
- અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી પહોંચી ઇન્કમટેક્સની ટીમ, એડમિશનના ટ્રાન્ઝેક્શન મામલે તપાસ
આવકવેરા વિભાગે બુધવારે દેશભરના 7 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ITએ આ દરોડા રાજકીય ફંડિંગ સંબંધિત મામલામાં પાડ્યા છે. અહેવાલો અનુસાર, IT ટીમો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં પણ હાજર છે. તે જ સમયે, રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર યાદવના 53 સ્થળો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. રાજેન્દ્ર યાદવને શિક્ષણ સાથે જોડાયેલા ઘણા બિઝનેસ છે.
અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા સતત ચાલુ રહ્યાં છે. તાજેતરમાં ચિરિપાલ ગ્રુપ સહિતનાં ઠેકાણે આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો હતો. હવે ફરીવાર શિક્ષણ સંસ્થા પર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. શહેરની સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ કેમ્પસમાં પહોંચી હતી, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપીને પરત મોકલી દેવાયા હતા. એડમિશનના ટ્રાન્ઝેક્શન મામલે તપાસ કરાઈ છે.
અનેક નવા કોર્સ શરૂ કરીને એડમિશન અપાયાં
તાજેતરમાં સિલ્વર ઓક યુનિવર્સિટીને માન્યતા મળી છે. માન્યતા મળતાં જ અનેક નવા કોર્સ શરૂ કરીને સંખ્યાબંધ એડમિશન આપવામાં આવ્યાં હતાં, જેને કારણે કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. એને કારણે જ આજે આ કેમ્પસમાં આવકવેરા વિભાગની ટીમ પહોંચી હોવાની શક્યતા છે.
24 સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ છે
આગામી 24મી સપ્ટેમ્બરે સિલ્વર ઓક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાવાનો છે. આ સમારોહમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત અનેક લોકો હાજર રહેવાના છે. જોકે સમારોહ પહેલાં જ આવકવેરા વિભાગના દરોડા પડતાં આખી યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની છે. હાલમાં કેમ્પસની આસપાસ વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં જમા થયાં છે.
