મોરબીમાં આજે રવિવારે પરિવાર સાથે ફરવા નીકળેલા લોકો સાથે કરૂણાંતિકા સર્જાઈ છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા છે. પુલ પર આશરે 500 લોકો હોવાનો અંદાજ છે. હાલમાં લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ મંત્રી જગદીશ પંચાલે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, નગર પાલિકા હસ્તકનો આ બ્રિજ છે. જેની પર 100ની કેપેસિટી કરતાં વધારે ટોળું ભેગું થવાના કારણે આ બ્રિજ તુટ્યો હોય તેમ લાગે છે. મેઈન્ટેનન્સ બાદ હજુ ગત રોજથી જ સામાન્ય પ્રજા માટે આ બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. હાલ ઘટના સંદર્ભે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.
બ્રિજ પર 30 ટન વજન થયું ને તૂટ્યો?
બ્રિજ પર આશરે 400થી 500 લોકો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે-તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટન વજન હોવાનું અનુમાન લગાવી શકાય. ત્યારે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના મંત્રીના જણાવ્યા મુજબ પુલની 6 ટનની કેપેસિટી કરતા વધારે ટોળું ભેગું થયું હોવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે.
સસ્પેન્શન બ્રિજની કેપેસિટી વધુમાં વધુ 100 લોકોનું વજન ઝીલી શકે તેવી
મોરબી ખાતે મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ તુટી પડવાની ઘટનામાં માહિતી સામે આવી રહી છે કે મોરબી સ્ટેટ સમયના આ બ્રિજનું મેઈન્ટેનન્સ કરી અને લોકોના મનોરંજન માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ જૂની ડિઝાઈનનો હતો, જેની પર મહત્તમ 100 લોકોનું વજન ઝીલી શકે એટલી કેપેસિટી હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવી રહ્યા છે.
શહેરી વિકાસ મંત્રી કહે છે કે બે દિવસ પછી સ્ટેટમેન્ટ આપીશું
ઝુલતા બ્રિજનું સંચાલન મોરબી નગર પાલિકા દ્વારા કરવામાં આવે છે અને નગર પાલિકાનું સંચાલન શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ત્યારે શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા કહી રહ્યાં છે કે, મને તો કંઈ ખબર જ નથી. અમારા મંત્રી બ્રિજેશ મેરજા બધી કામગીરી સંભાળી રહ્યા છે તેમ છતાં બે દિવસ પછી આખીયે ઘટના અંગે માહિતી આપીશું.
ઓરેવા ટ્રસ્ટને સોંપાઇ હતી પુલની મેન્ટેનન્સ-રીપેરીંગની જવાબદારી
આ ઝૂલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપનીને આ પુલનું રીપેરીંગ કામ સોંપવામાં આવ્યું હતું અને પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી 15 વર્ષ સુધી આ પુલની મેન્ટેઈનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હતી.
ઝૂલતા પુલનો ઈતિહાસ
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે આજથી સવાસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો 65 ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (4.6 ફૂટ) પહોળાઈ ધરાવે છે. ઈ. સ. 1887માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી.
ઝૂલતો પૂલ એ સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી, મોરબીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. યુરોપમાં તે દિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે આ બનાવવામાં આવ્યું હતું. તે 1.25 મીટર પહોળો છે અને 233 મીટર મચ્છુ નદી પર દરબારગઢ પેલેસ અને લાખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જોડે છે.
