ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. અત્યારસુધી ધીમી ગતિએ ચાલતી ઉમેદવારની પસંદગી, પ્રચાર સહિતની કામગીરીમાં વેગ આવ્યો છે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીપ્રક્રિયા બુલેટ ટ્રેનની સ્પીડે શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવાર જાહેર કરતાં હવે કુલ 118 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ, ગઈકાલે અમિત શાહની હાજરીમાં ભાજપના 47 ઉમેદવાર અંગે મંથન થયું હતું. જ્યારે આજે વધુ 58 ઉમેદવારો અંગે મંથન થશે. એ ઉપરાંત કોંગ્રેસમાં હજી પણ મામલો ગૂંચવાયેલો છે. આજે દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો અંગે મંથન થશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનું પણ આયોજન થઈ રહ્યું છે, જ્યારે વડાપ્રધાન 6 નવેમ્બરે ગુજરાત આવી રહ્યા છે.
આજે ભાજપના 58 ઉમેદવાર અંગે ચર્ચાઓ થશે
ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની પહેલા દિવસની ચર્ચામાં 13 જિલ્લાની 47 બેઠકના ઉમેદવારો અંગે મંથન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમિત શાહ, સી.આર. પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલની બંધબારણે બેઠક પણ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે બીજા દિવસે પણ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં 58 બેઠકની ઉમેદવારો માટે મંથન કરવામાં આવશે. ગાંધીનગરની 5, મહેસાણાની 7, અમરેલીની 5 બેઠક, બોટાદની 2 બેઠક, અમદાવાદમાં 5 બેઠક, ભાવનગરની 7, ખેડાની 6 બેઠક, જામનગરની 5 બેઠક પંચમહાલની 5, નવસારીની 4, ભરૂચની 5 બેઠક માટે ચર્ચા થશે.
રાહુલ ગાંધી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવશે
વડાપ્રધાન મોદીના સતત પ્રવાસોને લઈ કોંગ્રેસમાં રાહુલ ગાંધીના પ્રવાસો અંગે પણ અટકળો વહેતી થઈ હતી. ત્યારે હવે ભારત જોડો યાત્રામાંથી સમય કાઢી રાહુલ ગાંધી 3 દિવસ માટે ગુજરાત આવશે. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને ગુજરાત કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. તેઓ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવીને ચારથી પાંચ સભાઓ ગજવી શકે એવું આયોજન કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસનાં સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સૂત્રોના મતે રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં સભાઓ સંબોધી શકે છે. એ ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવે એવી શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 નવેમ્બરે ગુજરાત આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 6 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મોરબીની દુર્ઘટના બાદ PM મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. ચૂંટણી જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે, જેમાં તેઓ ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ સુરેન્દ્રનગર અને વલસાડમાં સભા સંબોધશે.
આજે કેજરીવાલ AAPનો મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મંખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું હતુ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જનતાના મતથી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવ્યો છે. બીજી તરફ આપ પાર્ટી ચૂંટણી જાહેર થયા બાદ વધુ 10 ઉમેદવારનાં નામ જાહેર કર્યા છે, જેમાં કલોલ-ગાંધીનગરથી કાંતિજી ઠાકોર અને દરિયાપુરથી તાજ કુરેશીને ટિકિટ આપી છે. ડિસેમ્બર મહિનાની સંભવિત ચૂંટણીના એક મહિના અગાઉ આજે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારની યાદી સાથે નવમું લિસ્ટ બહાર પાડ્યું છે. આ નવી યાદી સાથે AAPએ વિધાનસભા ચૂંટણી માટે અત્યારસુધીમાં 118 ઉમેદવારનાં નામ જાહેર કર્યા છે. AAP તમામ 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહી છે.
કોંગ્રેસના સાંસદ શક્તિસંહના ચૂંટણીપંચ અને ભાજપ પર શાબ્દિક પ્રહાર
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પયાત્રા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં પહોંચી હતી, જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ચૂંટણીપંચ તેમજ વડાપ્રધાન સહિત ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તેમજ દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં કોંગ્રેસની સરકાર બને તો લોકોનાં અધૂરાં કામ પૂરાં થશે. તેમણે જણાવ્યું હતું કે લોકો ભાજપની જોડતોડવાળી રાજનીતિમાંથી બહાર આવે એ જરૂરી છે. ભાજપ પોતાને ભરોસાની સરકાર કહે છે, પરંતુ આ ભરોસાની ભેંસે પાડો જણ્યો અને વિકાસની રાજનીતિ કરી છે, સાથે જ મતો માટે રાજનીતિ થાય, પરંતુ લોકોના મોત પર રાજનીતિ ન થવી જોઈએ.
ભાજપે 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને સોંપી મોટી જવાબદારી
વિધાનસભા ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ થઈ ગઈ છે, જેમાં 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને આપી જવાબદારી સોંપવામાં આવી છે. એ માટે ભાજપે રાષ્ટ્રીય હોદ્દેદારો, સાંસદો, અન્ય રાજ્યોના મંત્રીઓને જવાબદારી સોંપી છે, જે અનુસંધાને શહેરી વિસ્તારો સિવાય તમામ જિલ્લાઓમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. એ તમામ નેતાઓ જે-તે જિલ્લામાં ચૂંટણી સુધી હાજર રહેશે અને ચૂંટણી જીતનાં સમીકરણો રચશે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને બનાસકાંઠાની જવાબદારી સોંપાઈ છે. વિનોદ તાવડેને વડોદરાની જવાબદારી, સીટી રવિને આણંદની જવાબદારી સોંપાઈ છે. તરુણ ચુગને જામનગર જિલ્લો સોંપાયો તો સ્વતંત્રદેવ સિંહને કચ્છ જિલ્લાની જવાબદારી અપાઈ છે. ઈંદર પરમારને ખેડા જિલ્લો, અરવિંદ ભદોરિયાને ભરૂચ જિલ્લો સોંપાયો છે. નીતિન નવીનને સુરત જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
