દસ જ દિવસમાં પાસપોર્ટ મળી જશે:મોબાઇલ પાસપોર્ટ પોલીસ સેવા એપથી કામ સ્પીડમાં થશે, વેરિફિકેશન સીધું સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચી જશે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • પાસપોર્ટ કચેરી અને ગુજરાત પોલીસના સંકલનથી મોબાઇલ પાસપોર્ટ એપ શરૂ કરાશે

હાલ રાજ્યના નાગરિકોને નવા કે રિન્યૂ પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ સામાન્ય કે તાત્કાલિક અરજી પછીયે એક મહિના બાદની મળે છે. પાસપોર્ટ તૈયાર થવામાં અનેક સ્તરે મોડું થતું હોવાથી નાગરિકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખી પાસપોર્ટ કચેરી અને ગુજરાત પોલીસે ‌‌‘મોબાઇલ પાસપોર્ટ પોલીસ સેવા એપ’ લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે.

હાલ આ એપની ટ્રાયલ ચાલી રહી છે. આ એપ શરૂ થઈ ગયા પછી અરજદારનો પાસપોર્ટ મેળવવાનો સમય ઘણો ઘટી જશે. હાલ પોલીસ ઈન્ક્વાયરીથી પ્રિન્ટિંગ અને ડિસ્પેચ સુધી પાસપોર્ટ તૈયાર થતાં 15 દિવસ લાગે છે, જેમાં હવે ચાર દિવસ ઘટી જશે. આ એપ થકી અરજદારોને સીધો દસથી 11 દિવસમાં પાસપોર્ટ મળી જશે. પાસપોર્ટ મેળવવા અતિમહત્ત્વના ગણાતા પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયામાં પણ ઘણો સમય બચી જશે.

હાલમાં પાસપોર્ટ મળતાં 15 દિવસ કેમ થાય છે?

  • અરજી આપ્યા પછી બીજા દિવસે કમિશનર કે એસપી ઓફિસમાં જાય છે.
  • ત્યાંથી ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢી સ્થાનિક પોલીસ મથક સાથે કનેક્ટેડ સિસ્ટમમાં અપલોડ કરતાં બે-ત્રણ દિવસ થાય છે.
  • સ્થાનિક પોલીસ મથકમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્રણ-ચાર દિવસમાં કૉલ આવે છે, જ્યારે ઘણીવાર આ કામગીરીમાં વિલંબ પણ થાય છે.
  • વેરિફિકેશન પૂર્ણ થયા બાદ કમિશનર કે એસપી ઓફિસમાં ફાઇનલ એપ્રૂવલની કામગીરી કરતાં ત્રણ-ચાર દિવસ થાય છે.
  • પાસપોર્ટ પ્રિન્ટિંગ અને ડિસ્પેચમાં ચાર દિવસ થાય છે. આમ, 15 દિવસે પાસપોર્ટ હાથમાં આવે છે.

વિશ્વના શકિતશાળી પાસપોર્ટમાં ભારત 90મા સ્થાને
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં વિશ્વના શકિતશાળી પાસપોર્ટમાં જાપાનનો પહેલો નંબર છે. બીજી તરફ, ભારત 84મા સ્થાનેથી સરકીને વર્ષ 2021માં 90મા ક્રમે પહોંચી ગયું છે. ભારતીય પાસપોર્ટ વિશ્વના કુલ 58 દેશમાં ફ્રી વિઝાની સુવિધા ધરાવે છે.

- Advertisement -

ગુજરાત પોલીસનો સહકાર મળશે તો એપ છ મહિનામાં શરૂ થશે
આ અંગે અમદાવાદ રીજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં આ એપ શરૂ થઈ ગઈ છે. હવે ગુજરાતમાં પોલીસ વિભાગનો સહકાર મળશે તો આગામી છ મહિનામાં એપ શરૂ થઇ જશે. હાલ આ એપને લઇ વિવિધ સેમિનારનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આ એપથી અરજદારનું વેરિફિકેશન ઝડપી અને સરળ થઈ જશે.

આ રીતે 10 જ દિવસમાં પાસપોર્ટ મળશે

  • અરજદાર પીએસકેમાં પાસપોર્ટની અરજી કરશે.
  • બીજા દિવસે દસ્તાવેજો એપથી સ્થાનિક પોલીસ મથકે પહોંચશે.
  • અરજદારને બે-ત્રણ દિવસમાં વેરિફિકેશન માટે બોલાવાશે અને સિસ્ટમથી કમિશનર ઓફિસમાં સબ્મિટ કરાશે.
  • કમિશનર ઓફિસમાંથી ફાઇનલ એપ્રૂવલ પછી પાસપોર્ટ પ્રિન્ટમાં જશે. આ કામમાં બે દિવસ થશે.
  • પ્રિન્ટિંગમાં ગયેલા પાસપોર્ટ ત્રણ દિવસમાં ડિસ્પેચ થઈ જશે.
  • અરજદારના હાથમાં 10થી 11 દિવસમાં (રજા સિવાયના) પાસપોર્ટ આવી જશે.
Exit mobile version