હાર્દિક પટેલ 2 જૂને CM અને CRની હાજરીમાં કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરશે, કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે

By Abhishek Raghuvanshi
4 Min Read
  • 17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે તેઓ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે. તે ઉપરાંત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની મણિનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ બીજી જૂને ભાજપમાં જોડાશે.

શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે
કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. હાર્દિક પટેલના રાજીનામાં બાદ હવે કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરીયો ખેસ પહેરશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે.2017ની વિધાનસભામાં તેઓ અમદાવાદની મણિનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હતાં. તે ઉપરાંત થોડા દિવસો પહેલાં જ તેમણે રાજભવન ખાતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

તાજેતરમાં ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈપણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેમની જવાબદારી નક્કી હોય છે.

- Advertisement -

રાજીનામું આપ્યા બાદ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી અને બાદમાં કરેલી પ્રેસ-કોન્ફરન્સમાં પણ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા હતા. તેમનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, CAA-NRC અને GST જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.

મારાથી મોટો હિન્દુવાદી કોઈ રાજકારણી નહીં હોયઃ હાર્દિક પટેલ
તેમણે વિરમગામ ખાતે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિએ કહ્યું હતું કે આ રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઈ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું. તેમણે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે ‘આશા રાખું છું કે મંદિર ભારત અને ગુજરાતમાં રામ રાજ્ય લાવશે. તેમણે મંદિર નિર્માણમાં 21 હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું.

કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિકની ગેરહાજરી
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું હતું. તેમની ગતિવિધિઓ અને નિવેદનથી પણ તેમનું કૉંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેમની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

Exit mobile version