ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો પાસે પ્રચાર કરવાનો સમય ખૂબ જ ઓછો છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન મોદી ટૂંકા ગાળામાં 150 બેઠક પર પ્રચાર કરે એવું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. એ ઉપરાંત સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતારવા માટેની તૈયારીઓ કરી દેવાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસની પણ તૈયારીઓ કરી દેવાઈ છે. ટિકિટ જાહેર થતાં જ બંને પક્ષમાં ભડકો થયો છે. ત્યારે અલ્પેશ ઠાકોરને ક્યાં ઊભા રાખવા એ અંગે ભાજપમાં 6 બેઠક પર કોકડું ગૂંચવાયું છે. એવી જ રીતે કોંગ્રેસમાં પણ 15 બેઠક પર ઉમેદવારો જાહેર કરવા બાબતે મૂંઝવણ ઊભી થઈ છે. બીજી બાજુ વડોદરામાં ટીકિટ કપાતા નારાજ થયેલા ત્રણેય દિગ્ગજોને મનાવવા હર્ષ સંઘવી તેમની સાથે બેઠક કરશે.
ભાજપે બે બેઠકો પર સિટીંગ ધારાસભ્યોનુ પત્તુ કાપ્યું
ભાજપે આજે વધુ છ ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ખંભાળિયાથી મુળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમાં ભાવનગર પૂર્વમાંથી વિભાવરીબેન દવે અને ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલની ટીકિટ કાપવામાં આવી છે.
નારાજ થયેલા ભાજપના દિગ્ગજોને મનાવવા ડેમેજ કંટ્રોલ
વડોદરા જિલ્લાની ત્રણેય બેઠકો પર નારાજગી વધી રહી છે. ભાજપે દિનેશ પટેલ, મધુશ્રીવાસ્તવ અને સતીષ પટેલની ટીકિટ કાપતાં ત્રણેય નેતાઓ લડી લેવાના મુડમાં જોવા મળ્યાં છે. દિનેશ પટેલે તો અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે આ નારાજ થયેલા નેતાઓને મનાવવા માટે હર્ષ સંઘવી તેમની સાથે બેઠક કરે તેવી શક્યતાઓ છે. ભાજપના નારાજ થયેલા દિગ્ગજોને મનાવવા આજે ડેમેજ કંટ્રોલ થશે.
ધોરાજી બેઠક પર ભાજપના ડો. પાડલીયા VS કોંગ્રેસના વસોયા
ભાજપ દ્વારા વધુ 6 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જયારે નિર્ણાયક ગણાતી ધોરાજી બેઠક પર ભાજપે ડો. મહેન્દ્ર પાડલીયાના નામની જાહેરાત કરી છે. જયારે બીજી તરફ ધોરાજી બેઠક પર સતત કોંગ્રેસને જીત અપાવતા લલિત વસોયાના નામની જાહેરાત કરી છે.ત્યારે ધોરાજીની બેઠક પર લેઉવા-કડવા પટેલ વચ્ચે રસાકસીનો જંગ યોજાયો છે.
PM મોદીની 25 રેલીમાં 150 બેઠક કવર કરવાનું આયોજન
વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે. તેઓ લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે, એવું ભાજપનાં સૂત્રો જણાવી રહ્યાં છે. આ રેલીઓની તારીખોને PMOમાંથી મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે. પીએમ મોદી સહિત સ્ટાર પ્રચારકોના નેતૃત્વમાં આ ચૂંટણી રેલીઓ આગામી સપ્તાહથી શરૂ થાય એવી આશા છે. તેમના કાર્યક્રમોને આજસુધીમાં અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે. પીએમ મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતનો પ્રવાસ કરશે.
અશોક ગેહલોત આજે કોંગ્રેસનો ચૂંટણીઢંઢેરો જાહેર કરશે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાતમાં ચૂંટણીઢંઢેરો જાહેર કરવાના હતા, જોકે અત્યારે ઉમેદવારોનાં નામ જાહેર કરાયા બાદ કેટલીક બેઠકો પર વિવાદ ઊભો થયો છે અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે એવા સમયે ખડગેનો ગુજરાત કાર્યક્રમ હાલપૂરતો મોકૂફ રખાયો છે, હવે ખડગેના બદલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના ચૂંટણીઢંઢેરાની જાહેરાત કરશે. આ ઢંઢેરોમાં અગાઉ રાહુલ ગાંધીએ પાંચમી સપ્ટેમ્બરે અમદાવાદમાં જે વાયદા કર્યા હતા એ જાહેર કરાશે, જેમાં ખેડૂતોનું દેવું માફ, ગેસ-સિલિન્ડર રૂ.500, સામાન્ય લોકો માટે 300 યુનિટ વીજળી મફત, જૂની પેન્શન યોજનાનું અમલીકરણ જેવી બાબતો સામેલ હશે.
ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વિપુલ ચૌધરીનું સમર્થન કર્યું
ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ અર્બુદા સેનાના સંમેલનને સમર્થન આપ્યું છે. વિપુલ ચૌધરીએ આમ આદમી પાર્ટીમાં મહેસાણાના વીસનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આમંત્રણ આપ્યુ છે. 15 નવેમ્બરે અર્બુદા સેના દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં માનસિંહ પટેલની જન્મજયંતી નિમિત્તે આ સ્નેહમિલન યોજાવાનું છે. આ અગાઉ પણ ભરતસિંહે મહેસાણાના ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે બધા એક્ઠા થઈ વિપુલ ચૌધરીને ફરી રાજકારણમાં લાવીએ અને તેમને ફરી ગૃહમંત્રી બનાવીએ.
કોંગ્રેસે રાહુલ અને પ્રિયંકા ગાંધીના પ્રચારની તૈયારીઓ કરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં છે. આ યાત્રા હાલમાં મહારાષ્ટ્રમાં ફરી રહી છે. ત્યારે ગુજરાતની ચૂંટણીથી દૂર રહેલા કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓને લઈને સવાલો ઊભા થયા છે. ત્યાં નવરાત્રિ દરમિયાન ગુજરાત આવનારાં પ્રિયંકા ગાંધી હવે છેલ્લી ઘડીએ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવશે. તેમની સાથે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં 25 નવેમ્બરે રોડ શો કરશે. એ ઉપરાંત પ્રિયંકા ગાંધી સોમનાથમાં દર્શન કરીને પ્રચારમાં ઝંપલાવશે.
અલ્પેશ ઠાકોરને કારણે ભાજપમાં 6 બેઠકમાં ગૂંચવણ
ભાજપમાં કોંગ્રેસમાંથી આયાતીઓને સેટ કરવા અને કેટલાક સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપવાની માથાપચ્ચીમાં 22 બેઠકના ઉમેદવારો જાહેર થયા નથી. રાધનપુર મતક્ષેત્રમાં અલ્પેશ ઠાકોર સામે પહેલેથી જ વિરોધ છે. એવામાં ગાંધીનગર દક્ષિણ બેઠકમાં પણ ભાજપમાં આંતરિક વિરોધ સપાટીએ પર પહોંચ્યો છે, જેથી ઠાકોર મતદારોનું વર્ચસ્વ ધરાવતા રાધનપુર, પાટણ, ગાંધીનગર દક્ષિણ, કલોલ અને માણસા એમ પાંચ અને આ પાંચેયનાં સમીકરણોને આધારે ગાંધીનગર ઉત્તર એમ છ બેઠકો માટે ટિકિટ ફાળવણીની પ્રક્રિયા વધુ ગૂંચવાયાનું ચિત્ર ઊપસ્યુ છે.
કોંગ્રેસની નો-રિપીટેશન ફોર્મ્યુલા 16માંથી 15 ચહેરા બદલી કાઢ્યા
કોંગ્રેસે ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરતાં સુરતની 16 બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. સુરતની 16 પૈકી 15 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો બદલવા પડ્યા છે. માત્ર માંડવી બેઠક પર સીટિંગ ધારાસભ્ય આનંદ ચૌધરીને રિપીટ કરાયા છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ એકમાત્ર માંડવી બેઠક જ જીતી શક્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ચૂંટણી નહિં લડે એવી સંભાવના છે. પાર્ટીએ મહુવાથી હેમાંગી ગરાસિયાને ટિકિટ આપી છે, જ્યારે 2014 અને 2019માં બારડોલી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે હારી ગયા હતા. કોંગ્રેસે સુરત શહેરની 12 બેઠક પૈકી 4 બેઠક પર પૂર્વ નગરસેવકને ટિકિટ આપી છે. પૂર્વ નગરસેવક અસલમ સાઇકલવાલાને સુરત-પૂર્વ, નિલેશ કુંભાણીને કામરેજ, પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા પપન તોગડીયાને વરાછા, ધનસુખ રાજપૂતને ઉધના બેઠક પર ટિકિટ આપી છે.
