
ગોંડલ વિધાનસભાની ચૂંટણી હવે રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ રહી હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. ગોંડલનાં ભાજપનાં ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ખુલ્લી ધમકી બાદ રીબડાના અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને અનિરુદ્ધસિંહ જાડેજાની ‘પ્રેસ’ પર સૌની મીટ મડાઈ છે. બે જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતાં ચૂંટણીપંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી છે.
જેતપુર તાલુકા ભાજપ-પ્રમુખનું નિધન
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને ગઈકાલે હાર્ટ-એટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રૈવતસિંહ વ્યસ્ત રવિવારે રાત સુધી સભાઓ અને રેલીમાં દોડધામ કરતા હતા. તેમને અચાનક હાર્ટ-એટેક આવતાં ગ્રામ્ય કોંગ્રેસના સમર્થકો ચિંતામાં મુકાયા છે. તો આજે જેતપુર તાલુકા ભાજપ-પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું હાર્ટ-એટેકને લીધે અવસાન થતાં ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કાના પ્રચાર આજે શાંત થશે
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે રાજકીય પક્ષો-ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવશે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સ્ટારપ્રચારકો વિવિધ જગ્યાએ રેલીઓ અને સભાઓ ગજવશે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. બીજી તરફ, બીજા તબક્કાની બેઠકો પર નેતાઓનો પ્રચાર ધૂમ મચાવશે.
આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં નેતાઓ કરશે પ્રચાર
આજે સાંજે 5 વાગ્યે જાહેર પ્રચાર પર પડદો પડે એ પહેલાં આજે રાષ્ટ્રીય નેતાઓ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર કરશે. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો રોડ-શો યોજાશે. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની માંડવી અને ગાંધીધામમાં ચૂંટણીપ્રચાર કરશે. તો અભિનેતા પરેશ રાવલ સાવરકુંડલામાં ચૂંટણીપ્રચાર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 3 જિલ્લામાં 4 જનસભાને સંબોધન કરશે.
બીજી ડિસેમ્બરે વડાપ્રધાનનો અમદાવાદમાં રોડ શો
વડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાત ગજવશે. છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં પ્રચારમાં દોડી રહેલા વડાપ્રધાન મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચાર શાંત છે ત્યાં બીજા તબક્કાની બેઠકો પર મોદીનો રોડ શો યોજાશે. પહેલી અને બીજી ડિસેમ્બરે વડાપ્રધાન છોટાઉદેપુર, કાલોલ, હિંમતનગરમાં જંગી જનમેદનીને સંબોધન કરશે. એ ઉપરાંત બીજી ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ભગવંત માન આજે સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ શો કરશે
આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ શો કરશે. પ્રથમ તબક્કા માટે 1લી ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 89 બેઠક માટે મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 788 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ઉમેદવાર મતદાનના દિવસ સુધી ડોર ટુ ડોર મતદાન અપીલ કરી શકશે.
આમોદમાં કોંગ્રેસની સભામાં મારામારી
ભરૂચના આમોદમાં જંબુસર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીની સભા યોજાઈ હતી. આ સભા દરમિયાન મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીને સભા છોડી દેવા માટે મજબૂર બનવું પડ્યું હતું. વડોદરાની સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતના પ્રચાર માટે આજે સાંજે સાડા ચાર વાગ્યે કોંગ્રેસના નેતા કનૈયાકુમાર આવશે. ગોરવા આઇટીઆઇ ચાર રસ્તા પાસે જાહેરસભાને સંબોધન કરશે.
