રવિવારની સાંજે મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થતા સેકન્ડોની અંદર 135થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીઓમાં આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. તેમજ મોરબી બાદ રાજકોટ બાર એસોસિએશન દ્વારા પણ આરોપીઓ તરફી કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ મ્યુનિ. કચેરીમાં પ્રાર્થના સભા
મોરબી દુર્ઘટનામાં જીવ ખોનાર દિવંગતોના આત્માની શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બાર એસોસિએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. રાજ્યવ્યાપી શોકમાં શહેરભરના મોટી સંખ્યામાં લોકો જોડાશે અને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવશે.
ખેડામા કેન્ડલ માર્ચ અને મૌન સભાનું આયોજન
મોરબીની દુર્ઘટનાને પગલે આજે રાજ્યભરમાં શોકની જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજ્યવ્યાપી શોકમાં ખેડા જિલ્લો સહભાગી બની તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લાની કચેરી પર લહેરાતા રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ સહિતના લોકોએ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. કેન્ડલ માર્ચ તથા આજે મૌન સભાનું પણ ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે.
પુલ ત્રણ દિવસમાં જ તૂટી પડ્યો
ઝૂલતા પુલનું મેનેજમેન્ટ સાંભળનાર ઓરેવા ટ્રસ્ટ સામે પોલીસે સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી મેનેજર સહિત નવ વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. ઓરેવા ગ્રૂપે તાજેતરમાં જ બે કરોડના ખર્ચે આ પુલનું સમારકામ કર્યું હતું અને સાત મહિનાથી બંધ એ પુલને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી લોકો માટે ફરી ખુલ્લો મુકાયો હતો. કમનસીબે બે કરોડના ખર્ચ પછી એ પુલ ત્રણ દિવસમાં જ તૂટી પડ્યો.
ટિકિટની લાયમાં એન્ટ્રી બંધ જ ન કરી
આ દુર્ઘટનાની તપાસ માટે SITની રચના કરાઈ છે. એ તપાસ તો થશે પણ એક સામાન્ય અનુમાન એવું છે કે એક સાથે મોટી સંખ્યામાં લોકો પુલ ઉપર હોવાને કારણે વજન વધી જતાં પુલ તૂટી પડ્યો. ટિકિટો ફાટતી જતી હતી. કોઈને વિચાર સુદ્ધાં ન આવ્યો કે, હવે નવી એન્ટ્રી બંધ કરવી જોઈએ.
PM મોદીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું
વડાપ્રધાનએ પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, NDRF, SDRF, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
ટેક્નિકલ પાસાઓ વિશે માહિતી મેળવી
વડાપ્રધાનએ મંગળવારે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યૂ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાનએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેક્નિકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી.
