ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સત્તા મેળવવા રાજકીય પક્ષોએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી છે. ત્યારે ભાજપના ઉમેદવારો માટે આજે દિલ્હીમાં મંથન થવાનું છે. જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી દોડી ગયાં છે. તે ઉપરાંત આજે પાટીદાર સંસ્થાઓના દિગ્ગજોની મીટિંગ પણ યોજાવાની છે. અરવિંદ કેજરીવાલ જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં રોડશો કરશે. પી. ચિદમ્બરમે અમદાવાદમાં કહ્યું કે, મોરબી દુર્ઘટના અંગે સરકારે માફી માંગી નથી, હું આશા રાખું છું કે હાઈકોર્ટ મુદ્દા ઉઠાવે.
પી.ચીદમ્બરમે કહ્યું મોરબી દુર્ઘટનાની જવાબદારી કોઈએ નથી લીધી
કોંગ્રેસના નેતા પી ચીદમ્બરે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે મોરબી દુર્ઘટનાને લઈને સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં કોઈ અધિકારી કે સરકારે માફી માંગી નથી. હું આશા રાખું છું કે હાઈકોર્ટ મુદ્દાઓ ઉઠાવે. આ ઘટનાની જવાબદારી પણ કોઈએ લીધી નથી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો છે.મારી ગુજરાતની જનતાને અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો. અહીં અશિક્ષિત યુવાનો અને ઓછું ભણેલા યુવાનો બેરોજગાર છે.
ભાજપમાં રાજકોટ પશ્ચિમ બેઠક પર ખેંચતાણ
દાયકાઓથી ભાજપનો ગઢ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક અગાઉ વજુભાઈ વાળાનો અને હવે વિજય રૂપાણીનો મત વિસ્તાર હોય અને રૂપાણી પોતે ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરતાં તેમની સામે વજુભાઈના અંગત મદદનીશનું નામ મુકાતા ભારે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વજુભાઈના અંગત મદદનીશ તેજસ ભટ્ટીનું આ બેઠક પર દાવેદાર તરીકે નામ મુકવામાં આવ્યું છે. વજુભાઈ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ જઈને આવ્યાં છે. આમ બંને મોટા માથાઓ પોતાને નહીં તો પોતાનાને ટીકિટ મળે તેવા પ્રયત્નોમાં લાગી ગયાં છે.
પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના નેતાઓની જીભ લપસી
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં સિદ્ધાર્થ પટેલની જીભ લપસી હતી. જાહેર મંચ ઉપરથી બોલ્યા અબકી બાર ભાજપ સરકાર. કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલના જાહેર મંચ પરના આ નિવેદનને લઈ સૌ સ્તબ્ધ થયા હતા. વલસાડના ધરમપુર પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ભાજપ પ્રેમ જોવા મળ્યો હતો. કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ધરમપુર ખાતે સંકલ્પ લઈ ભાજપને 5 સીટ જીતશેનું નિવેદન આપ્યું હતું. જોકે તુરત જ દિનેશ પટેલે નિવેદન બદલી કોંગ્રેસ જીતશે કહ્યું હતું.
સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ દિલ્હી પહોંચ્યા
ભાજપના ઉમેદવારોની યાદીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ઉમેદવારોના નામ અંતિમ મહોર હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ લગાવશે. આ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દિલ્લી પહોંચી ગયા છે.ઉમેદવારોના નામને લઈને ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ટિકિટ વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ તમામ 182 બેઠકોના ઉમેદવારોના નામની ફાઈનલ યાદી તૈયાર કરાશે. દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલની યાદી મોકલવામાં આવી હતી.
