ઉત્તર ગુજરાત ચૂંટણી:ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં PMના 100 વર્ષના માતા હીરાબાએ મતદાન મથકે જઇ મત આપ્યો

By Abhishek Raghuvanshi
11 Min Read

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 11 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતમાં 20.54 ટકા મતદાન થયું છે. ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનન 100 વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. ડીસામાં આમ આદમી પાર્ટીના નિશાન પર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરીને મત આપતો EVMનો ફોટો વાયરલ થતાં પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

કલોલમાં પાલિકા પ્રમુખ અને ચૂંટણી અધિકારી વચ્ચે ચકમક જરી
કડી શહેરના બ્રાહ્મણની વાડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ હતું. ત્યારબાદ લોકોને ‘બધુ બરાબર છે ને?’ એવું પુછતાં લોકોએ બુમાબુમ કરીને તેમને વધાવ્યા હતા. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાએ ગાંધીનગર વાસણિયા મહાદેવ ખાતે મતદાન કર્યું હતું. તો બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પોતાના ગામ ભાચરમાં મતદાન કર્યું હતું. કલોલની શાળા નંબર નવ, ત્રણ આંગળી સર્કલ પાસે વોટિંગ ધીમું ચાલે છે તેમ કહીને પાલિકા પ્રમુખ ઉર્વશીબેન અને ચૂંટણી અધિકારી વચ્ચે ચકમક જરી હતી. વિજાપુરમાં 110 વર્ષના શાંતાબેન ઠાકોરે મતદાન કર્યું હતું. તો દાંતામાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.

જીવીશ ત્યાં સુધી મતદાન તો કરીશ જ: વિસનગરના વૃદ્ધઆનો જુસ્સો
વિસનગરમાં 72 વર્ષના વૃદ્ધાએ મતદાન કરીને કહ્યું હતું કે, ‘ઘસડીને લાવશો તો પણ મતદાન કરવા તો આવીશું, જીવીશ ત્યાં સુધી મતદાન તો કરીશ જ’, ગાંધીનગરની ઉત્તર બેઠક પર કેન્સર ગ્રસ્ત ચંદ્રિકાબેન ખીસડીયાએ 69 વર્ષની ઉંમરે સેક્ટર 20 મતદાન મથક પર મતદાન કર્યું હતું. મતદાન કરીને તેઓ થેરેપી માટે ગયા હતા. ગાંધીનગરની ઉત્તર બેઠક પર દિવ્યાંગ દંપતી મુકેશ ભારતી જોશી અને આશાબેને મતદાન કરીને જણાવ્યું હતું કે, શારીરિક રીતે ભલે અશકત છીએ પણ અમને ખુશી છે કે અમારા મત થકી અમે દેશના ભવિષ્યમાટે મતદાન થકી એક નાનો આધાર બની રહ્યા છીએ એ વાતનો ગર્વ અનુભવ્યે છીએ. ગાંધીનગરમાં મેટર હિતેશ મકવાણાએ મતદાન કર્યું હતું. મોડાસાના કોટ વિસ્તારમાં શાળા નંબર 7ના બુથ પર ધીમી ગતિએ મતદાન કામગીરી હોવાનું મતદારોએ જણાવ્યું હતું.

મોડાસામાં EVM ખોટવાયું
મતદાનની શરૂઆતમાં જ મોડાસાના શીકા મતદાન મથકે EVM ખોટવાતા અધિકારીઓ દોડતા થયા હતા. આ તરફ થરાદમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અને વાવમાં ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલે મતદાન કર્યું હતું. તો ભાજપના ઉમેદવાર રાજુલ દેસાઈએ બનાસકાંઠાના ડીસામાં મતદાન કર્યું હતું. જ્યાં તેમણે વિકાસના કામો કરવાનું વચન આપ્યું હતું. થરાદ બેઠકના ઉમેદવાર શંકર ચૌધરીએ રાધનપુરના વડગામમાં મતદાન કર્યું હતું. જ્યાં તેમણે લાઇનમાં ઉભેલા લોકોને પહેલાં મતદાન કરવા જવા અપીલ કરી હતી. તો ગુલાબસિંહ રાજપૂતે મતદાન કરીને રાત્રે થયેલા હુમલામાં કાયદાકીય પગલા લેવાની વાત કરી હતી.

