- અંગોને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં અમદાવાદ-ભુજ પોલીસે ગ્રીન કોરિડોર બનાવી મદદ પૂરી પાડી
શહેરની કે.ડી. હોસ્પિટલમાં નડિયાદના એક દર્દીને લિવર અને કિડનીના ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટથી નવું જીવન મળ્યું છે. એક જ દર્દીમાં એકસાથે બે મહત્ત્વના અંગના ટ્રાન્સપ્લાન્ટનો આ દુર્લભ કેસ છે. ભુજની એક હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવેલી 67 વર્ષની મહિલાના પરિવારના સભ્યો સાથે કાઉન્સેલિંગ પછી પરિવાર અંગોનું દાન કરવા સંમત થયો હતો.
કે.ડી. હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને સપોર્ટ સ્ટાફની ટીમ અદ્યતન ઓર્ગન સ્ટોરેજ અને ટ્રાન્સફર સેટઅપથી સજ્જ એમ્બ્યુલન્સમાં ભુજ ગઈ હતી. બંને અંગ મેળવ્યા પછી ભુજની હોસ્પિટલથી ભુજ એરપોર્ટ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અંગો અમદાવાદ એરપોર્ટ ગ્રીન કોરિડોર બનાવી કે.ડી. હોસ્પિટલ પહોંચાડાયા હતા. આ સાથે કે.ડી. હોસ્પિટલે 52 સફળ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે જેમાં 45 કિડની ટ્રાન્સપ્લાન્ટ અને 7 લિવર ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. અંગદાન મેળવનારા દર્દી નીલેશ પટેલે કે.ડી. હોસ્પિટલનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મને હોસ્પિટલના ડોક્ટરોએ અંગોની ઉપલબ્ધિ વિશે સમજાવ્યું હતું.હોસ્પિટલના ડોક્ટરોને કારણે મને નવું જીવન મળ્યું છે.
ગુજરાત સરકારના સોટ્ટો (સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્પ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) તેમજ દિલીપ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભુજની કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે નડિયાદના દર્દીનું જીવન બચાવવા અંગદાનના મહત્ત્વ અંગે બ્રેઈનડેડ મહિલાના પરિવારને સમજ આપી હતી. 67 વર્ષની મહિલાએ કિડની અને લિવર ઉપરાંત તેના કોર્નિયાનું પણ દાન કર્યું હતું.
જીવન બચાવવા અંગદાન આશીર્વાદ છે
કે.ડી. હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઈએ કહ્યું કે, જે લોકોને તેમના અસ્તિત્વ માટે અંગોની સખત જરૂર છે તેવા લોકો માટે અંગદાન આશીર્વાદ છે. અંગોના ટ્રાન્સફર માટે ગ્રીન કોરિડોર બનાવવામાં સહયોગ બદલ અમે ભુજ અને અમદાવાદ પોલીસ તેમજ એરપોર્ટ ઓથોરિટીનો આભાર માનીએ છીએ.
એર એમ્બ્યુલન્સની મદદ નિર્ણાયક રહી
કે.ડી. હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જન ડો. દિવાકર જૈને સમજાવ્યું કે, બ્રેઈનડેડ દર્દીના કિસ્સામાં સમય ખૂબ કિંમતી હોય છે. દૂરના સ્થળેથી અંગ મેળવવા માટે અંતર અને તાકીદને કારણે એર એમ્બ્યુલન્સની મદદ નિર્ણાયક રહી હતી. નડિયાદના દર્દીનું જીવન બચાવવા લિવર અને કિડની બંનેના પ્રત્યારોપણની જરૂર હતી.
