હવે ગુજરાતમાં કોંગ્રેસનું શું થશે?:રાજસ્થાનના રાજકીય કકળાટ વચ્ચે અશોક ગેહલોત અને પ્રભારી રઘુ શર્મા ગુજરાતમાં ધ્યાન નહીં આપી શકે

By Abhishek Raghuvanshi
6 Min Read

રાજસ્થાનની રાજનીતિ એક નવા મોડ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની કોંગ્રેસ-અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારી ચાલી રહી છે. તેમના સ્થાને મુખ્યમંત્રી તરીકે હાઇકમાન્ડની પસંદગી સચિન પાયલોટ છે, પરંતુ તેમના નામને લઈને ગેહલોત જૂથમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધારાસભ્ય દળની બેઠક પહેલાં જ ગેહલોત જૂથના 70 જેટલા ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીના ઘરે જઈને રાજીનામાં સોંપી દીધા છે. ત્યારે હવે રાજસ્થાનની રાજકીય ઊથલપાથલ વચ્ચે ચૂંટણી ટાણે જ ગુજરાત કોંગ્રેસનું શું થશે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે ગુજરાત કોંગ્રેસમાં ઓબ્ઝર્વર તરીકે અશોક ગેહલોત અને પ્રભારી તરીકે રઘુ શર્મા રાજસ્થાનના છે.

આગામી સમયમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપી છે. એ ઉપરાંત રાજસ્થાનના આરોગ્યમંત્રી ડો. રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. હવે ચૂંટણી ટાણે જ રાજસ્થાનનામાં મોટી રાજકીય ઊથલપાથલ થવાથી બંનેમાંથી એકપણ નેતા ગુજરાત કોંગ્રેસમાં ધ્યાન આપી શકે તેમ નથી. ગુજરાતમાં સપ્ટેમ્બરના અંતમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની છે. એ ઉપરાંત આગામી સમયમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો પણ થવાનો છે. ત્યારે રાજસ્થાનની ઊથલપાથલમાં ગુજરાતને ભારે નુકસાન ભોગવવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

ગેહલોતના સમર્થક ધારાસભ્યો UDH મંત્રી શાંતિ ધારીવાલના બંગલે એકઠા થયા હતા.

બંને નેતા ગુજરાત પર ધ્યાન આપી શકે એમ નથી
રાજસ્થાનમાં આ પ્રકારની સ્થિતિથી કોંગ્રેસને કોઈ નુકસાન નથી, કારણ કે ત્યાં મુખ્યમંત્રી તો કોંગ્રેસના જ બનશે, પરંતુ આ ઘટનાની અસર ગુજરાત પર ખૂબ જ ઊંડી પડશે. ગુજરાતમાં કોંગ્રેસને આ વખતે કંઈક નવું થવાની આશા હતી એના પર હવે પાણી ફરી વળ્યું છે, કારણ કે વિવાદમાં રહેલા નેતાઓ પૈકી 2 નેતા તો સીધી જ રીતે ગુજરાત સાથે સંકળાયેલા છે. અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ પણ છે, જ્યારે રઘુ શર્મા ગુજરાતના પાર્ટી ઇન્ચાર્જ છે. હવે રાજસ્થાનમાં જ રાજકીય ઊથલપાથલ વચ્ચે આ બન્ને નેતા પૈકી એકપણ નેતા ગુજરાત પર ધ્યાન આપી શકે એમ નથી.

કોંગ્રેસ માટે ગુજરાતમાં સ્થિતિ વિપરીત બની શકે છે
બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે પરિવારવાદ અને જૂથવાદનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે હવે રાજસ્થાનમાં પેદા થયેલી સ્થિતિને કારણે ભારે અસહજ થવું પડી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાત પર પણ પડી રહી છે. ગુજરાત કોંગ્રેસ માટે તો આ ઘટનાક્રમ દુષ્કાળમાં અધિકમાસ સમાન છે. ગુજરાત કોંગ્રેસ પહેલાંથી જ જૂથવાદને ખાળવા માટે મથી રહ્યું છે. એવામાં આ તમામ મુદ્દાને બાંધીને ચાલતા નેતા અશોક ગેહલોત અને રઘુ શર્મા બન્ને હવે પોતાના રાજ્યમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતમાં સ્થિતિ વિપરીત બની શકે છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવે અને સ્થિતિ બરોબર ચૂંટણી પહેલાં જ ડામાડોળ થાય એવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

- Advertisement -
મંત્રી શાંતિ ધારીવાલના ઘરે અફરાતફરીનો માહોલ છે. ગેહલોત સમર્થક ધારાસભ્યો અહીં એકઠા થઈ રહ્યા હતા.

પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ગરબે ઘૂમશે
રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રામાં સમય આપી રહ્યા છે, ત્યારે પ્રિયંકા ગાંધી આગામી ચૂંટણીને લઈને ગુજરાત મુલાકાતે આવવાના છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતમાં સૌપ્રથમ તેઓ પાવાગઢ દર્શન કરવા જશે, એ બાદ રોડ શો કરશે. અમદાવાદમાં ગરબામાં હાજરી આપીને ગરબા પણ રમશે.

ઓક્ટોબર માસમાં કોંગ્રેસ ચૂંટણીઢંઢેરો જાહેર કરશે
ચૂંટણી અગાઉ મેનિફેસ્ટો તૈયાર કરવા માટે કોંગ્રેસ મહેનત કરી રહી છે. ચૂંટણી મેનિફેસ્ટોમાં કયા મુદ્દાને લઈને આગળ વધવું એ માટે જિલ્લા સ્તરેથી સૂચનો મગાવાઈ રહ્યાં છે. આ ઉપરાંત વિધાનસભા પ્રમાણે ખેડૂત, કોન્ટ્રેક્ટ પર કામ કરતો સમૂહ, NOG, કર્મચારીઓ, પીડિત વર્ગ વગેરે સાથે રૂબરૂ મુલાકાત કરી તેમનાં સૂચનો મેળવાઈ રહ્યાં છે. ત્યારે આગામી ઓક્ટોબર માસમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીઢંઢેરો જાહેર કરવામાં આવે એવી સંભાવના છે.

બૂથ મેનેજમેન્ટ માટે એપ્લિકેશનની ખરીદી
ગુજરાતમાં 52 હજારથી વધુ બૂથ પર મતદાન થાય છે. ત્યારે રાજકીય પક્ષ દ્વારા આ તમામ બૂથ પર વધુમાં વધુ મતદારો મતદાન કરી શકે એ માટે બૂથ મેનેજમેન્ટ અત્યંત મહત્ત્વનું છે. કોંગ્રેસ દ્વારા આમ તો રાજ્યનાં આ તમામ બૂથ માટે ઓફલાઇન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ હવે એનું મેનેજમેન્ટ ડિજિટલી થાય એ માટે એક એપ્લિકેશનની ખરીદી કરવામાં આવી છે. કુલ 9 ફંક્શન ધરાવતી આ એપ્લિકેશનમાં એક વિકલ્પ બૂથ મેનેજમેન્ટ માટેનો છે એમ જગદીશ ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

પાયલોટ વિરુદ્ધમાં 70 MLAનાં રાજીનામાં પડ્યાં
મુખ્યમંત્રી અશોક ગેહલોતની કોંગ્રેસ-અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારી ચાલી રહી છે. તેમના સ્થાને મુખ્યમંત્રી તરીકે હાઈકમાન્ડની પસંદગી સચિન પાયલોટ છે, પરંતુ તેમના નામને લઈને ગેહલોત જૂથમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધારાસભ્ય દળની બેઠક પહેલાં જ ગેહલોત જૂથના 70 જેટલા ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીના ઘરે જઈને રાજીનામાં સોંપી દીધા છે. મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે દાવો કરતાં કહ્યું હતું કે અમારી પાસે 92 ધારાસભ્ય છે. અમારી એક જ માગ છે કે બળવો કરનારા લોકોમાંથી સીએમ ન બનાવવામાં આવે. બીજી તરફ હાઈકમાન્ડે અશોક ગેહલોત, સચિન પાયલોટ, અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેને દિલ્હી બોલાવ્યા છે.

Exit mobile version