- Advertisement -

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લાઈનમાં ઊભા રહી મતદાન કર્યું
મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી મતદારો પોતાનો મત આપવા બુથ પર પહોંચ્યા હતા. વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લાઈનમાં ઊભા રહી મતદાન કર્યું, પ્રજાને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તો ઇડર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાએ ઇડરની કે.એમ.પટેલ હાઈસ્કૂલમાં મતદાન કર્યું હતું. દહેગામ બેઠકના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે પાલુન્દ્રા ગામે મતદાન કર્યું હતું. તો ભિલોડા બેઠકના ભાજપા ઉમેદવાર પી.સી બરંડા અને તેમની ધર્મ પત્નીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કુળદેવી અને ઇષ્ટદેવની પૂજા અર્ચના કરી મતદાન કર્યું હતું. ગાંધીનગર ઉત્તર બેઠક પર કેન્સર ગ્રસ્ત ચંદ્રિકાબેન ખીસડીયાએ 69 વર્ષની ઉંમરે સેક્ટર 20 મતદાન મથક પર મતદાન કર્યું હતું. મતદાન કરીને થેરેપી માટે ગયા હતા.

વિસનગરમાં 72 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું.

32 બેઠક પર 289 ઉમેદવારો મેદાને
રાજ્યમાં વિધાનસભાની 182 બેઠક પૈકી 89 બેઠકનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજાયુ હતું. બાકીની 93 બેઠકનું મતદાન આજે યોજાઇ રહ્યું છે. ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠક છે. જેમાં બનાસકાંઠાની 9, મહેસાણાની 7, ગાંધીનગરની 5 , પાટણની 4, સાબરકાંઠાની 4 અને અરવલ્લીની 3 બેઠકોનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતની 32 બેઠક પર મતદારોની કુલ સંખ્યા 86 લાખ 53 હજાર છે. જેમાં 44 લાખ 58 હજાર પુરુષ અને 41 લાખ 93 હજાર મહિલા મતદારો છે. અહીં ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. 2017માં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને 17 બેઠક, ભાજપ 14 બેઠક અને અપક્ષ 01 બેઠક મળી હતી. આ વખતે આ 32 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટી અને અપક્ષના કુલ 289 ઉમેદવારો મેદાને છે. વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોએ લાઇનો લગાવી છે.​​​​

બનાસકાંઠાની થરાદ બેઠર પર સૌની નજર
બનાસકાંઠાની 9 બેઠક પર કુલ 75 ઉમેદવાર મેદાને છે. આ વખતે જિલ્લામાં 24 લાખ 90 હજાર 926 મતદારો નોંધાયા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં 9 બેઠક પર સરેરાશ 75.92 ટકા મતદાન થયું હતું. જિલ્લાની તમામ 9 બેઠક પર 70 ટકા મત પડ્યા હતા. સૌથી વધુ થરાદમાં 86.15 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં જિલ્લાની 9 બેઠકમાંથી કોંગ્રેસ 5 બેઠક જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભાજપને 3 અને અપક્ષને એક બેઠક મળી હતી. આ વખતે સૌ કોઇની નજર થરાદ બેઠક પર છે. થરાદ બેઠક પર 2017ની ચૂંટણીમાં ભાજપના પરબતભાઇ પટેલનો વિજય થયો હતો, જોકે, 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતનો વિજય થયો હતો. ત્યારે આ વખતે સમગ્ર ગુજરાતની નજર આ બેઠક પર છે. કારણ કે, ભાજપે આ વખતે એશિયાની સૌથી મોટી બનાસડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીને મેદાને ઉતાર્યા છે.

પાટણમાં જ્ઞાતિના ગણિત માંડવા ભાજપ-કોંગ્રેસ માટે મુશ્કેલ
પાટણની 4 બેઠક પર કુલ 45 ઉમેદવારો મેદાને છે. 2017માં જિલ્લાની 4 બેઠકમાંથી કોંગ્રેસને 3 અને ભાજપને એક બેઠક મળી હતી. પાટણ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ સૌથી વધારે છે. પાટણમાં એસટી, એસસી અને ઓબીસી સમુદાયની 50 ટકાથી પણ વધુ વસ્તી છે. આથી જ અહીં જ્ઞાતિ-જાતિના ગણિત માંડવા ભાજપ કે કોંગ્રેસ માટે આસાન નથી હોતા. 2017ની ચૂંટણીમાં ભાજપને અહીં કોંગ્રેસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના કિરીટ પટેલે 38 હજારથી વધુ મતોથી જીત મેળવી હતી.

