કોરોના બાદ હવે ઓરીની ચિંતા અમદાવાદ-ગાંધીનગરમાં ઓરીના કેસ વધતા WHOએ રાજકોટમાં તપાસ માટે ટીમ મોકલી

By Abhishek Raghuvanshi
4 Min Read
  • ગત મહિને રાજકોટમાંથી લેવાયેલા 120 સેમ્પલમાંથી 5 કેસમાં ઓરી દેખાયા, તમામ ઝૂંપડપટ્ટીના છૂટા છવાયા અને મિઝલ્સનો એક એક ડોઝ બાકી હોવાનું ખૂલતા વેક્સિન કવરેજ ચકાસવા દોટ

રાજકોટ શહેરમાં અચાનક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ટીમ મોકલી દીધી છે જે સીધી મનપાની આરોગ્ય શાખા સુધી પહોંચી હતી અને સરવે કરવાનું શરૂ કર્યું છે. આ ટીમ મિઝલ્સ એટલે કે ઓરીના કેસને લઈને ચિંતિત છે અને રાજકોટમાં તેની સ્થિતિ જાણીને ડબ્લ્યુએચઓને રિપોર્ટ કરવા માટે તૈયારી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરીના કેસ તેમજ અછબડાના કેસ ચિંતાજનક રીતે વધી ગયા છે. ગત સપ્તાહે આ કેસની સંખ્યા 1000 કરતા પણ વધી હોવાનું બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યાં છે.

આ ઉપરાંત ગાંધીનગરમાં પણ કેસ દેખાતા રાજકોટ તરફ આ રોગ પહોંચ્યો છે કે નહિ તેમજ કોઇ શક્યતા છે કે નહિ તે ચકાસવું જરૂરી બન્યું છે. જો કેસ દેખાય તો તુરંત જ કાર્યવાહી કરીને રસીકરણ સહિતની કાર્યવાહી કેટલી ઝડપથી કરવી આ બધી જ બાબતોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ટીમનું ગઠન કરીને મનપા પાસે તપાસ માટે મોકલી છે. આ ટીમ હાલ રાજકોટ શહેરના છૂટા છવાયા વિસ્તારોમાં જઈને વેક્સિનેશનની સ્થિતિ જાણી રહી છે તેમજ તેની સાથે મનપાનો પણ સરવે શરૂ થયો છે.

આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં નવેમ્બર માસ એટલે કે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં કેસ વધવાના શરૂ થયા હતા ત્યારે શહેરમાં છૂટા છવાયા વિસ્તારોમાંથી 120 સેમ્પલ લેવાયા હતા. આ 120 સેમ્પલમાંથી 5માં ઓરી હોવાનું જણાયું હતું.

જોકે આ સંખ્યા હજુ પણ રાજ્ય સરકારે નક્કી કરેલા ધારાધોરણો કરતા ઓછી હોવાનું તંત્રે જણાવ્યું છે. જે કેસ નીકળ્યા છે તે તમામ અલગ અલગ વિસ્તારના છે અને ઓરી વિરોધી રસીનો એક પણ ડોઝ નહિ તેમજ બીજો ડોઝ બાકી હોય તેવા જ કેસ છે બંને ડોઝ લીધા હોય તેમાં કેસ જોવા મળ્યા નથી. આ કારણે હાલ સરવે ચાલી રહ્યો છે અને રાજકોટમાં વેક્સિનેશનનું કવરેજ ખાસ કેટલું છે તેના પર ટીમ ભાર દઈ રહી છે.

- Advertisement -

રસીનો પહેલો ડોઝ 100 ટકા અને બીજો ડોઝ 94 ટકાને અપાયો
મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર ઓરીની રસીના બે ડોઝ હોય છે પ્રથમ ડોઝ અને ત્યારબાદ બૂસ્ટર ડોઝ દેવામાં આવે છે. રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝનું કવરેજ 100 ટકાએ પહોંચી ગયું છે જ્યારે આ પૈકી 94 ટકાએ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે. આ રસીનો પહેલો ડોઝ 18 માસ સુધીની ઉંમરમાં અને બૂસ્ટર ડોઝ 6 વર્ષ કે તેથી વધુની ઉંમરમાં આપવામાં આવે છે.

શહેરમાં ડેન્ગ્યુ હવે સ્થિર, મલેરિયા અને ચિકનગુનિયાએ દેખા દીધી
રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કેસમાં છેલ્લા 3 સપ્તાહથી સ્થિરતા જોવા મળી રહી છે અને તા.4ના પૂરા થતા સપ્તાહમાં 12 કેસ નોંધાયા છે. જોકે છેલ્લા ઘણા સમયથી ચિકનગુનિયા અને મલેરિયાના કેસ દેખાયા ન હતા પણ બંનેના એક એક કેસ નોંધાયા છે. આ સાથે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 247, મલેરિયાના 47 અને ચિકનગુનિયાના 27 કેસ નોંધાયા છે. બીજી તરફ શરદી-ઉધરસના એક સપ્તાહમાં 212 કેસ, સામાન્ય તાવના 43 અને ઝાડા-ઊલટીના 60 કેસ નોંધાયા છે.

કોરોના થયો ગાયબ, હવે ફક્ત 4 એક્ટિવ કેસ
રાજકોટ શહેરમાં કોરોના હવે ગાયબ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે. છેલ્લા 3 દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી અને તેની સામે ડિસ્ચાર્જ થઈ રહેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. સોમવાર સાંજની સ્થિતિએ રાજકોટ શહેરમાં માત્ર 4 એક્ટિવ કેસ રહ્યાં છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા વધીને 65700 થઈ છે.

Exit mobile version