રાજકારણમાં કશું કાયમી નથી હોતું. છેલ્લા એક સપ્તાહમાં જ આ વાતનો દેખીતો પૂરાવો બે વખત જોવા મળ્યો છે. હજી ગત 11 ઓક્ટોબરે જ જામકંડોરણામાં સભા હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને સ્ટેજ પર પોતાની સમીપ બોલાવ્યા હતા. જ્યારે બુધવારે ફરી રાજકોટની જાહેર સભામાં આવા દૃશ્યો જોવા મળ્યા. રાજકોટમાં પણ PM મોદીએ એ જ અદામાં રૂપાણીને સ્ટેજ પર નજીક બોલાવ્યા અને ગૂફ્તેગો કરી હતી. આમ, રૂપાણી પ્રત્યે મોદીની કહેવાતી નારાજગી હવે દૂર થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.
બંનેના ચહેરા પર સ્મિત દેખાયું: જામકંડોરણા
ગત તા.11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે PM મોદીએ જંગી સભાનું સંબોધન કર્યું હતું.PMના આગમન પૂર્વે સી. આર. પાટીલ સ્ટેજ પર આવ્યા તો બધા તેમની સાથે ચર્ચા કરવા પહોંચી ગયા હતા. એકમાત્ર રૂપાણી તેમની જગ્યાએ બેઠા રહ્યા હતા. આ દૃશ્ય જોઇ બંને વચ્ચે દૂરી હોવાનું એક તબક્કે લોકોને લાગ્યું હતું. બાદમાં વડાપ્રધાન આવ્યા તો તેમના અભિવાદન માટે પણ વિજય રૂપાણી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા હતા. વડાપ્રધાને સ્ટેજ પર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને બાદમાં સી.આર. પાટીલે ભાષણ આપ્યું હતું. પાટીલે ભાષણ ચાલુ કર્યું તે જ સમયે વડાપ્રધાન મોદીએ વિજય રૂપાણીને ઈશારો કરી પોતાની પાસે બોલાવ્યા હતા. અને તેમની સાથે ટૂંકી વાત કરી હતી. એ વાતચીત દરમિયાન બંનેના ચહેરા પર સ્મિત દેખાયું હતું.
20 સેકન્ડ સુધી ચર્ચા કરી: રાજકોટ
જે બાદ તા.19 ઓક્ટોબરના રોજ ફરી એ જ ઘટના બની. રાજકોટમાં PM મોદીની સભા દરમિયાન મંચ પર ગુજરાતની 20 વર્ષની વિકાસગાથા વર્ણવતી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. એ દરમિયાન PM મોદીએ રૂપાણીને નજીક બોલાવ્યા હતા અને તેમની સાથે 20 સેકન્ડ સુધી તેમની સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન કોઈ મુદ્દે રૂપાણીએ PM મોદીને કોઈ વાતની ખાતરી આપી હોય તેવું જણાય રહ્યું હતું. જેને પગલે મોદીએ પણ હકારમાં જવાબ આપ્યો હતો. જેથી રૂપાણી ફરી બેસી ગયા હતા.
રાજકોટ તો જાણે મોદીમય થઈ ગયું
વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે નરેન્દ્ર મોદીના જૂનાગઢ અને રાજકોટના કાર્યક્રમનો જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. રાજકોટ તો જાણે મોદીમય થઈ ગયું હોય એવું વાતાવરણ હતું. આજના કાર્યક્રમ અને રોડ-શો એ સ્પષ્ટ દેખાડ્યું છે કે, સૌથી લોકપ્રીય નેતા નરેન્દ્રભાઈ મોદી છે. ગુજરાતની જનતા અને રાજકોટની જનતા નરેન્દ્રભાઈ પ્રત્યે અભૂતપૂર્વ પ્રેમ એ આજના કાર્યક્રમમાં દેખાયો હતો. નરેન્દ્રભાઈએ પણ આજે પોતાના ભાષણમાં અનેકવાર રાજકોટનો ઉલ્લેખ કર્યો કે, રાજકોટે જ મારી રાજકીય કારકિર્દી આગળ વધારી છે. આ રાજકોટનું ઋણ હું ક્યારેય ભૂલીશ નહીં.
ગત વખતે અલગ અલગ સમાજોના આંદોલનો હતા
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, એટલે નરેન્દ્રભાઈનો રાજકોટ સાથેનો લગાવ દેખાય આવે છે. રાજકોટનો પણ નરેન્દ્રભાઈ પ્રત્યેનો પ્રેમ આજના કાર્યક્રમમાં દેખાય આવ્યો છે. હું માનું છું કે, ચૂંટણી માથે છે ત્યારે આ કાર્યક્રમો એ ચૂંટણીમાં અવશ્ય ભાજપ નરેન્દ્રભાઈની લોકપ્રિયતાને કારણે આપણે બે તૃતિયાંશની સાથે 7મી વખત ભાજપની સરકાર અવશ્ય બનશે. ભાજપ બહુમતિ પ્રાપ્ત કરશે. એ ચોક્કસ કહીશ કે, ગત વખત કરતા આ વખતે વધુ સીટ આવશે. ગત વખતે અલગ અલગ સમાજોના આંદોલનો હતા. ગત વખતે કોંગ્રેસ સરકાર બનાવવા માટે ખૂબ પ્રયાસ કરીને ચૂંટણી લડી હતી. ખૂબ મક્કમ બની લડત આપી હતી. આ વખતે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડી રહી છે. આંદોલનો બધા સમાપ્ત થયા છે.