મહેસાણામાં ભાજપને વિપુલ ચૌધરીની ધરપકડ અસર કરશે?
મહેસાણાની 7 બેઠક પર કુલ 63 ઉમેદવારો મેદાને છે. 2017માં જિલ્લાની 7 બેઠકમાંથી ભાજપે પાંચ બેઠક મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 2 બેઠક મળી હતી. જિલ્લામાં 2017ની ચૂંટણીમાં 11 લાખ 50 હજાર 518 મતદારોએ મતદાન કર્યું હતુ, એટલે કે જિલ્લામાં કુલ 72.55% મતદાન થયું હતુ. મહેસાણા જિલ્લામાં આ વખતે પણ પાટીદાર ફેક્ટર પર બધાની નજર છે. પાટીદારોનું પ્રભુત્વ હોય તેવી બેઠકો પર સૌની નજર છે. આવી જ એક બેઠક છે વિસનગર. જ્યાં 30 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે. 1995થી વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપનો કબ્જો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપના ઋષિકેશ પટેલે કોંગ્રેસના મહેન્દ્રકુમાર પટેલને 2869 મતોથી પરાજય આપ્યો હતો. 2012માં પણ અહીં ઋષિકેશ પટેલ જ જીત્યા હતા. ત્યારે આ વખતે દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ ભાજપને અસર કરશે કે કેમ તે જોવું રહ્યું.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર બાજી મારશે?
ગાંધીનગરની 5 બેઠક પર કુલ 50 ઉમેદવારો મેદાને છે. 2017માં જિલ્લાની 5 બેઠકમાંથી ભાજપને 2 અને કોંગ્રેસને 3 બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં જિલ્લામાં કુલ 8 લાખ 50 હજાર 405 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 72.30% મતદાન યોજાયું હતુ. આ વખતે ગાંધીનગર દક્ષિક બેઠક ચર્ચામાં છે. કારણ કે અહીં સતત વિરોધ હોવા છતાં ભાજપે અહીંથી અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા છે. 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઠાકોર શંભુજી છેલાજી અને કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકી વચ્ચે જંગ જામી હતી. જેમાં ભાજપના ઠાકોર શંભુજી છેલાજીએ કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકીને 11 હજાર 538 મતથી હરાવ્યા હતાં. જેમાં ભાજપને કુલ 1 લાખ 7 હજાર 480 મત મળ્યા હતા. તેની સામે 95 હજાર 942 મત કોંગ્રેસને મળ્યા હતાં. આ વખતે અહીં ભાજપ, કોંગ્રેસ કે પછી ચૂંટણી મેદાનમાં નવી ઉતરેલી પાર્ટી બાજી મારી જશે તે જોવું રહ્યું.

સાબરકાંઠાની ઇડર બેઠક પર સૌ કોઇની નજર
સાબરકાંઠાની 4 બેઠક પર કુલ 26 ઉમેદવાર મેદાને છે. 2017માં જિલ્લાની 4 બેઠકમાંથી 3 ભાજપને અને 1 કોંગ્રેસને મળી હતી. 2017માં જિલ્લામાં 7 લાખ 51 હજાર 58 મતદારોએ મતદાન કર્યું હતુ, એટલે કે જિલ્લામાં કુલ 76.12% મતદાન થયું હતુ. આ વખતે ઇડર બેઠક પર સૌ કોઇની નજર છે. 2017માં અહીં હીતુ કનોડીયાને 98 હજાર 815 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર મણીભાઈ વાઘેલાને 84 હજાર 2 મત મળ્યાં હતા. એટલે કે, 14 હજાર 813 મતે ભાજપના હીતુ કનોડીયાને જીત મળી હતી. ત્યારે આ વખતની ચૂંટણીમાં ઇડર(SC)બેઠક પર ભાજપ તરફથી રમણલાલ વોરા, કોંગ્રેસમાંથી રામ સોલંકી અને આમ આદમી પાર્ટીએ જયંતી પ્રણામીને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે જોવાનું એ છે કે, આ વખતની ચૂંટણી જંગમા કઈ પાર્ટી બાજી મારશે?.

અરવલ્લીની 3 બેઠક પર આ વખતે ભાજપનું ખાતુ ખુલશે?
અરવલ્લીની 3 બેઠક પર 30 ઉમેદવાર મેદાને છે. 2017માં અહીં કોંગ્રેસે બાજી મારી હતી. ભાજપનું ખાતુ પણ નહોતુ ખુલ્યું. 2017ની ચૂંટણીમાં જિલ્લામાં 5 લાખ 28 હજાર 92 મતદારોએ મતદાન કર્યું હતુ, એટલે કે જિલ્લામાં કુલ 70.44% મતદાન થયું હતુ. આ વખતે સૌની નજર મોડાસા બેઠક પર છે. કારણ કે 2017માં જિલ્લામાં સૌથી વધુ 71.17% ટકા મતદાન અહીં થયું હતું. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરે 1640 મત ભાજપના ભીખુસિંહ પરમારને હાર આપી હતી. આ વખતે ભાજપ તરફથી ભીખુસિંહ પરમાર, કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર અને આમ આદમી પાર્ટીએ રાજેન્દ્રસિંહ પરમારને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે જોવાનું એ છે કે, આ વખતની ચૂંટણી જંગમા કઈ પાર્ટી બાજી મારશે?.

Exit mobile version