પાટીદાર સંસ્થાઓના દિગ્ગ્જોની આજે બેઠક
વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠિત ગણાતા પાટીદાર સમાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની બેઠક યોજાવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની આજે મહત્વની બેઠક મળવાની છે.અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે 3 દિગ્ગજ સંસ્થાની બેઠક થશે. જેમાં ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસર – આ ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ બાબુ જમના પટેલ ઉપસ્થિતિ રહેશે તો સૌરાષ્ટ્રથી ઉમિયાધામના જેરામ પટેલ અને ખોડલધામના નરેશ પટેલ આવતીકાલે બપોરે 12 વાગ્યે આ ઉમિયા કેમ્પસ સોલા ખાતે આ બેઠક મળશે, ઊંઝાના ઉપપ્રમુખ રમેશ દૂધવાળા અને સી. કે. પટેલ પણ હાજર રહેશે.
વડોદરા શહેર પ્રમુખ બદલાયા
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને અકોટા વિધાનસભા ક્ષેત્રની બેઠક ફાળવતા હવે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભીખાભાઈ રબારીની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વડોદરા વિધાનસભાની પાંચ બેઠક પૈકી ચાર બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીને અકોટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જાહેર થતાં ચૂંટણી પૂરી થાય સુધી ભીખાભાઈ રબારીને પ્રદેશ સમિતિની સુચનાથી ચુટંણી લક્ષી શહેર સમિતિનાં કાર્યકરી પ્રમુખ તરિકે જવાબદારી સોંપવામાં આવી છે.
નુક્કડ નાટકથી ઉઠાવશે ભાજપ સામે સવાલ
ગુજરાતના નાગરિકોને જાગૃત કરવા હવે કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કોંગ્રેસે વિધાનસભા દીઠ જાહેર જગ્યાઓ પર નુક્કડ નાટકો શરૂ કર્યા છે. જેના માધ્યમથી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર મતદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના શાસનમાં થયેલા કામોને પણ નુક્કડ નાટક થકી પ્રજા સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નુક્કડ નાટકમાં LPG સિલિન્ડરના ભાવ, તેલ તેમજ પેટ્રોલ-ડીઝલ સહિતની ચીજવસ્તુઓના જૂના ભાવ અને હાલના ભાવની સરખામણી કરી ભાજપના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવામાં આવી રહી છે.
પૂર્વ IPS “પ્રજા વિજય પક્ષ” સ્થાપશે
રાજ્યના પૂર્વ IPS ડી.જી. વણઝારાએ જાહેરાત કરી છે કે, તેઓ નવી રાજકીય પાર્ટી “પ્રજા વિજય પક્ષ” સ્થાપશે. આજે તેની સત્તાવાર જાહેરાત કરશે. સોહરાબુદ્દીન અને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસથી ચર્ચામાં આવેલા પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ આજે ટ્વીટ કરતા કહ્યું કે, “ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી નિર્ભય પ્રજારાજની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે “પ્રજા વિજય પક્ષ” ની વિધિવત ઘોષણા આજે અમદાવાદ મુકામે કરવામાં આવશે.” તેમના આ ટ્વીટથી નવી ચર્ચા જાગી છે.
ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થશે?
ઉમરેઠ સીટ પર 2012માં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન થયું હતું. આ સીટ NCP જીતી હતી. પરંતુ 2017માં NCP કોંગ્રેસનું ગઠબંધન તૂટયું હતું. પરિણામે બંને પક્ષોએ અલગ અલગ લડવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇ ઉમરેઠ સીટ પર ભાજપ,NCP અને કોંગ્રેસનો ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ જંગમાં બીજેપીના ઉમેદવારની માત્ર 1800 મતથી જીત થઈ હતી. તો કોંગ્રેસ બીજા નંબરે રહી હતી. એટલે જ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ઉમરેઠની સીટ કોંગ્રેસને ફળવવામાં આવે તે માટે પૂરજોરથી માગણી કરી રહ્યા છે. 2017 ની ચૂંટણીમાં સાવ નજીવા અંતરથી કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ હતી. એટલે જ આ ગઠબંધન ન થાય તે માટે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ભારે પ્રયાસ કરી રહ્યા છે.
નીતિશ કુમાર પ્રચાર માટે ગુજરાત આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની એન્ટ્રી થશે. હવે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે. જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો છે. તેમણે કહ્યુ કે, જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું.
