અમદાવાદના નાનાચિલોડામાં પાણી, રસ્તા અને સ્કૂલનાં કામો નહીં થતાં ગ્રામજનોએ વિરોધ કર્યો

By Abhishek Raghuvanshi
3 Min Read

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બે વર્ષ પહેલાં સમાવેશ કરવામાં આવેલા નાનાચિલોડા ગામના લોકોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈને ગામમાં બેનરો લગાવી વિરોધપ્રદર્શન કર્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમને બે વર્ષ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યા છે. ત્યાર બાદ આજ દિન સુધી પ્રાથમિક સુવિધાઓ મળી શકી નથી. ગામની સરકારી સ્કૂલ જર્જરિત હાલતમાં છે. એક જ વર્ગમાં વધારે વિદ્યાર્થીઓને બેસીને ભણાવવા પડે છે પાણી, લાઈટ અને ગટરની સુવિધા નથી, જેને કારણે હવે તમામ ગ્રામજનોએ ભેગાં મળીને ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

સ્કૂલનું 7-8 મહિના પહેલાં ખાતમુહૂર્ત થઈ ગયું
સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટરો સાથે દિવ્ય ભાસ્કરએ વાતચીત કરી હતી, જેમાં ચંદ્રપ્રકાશ ખાનચંદાણી(સન્ની)એ જણાવ્યું હતું કે નાનાચિલોડા વિસ્તારમાં હું જાતે જઈને આવ્યો છું. સ્કૂલ બાબતે તેમણે જણાવ્યું હતું કે સ્કૂલનું 7-8 મહિના પહેલાં ખાતમુહૂર્ત થઈ ગયું છે. જોકે કોન્ટ્રેક્ટ કેન્સલ થઈ ગયો છે. કંચનબેન પંચવાણીએ જણાવ્યું હતું કે પાણી અને ડ્રેનેજલાઈન નાખવાનું કામ ચાલુ છે. જ્યારે સ્કૂલ બાબતે તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ અંગે મને વધારે જાણ નથી. જોકે સ્કૂલ બોર્ડના સભ્યને હું આ બાબતે જાણ કરીશ. જ્યારે મિતલબેન મકવાણાએ જણાવ્યું હતું કે નાનાચિલોડા વિસ્તાર હજી હમણાં જ કોર્પોરેશનમાં આવ્યું છે

અનેક રજૂઆતો બાદ પણ ધ્યાન ના અપાયું
નાનાચિલોડા વિસ્તારમાં રહેતા રાહુલ ઠાકોર નામના યુવાને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિસ્તારના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામમાં આવેલી ચિલોડા પ્રાથમિક શાળા અત્યારે જર્જરિત હાલતમાં છે. આ સ્કૂલને બનાવવા માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણસર કોન્ટ્રેક્ટરને પૈસા વધારે લાગતાં તેણે ટેન્ડર કેન્સલ કરાવી દીધું હતું, જેને કારણે કોઈપણ પ્રકારનું કામ થઈ શક્યું નહોતું. આ વાતને બે વર્ષ વીતી ગયાં છતાં પણ હજી સુધી સ્કૂલ શરૂ થઈ શકી નથી. અનેક વખત રજૂઆતો છતાં પણ સ્કૂલ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી.

સ્કૂલમાં કલાસરૂમ પણ અપૂરતા છે
સ્કૂલની કન્યા શાળામાં બાળકોને ભણાવવાની શરૂઆત કરાવવામાં આવી છે, પરંતુ આ કન્યાશાળા પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને એક જ ક્લાસરૂમમાં ત્રણ-ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવવામાં આવે છે. સ્કૂલમાં કલાસરૂમ પણ અપૂરતા છે. એક કલાસરૂમમાં 65થી 70 બાળકો બેસાડવા પડે છે. પાણી, ગટર અને લાઈટની પણ સુવિધાઓ નથી. ભાજપના નેતાઓ જ્યારથી અહીંથી વોટ લઈને ગયા છે. ત્યાર બાદ અમારા ગામમાં પગ નથી મૂક્યો. ગ્રામજનો દ્વારા તંત્ર અને ભાજપના નેતાઓને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ તેઓ દ્વારા સ્કૂલ ન બનાવવા આવતાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

ગ્રામજનોએ આજે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો
નાનાચિલોડા વિસ્તારને બે વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યો છે, જેમાં સરદારનગર વોર્ડ અને નરોડા વિધાનસભામાં નાનાચિલોડા વિસ્તારનો સમાવેશ થાય છે. સરદાર નગર વોર્ડમાં આ નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં પણ ભાજપના ચારેય કોર્પોરેટર અને ધારાસભ્ય ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતાં ગ્રામજનોએ આજે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.

Exit mobile version