
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટના ઉમેદવાર જગમાલ વાળાએ વેરાવળ તાલુકાના રામપરા ગામની સભામાં દારૂને લઇને બફાટ કર્યો હતો. સભામાં જાહેર મંચ પરથી આપના ઉમેદવારે કહ્યું હતું કે ‘આપણે દારૂ પીવો જોઇએ, દારૂએ આપણને નહીં, મોટા મોટા IAS, IPS અધિકારીઓ દારૂ પીવે છે. દેશની કરોડોની વસતિમાં માત્ર ગુજરાતમાં જ દારૂબંધી કેમ?’ આપ ઉમેદવારના નિવેદનનો વીડિયો વાઇરલ થતાં તેમણે ખુલાસો કર્યો હતો. એમાં તેમણે એમ કહ્યું હતું કે ‘ગાંધીના ગુજરાતમાં ભાજપ દારૂની દુકાનો ચલાવે છે. રાજ્યમાં દારૂબંધી હોવી જ જોઇએ.’ તો આ અંગે કેન્દ્રીય મત્સ્યઉદ્યોગમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ હાસ્યસ્પદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘સીઝનલ નેતાઓ પર ગંભીરતાથી ન વિચારવું જોઈએ. તેમને એવી અપેક્ષા છે કે અમને ક્યાંક ગોઠવી દેવામાં આવે’
IAS,IPS અધિકારીઓ દારૂ પીવે છે: જગમાલ વાળા
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ બેઠકના ઉમેદવાર જગમાલ વાળાનો વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ગુજરાતના લોકોને દારૂ પીવાની સલાહ આપી રહ્યા છે. તો ખુલાસો કરતા તેમણે નકારી દીધુ હતું. જાહેર મંચ પરથી બફાટ કરતા આપના નેતા જગમાલ વાળાએ જણાવ્યું હતું કે, ‘માત્ર ગુજરાતમાં લોકો દારૂ નથી પીતા, આપણે દારૂ પીવો જોઈએ, અધિકારીઓ અને મોટા લોકો દારૂ પીવે છે. વિશ્વમાં 800 કરોડની વસ્તી છે, વિશ્વમાં 796 દેશમાં દારૂ પીવાની છૂટ છે, સમગ્ર ભારતમાં પણ દારૂ ઉપર પ્રતિબંધ નથી ત્યારે ફક્ત ગુજરાતમાં દારૂબંધી કેમ.?? IAS,IPS અધિકારીઓ દારૂ પીવે છે. તમારામાં તાકાત હોય એટલો દારૂ પીવો.’
રાજ્યમાં ભાજપ દારૂની દુકાનો ચલાવે છે: જગમાલ વાળા
આ અંગે ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં મોટા પ્રમાણમાં દારૂ પીવાય છે. લઠ્ઠાકાંડમાં વારંવાર યુવાનો મરે છે. હમણાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલીયા અને ઇશુદાન ગઢવી મુલાકાતે ગયા પણ ભાજપના એકપણ નેતાએ મુલાકાત ન લીધી. અમે અમારી સભામાં પણ 40-50 લોકો દારૂ પીને આવે છે. જેથી અમે પોલીસને જાણ કરીને જઇએ છીએ. દારૂ પીવો ખોટી બાબત નથી, વિશ્વની 800 કરોડ વસ્તી દારૂ પીવે છે, એમાં માત્ર ગુજરાતની સાડા છ કરોડની વસ્તીમાં જ દારૂબંધી છે, પણ હોવી જ જોઇએ. આ ગાંધીનું ગુજરાત છે એમાં દારૂબંધી હોવી જ જોઇએ. પણ રાજ્યમાં ભાજપ દારૂની દુકાનો ચલાવે છે, પોલીસને ઓછો પગાર આપીને આ દુષણ ચલાવી રહી છે.’
ડિસેમ્બર પછી આ જોવા નહીં મળે: પુરુષોત્તમ રૂપાલા
જગમાલ વાળાના આ નિવેદન પર કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ‘સિઝનલ નેતાઓ ઉપર ગંભીરતાથી ન વિચારવું જોઈએ. આમનો ટાઇમ ફિક્સ હોય ડિસેમ્બર પછી આ જોવા નહીં મળે. ગુજરાતની જનતા બહુ હોશિયાર છે. આ લોકોને એવી અપેક્ષા છે કે, અમને ક્યાંક ગોઠવી દેવામાં આવે
