ધાનાણી ચૂંટણી પહેલાં જ ભાજપની છાવણીમાં!:અમરેલીમાં ભાજપના કાર્યાલયમાં કોંગ્રેસના પરેશ ધાનાણી પહોંચ્યા, રૂપાલાને પગે લાગી ચાની ચૂસ્કી મારી

By Abhishek Raghuvanshi
2 Min Read

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા ભાગદોડ કરી રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારે અમરેલીમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય અને ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા હતા. અચાનક ભાજપના કાર્યાલયમાં ધાનાણીની એન્ટ્રી થતાં ભાજપ કાર્યાલયમાં સન્નાટો છવાઇ ગયો હતો. ધાનાણીએ પુરુષોતમ રૂપાલાને પગે લાગીને સાથે બેસીને ચાની ચૂસ્કી મારી હતી.

દાવ પેચ ભૂલી ચાની ચૂસ્કી
અમરેલીમાં ભાજપ કાર્યાલયમાં વહેલી સવારે પુરુષોતમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા, ત્યારે અચાનક ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને લઘુબંધુ શરદ ધાનાણી ભાજપના કાર્યાલયમાં પ્રવેશતા ઘડીભર માટે સન્નાટો કાર્યાલયમાં છવાઇ ગયો હતો. સૌ પ્રથમ ધાનાણી પુરુષોતમ રૂપાલાને પગે લાગી આશીર્વાદ લીધા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ભાજપના કાર્યાલયમાં રહેલા કાર્યકરો કોંગ્રેસના કાર્યકરોને અને મને આશીર્વાદ આપે. પરેશ ધાનાણીએ મોડી રાત્રે રાજકમલ ચોક ખાતે જંગી સભા યોજી હતી. જેમાં તેમણે ભાજપ પર અનેક આક્ષેપ કર્યા હતા. જોકે, વહેલી સવારે ભાજપના જ કાર્યાલયમાં પહોંચી દાવ પેચ ભૂલી ચાની ચૂસ્કી માણતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

ધાનાણીએ ભાજપના ધરખમ નેતાઓને હરાવ્યા
ખેડૂત અને પાટીદાર સમાજની બહુમતીવાળા અમરેલી જિલ્લાની બધી બેઠકો પર ભાજપ ક્યારેય ભગવો નથી લહેરાવી શક્યો. ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનના વાવાઝોડામાં તો ભાજપનો સફાયો થયો હતો. જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપની હાર થઈ હતી. એક સમયે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરેશ ધાનાણીએ સતત બે ટર્મથી અમરેલી સીટ પર ભાજપના ધુરંધરોને માત આપી છે. ભાજપના ધરખમ નેતા રૂપાલા, સંઘાણી બાદ ગઈ ચૂંટણીમાં બાવકુ ઉંધાડ ધાનાણીએ હરાવ્યા હતા.

Exit mobile version