ધરા ધ્રુજી:ભૂતળમાંથી પાણી ખેંચાતા ભૂગર્ભિય હલચલથી મિતીયાળામાં એક માસમાં ભૂકંપના 30 આંચકા, ગતરાત્રે પણ ધરા ધ્રુજી ઉઠી હતી

By Abhishek Raghuvanshi
4 Min Read
  • ડુંગરોની વચ્ચે માત્ર ત્રણ ગામની સીમમાં વારંવાર આવી રહ્યો છે ભૂકંપ
  • આઇએસઆરની ટીમે અગાઉ સર્વે કર્યો હતો
  • આસપાસ 100થી વધુ નાના-મોટા ડુંગર અને ટેકરા છે

સાવરકુંડલા તાલુકાનુ ગીરકાંઠાનુ મિતીયાળા ગામ હાલમા ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. કારણ કે અહી દિવસ દરમિયાન ગમે ત્યારે ભુકંપનો હળવો આંચકો આવી જાય છે. છેલ્લા એકાદ માસમા અહી ભુકંપના આવા 30 આંચકા આવ્યા છે. છેલ્લા દસ માસથી આ સ્થિતિ છે અને થોડા સમય પહેલા આઇએસઆરની ટીમે અહી આવી સર્વે કર્યો હતો. મિતીયાળાના ગામ લોકો જાણે જાગતા સુવે છે. કારણ કે તેમને સતત ભુકંપનો ભય સતાવી રહ્યો છે. ભુકંપ આવવાનો આ સીલસીલો ગત ઉનાળાથી ચાલુ થયો છે. ગામનો સીમાડો જયાં પુરો થાય ત્યાંથી જંગલ ચાલુ થઇ જાય છે.

આ ગામ નાના ડુંગરોથી ઘેરાયેલુ છે. અહી ગમે ત્યારે જમીનમાથી ગડગડાટના અવાજ સાથે ભુકંપનો હળવો આંચકો અનુભવાય છે. આ ભુકંપ મોટાભાગે બેથી ત્રણ સેકન્ડ માટે જ રહે છે. ગઇરાત્રે 8:50 કલાકે પણ અહી આવો જ એક ભુકંપ અનુભવાયો હતો. ગઇરાત્રે આ ભુકંપ મિતીયાળા ઉપરાંત બાજુના અભરામપરા અને કૃષ્ણગઢ ગામ સુધી અનુભવાયો હતો. વારંવાર આવતા આ પ્રકારના ભુકંપથી ગામમા કોઇ વિશેષ નુકશાની જોવા મળતી નથી. કેટલાક મકાનોમા પાછલા દિવસોમા તીરાડો પડી છે. પરંતુ ભુકંપની તીવ્રતા હળવી હોય કોઇ વિશેષ નુકશાન જોવા મળતુ નથી. પરંતુ લોકોમા ખોફનો માહોલ જરૂર છે.

સ્થાનિક ગામ લોકો કહે છે દિવસમા એકાદ વખત ભુકંપનો અનુભવ જરૂર થાય છે. પાછલા ત્રીસેક દિવસના સમયગાળામા ત્રીસેક વખત ભુકંપ અનુભવાયો છે. કયારેક દિવસમા બે ત્રણ આંચકા આવે છે તો કયારેક બે ત્રણ દિવસે એક આંચકો આવે તેવુ પણ બને. અહી ગામ આસપાસના દસ કિમીના વિસ્તારમા 100થી વધુ નાના મોટા ડુંગર અને ટેકરા છે.

ગામમા 50 ટકા જેટલા ઘર કાચા છે. ચાર માસ પહેલા ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચની ટીમ અહી ખાસ દોડી આવી હતી. આસપાસની નદીઓનો પણ સર્વે કર્યો હતો. અને પાણી ભુતળમા ઉતર્યા બાદ આ પાણી ખેંચાતા ભુગર્ભીય હલચલના કારણે હળવા આંચકા આવતા હોવાનુ તારણ આપ્યુ હતુ.

- Advertisement -

ગાંધીનગર સુધી જાણ કરી છે: મામલતદાર
અહીના ડિઝાસ્ટર કંટ્રોલરૂમના મામલતદાર ભાડભાઇએ જણાવ્યું હતુ કે 2.5ની તીવ્રતાથી વધારેનો ભુકંપ હોય તો સીસ્મોલોજી વિભાગ જાણ કરે છે. અગાઉ વધારે આંચકા આવતા ત્યારે ગાંધીનગર સુધી જાણ કરાતા આઇએસઆરની ટીમે આવી તપાસ કરી હતી. હાલમા 2.5થી વધુ તીવ્રતાનો કોઇ ભુકંપ આવ્યો નથી. – ભાડભાઇ

સોનીયા ડુંગર નીચે થઇ રહી છે હલચલ
ગામથી થોડે દુર સોનીયો ડુંગર આવેલો છે. મોટાભાગના લોકોને એવુ લાગે છે કે આ ડુંગરના તળમા કોઇ હલચલ થઇ રહી છે. કારણ કે ભુકંપની શરૂઆત પણ આ દિશામાથી જ થતી હોય તેવુ જણાય છે.

ચોમાસામાં ભૂકંપ આવતો બંધ થયો હતો
ગત ઉનાળામા મિતીયાળામા ભુકંપ આવવાની શરૂઆત થઇ હતી. જો કે ચોમાસુ આવતા સુધીમા ભુગર્ભની હલચલ શાંત થઇ ગઇ હતી. જેથી લોકોને હાશકારો થયો હતો. પરંતુ હવે શિયાળાના આરંભે ફરી એકવાર ભુકંપ આવવાનુ શરૂ થયુ છે.

તંત્રને જાણ કરીએ છીએ પણ કોઇ આવતું નથી
અહીના ઉપસરપંચ સાહિદ ગગનીયાએ જણાવ્યુ હતુ કે વારંવારના ભુકંપથી ગામ લોકોમા ડર જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્રએ અહી આવી તપાસ કરવી જોઇએ અને લોકોને માહિતગાર કરવા જોઇએ. જાણ કરીએ છતા કોઇ ડોકાતુ નથી. – સાહિદ ગગનીયા, ઉપસરપંચ

Exit mobile version