- 28થી બે દિવસ EDACની મિટિંગ – પરીક્ષામાં જુદી જુદી રીતે ચોરી કરતા પકડાયેલા 95 વિદ્યાર્થીને સજા ફટકારાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તારીખ 28 ડિસેમ્બરથી બે દિવસ EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠક મળવાની છે જેમાં જુદી જુદી રીતે પરીક્ષા દરમિયાન ચોરી કરત પકડાયેલા 95 વિદ્યાર્થીનું હિયરિંગ કરાશે અને તેમને સજા ફટકારવામાં આવશે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે પરીક્ષા દરમિયાન ચોરી કરવામાં વિદ્યાર્થીઓએ નવી નવી ટ્રિક અજમાવામાં આગળ છે જ્યારે આ ટ્રિકને પકડી પાડવામાં સુપરવાઈઝર, ઓબ્ઝર્વર કે સ્ક્વોડ હજુ પાછળ હોવાની સ્થિતિ સર્જાઈ છે.
એકબાજુ જ્યાં પરીક્ષા પહેલા ચેકિંગ દરમિયાન કેન્દ્રનો સ્ટાફ વિદ્યાર્થીઓ પાસે માત્ર મોબાઈલ છે કે કેમ, ચિઠ્ઠી છે, પુસ્તક છે કે કેમ તેવું જ તપાસી રહ્યા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની જ હોલટિકિટ, રાઈટિંગ પેડ, શૂઝમાંથી જવાબો લખીને આવે છે અને પરીક્ષામાં ચતુરાઈથી જોઈ જોઈને લખે છે. જ્યારે વિદ્યાર્થીનીઓ પોતાના હાથ, પગ, નખ અને રૂમાલ તેમજ કપડામાં પણ જવાબો લખીને આવીને પરીક્ષા દરમિયાન ચોરી કરી રહ્યા હોય છે.
પરીક્ષામાં ચતુરાઈથી જોઈ જોઈને લખે
પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા કુલ 95માંથી 35 વિદ્યાર્થી માઈક્રો ઝેરોક્ષ કરીને સાહિત્ય લાવેલા પકડાયા હતા જ્યારે 25 વિદ્યાર્થી હસ્ત લિખિત કાપલીઓ સાથે પકડાયા હતા. આ તમામનું 28મીથી બે દિવસ હિયરિંગ કર્યા બાદ સજા ફટકારાશે.
પરીક્ષા ચોરીમાં અમરેલી નંબર-1, 95માંથી 48 વિદ્યાર્થી અમરેલીના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન ચોરી કરવામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમરેલીના પકડાયા હોવાથી અમરેલી નંબર-1 હોવાની સ્થિતિ છે. EDACની બેઠકમાં જે 95 વિદ્યાર્થીનું હિયરિંગ થવાનું છે તેમાં સૌથી વધુ 48 વિદ્યાર્થીઓ અમરેલી અને લાઠીના હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત બીજા નંબરે સુરેન્દ્રનગરના 18, રાજકોટના 14 અને જામનગર જિલ્લાના 10 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સૌથી વધુ પરીક્ષા ચોરીનું દૂષણ અમરેલી જિલ્લામાં હોવાનું બહાર આવ્યું છે.
બી.એ. સેમેસ્ટર-5માં એક વિદ્યાર્થિની બહારથી સપ્લિમેન્ટરી લાવી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવી છે જેમાં બી.એ. સેમેસ્ટર-5ની એક્સટર્નલની જામનગરની વિદ્યાર્થિની બહારથી સપ્લિમેન્ટરી લાવી હતી અને પકડાઈ ગઈ હતી. અગાઉ પણ BHMSની પરીક્ષામાં પણ એક વિદ્યાર્થી સપ્લિમેન્ટરીમાં બહારથી જ જવાબો લખીને આવ્યો હતો. આ અતિ ગંભીર પ્રકારની બેદરકારી સામે આવ્યા બાદ પણ યુનિવર્સિટી તંત્ર આ પ્રકારની ઘટનાને પરીક્ષા ચોરીમાં ખપાવી દઈને પગલાં લેવામાંથી કે તપાસ કરવામાં પાછી પાની કરે છે. આ સપ્લિમેન્ટરી યુનિવર્સિટી જ આપે છે, તો વિદ્યાર્થી કઈ રીતે ઘેરથી લખીને આવી શકે? આમાં યુનિવર્સિટી અને કોલેજની મિલીભગત જ હોવાનું શિક્ષણવિદો જણાવે છે.
