અનેક લોકો 50 ફૂટની ઊંચાઈથી નીચે પાણીમાં પટકાયા હતા. શરૂઆતમાં 70 જેટલા મૃતદેહ મળ્યા હતા. જે બાદ પાણીની અંદરથી NDRF અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા હતા. 141 મૃતદેહનો આંકડો પહોંચ્યો હતો. હજુ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.
કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે
મોતનું કારણ માત્ર પાણી જ નહીં પરંતુ ઊંચાઈથી નીચે પટકાતા નદીના પત્થર, માટી તથા વેલ પણ માનવામાં આવી રહ્યું છે. SIT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે .210 લોકો જ પુલ પર હોવાની કોન્ટ્રાક્ટરે માહિતી આપી હતી.પુલ પર 400-500 લોકો હોવાના અંદાજ સાથે તપાસ કરવામાં આવશે. પુલની સામગ્રીને લઈને તપાસ કરવામાં આવશે. પુલના તમામ સાધનો તથા કોન્ટ્રાકટની હેઠળ કામ કરતા કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે.
