11મીએ સવારે એરપોર્ટથી કમલમ સુધી PM મોદીનું ભવ્ય સ્વાગત કરાશે, સરપંચ સંમેલનમાં 2 લાખ લોકો હાજર રહેશે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • વડાપ્રધાન 11મીએ સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ જશે, ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે
  • 12મીએ ખેલ મહાકુંભમાં વડાપ્રધાન પ્રથમવાર અમેરિકા ગયા ત્યારે સ્ટેજ હતું એવું જ સ્ટેજ સ્ટેડિયમમાં ઊભું કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપી છે. તેમના સ્વાગતની તૈયારીઓ અને સંભવિત સમગ્ર કાર્યક્રમ અંગે દિવ્ય ભાસ્કર તમને જણાવી રહ્યું છે. તેઓ 11મી માર્ચના રોજ સવારે 10 વાગ્યે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ 10:30 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે જવા નીકળશે. એરપોર્ટથી લઈને ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી તેમનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ભીડ ભેગી કરવાની જવાબદારી યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને સોંપાઈ
એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનને આવકાર આપશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે ભાજપના યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચા દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવી શકે છે. અંદાજે પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાન 11 વાગ્યાની આસપાસ પહોંચશે, જ્યાં તેઓ ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે. કમલમ ખાતે નક્કી કરેલા 430 લોકો જ હાજર રહી શકશે. કમલમ ખાતે બેઠક કર્યા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે.

1.75 લાખ ચૂંટાયેલા પ્રતિનિધિ અને 75 હજાર કાર્યકર્તા હાજર રહેશે
સરપંચ સંમેલનમાં રાજ્યમાં જિલ્લા તાલુકા તમામ લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. સરપંચ સંમેલનમાં કુલ બે લાખ લોકોને ભેગા કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. 1.75 લાખ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બાકીના 75 હજાર જેટલા કાર્યકર્તાઓએ એમ કુલ બે લાખ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ ભાજપ શહેર સંગઠન, તમામ કોર્પોરેટરો, તમામ ધારાસભ્યોને તેમજ કાર્યકર્તાઓને કામગીરીમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

12 માર્ચે ગાંધીનગર અને અમદાવાદમાં પીએમના કાર્યક્રમ
12મી માર્ચના રોજ ગાંધીનગરના વલાદ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. સવારે 11 વાગ્યાની આસપાસ રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે 6.30 આસપાસ વડાપ્રધાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકામાં પહેલીવાર ગયા હતા અને સ્ટેજ પર જે રીતે લાઈટો અને આખી વ્યવસ્થા હતી એવું સ્ટેજ સ્ટેડિયમની વચ્ચોવચ્ચ કરવામાં આવશે અને તમામ જગ્યાએ લાઈટિંગ કરવામાં આવશે. નવરંગપુરા સ્ટેડિયમમાં એકપણ ખૂણો ખાલી ન રહે એ રીતે સ્ટેડિયમ ભરવા માટે તમામ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પોતાના વોર્ડમાંથી લોકોને લાવવા માટે સૂચના આપી છે. સમગ્ર પેજ કમિટીમાં જેટલા સભ્યો છે તે તમામ લોકોને આ કાર્યક્રમોમાં લાવવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
Exit mobile version