સોરઠમાં સાવજ ગરજે:જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે સિંહ પરિવારની લટાર, દૃશ્યો કેમેરામાં કેદ થયાં

By Abhishek Raghuvanshi
2 Min Read
  • આ સિંહ પરિવાર એક દિવસ પહેલાં ગાંધીગ્રામ રોડ પર જોવા મળ્યો હતો
  • બે બચ્ચાં અને બે સિંહણ મેઇન રોડ પર બેઠેલાં જોવા મળ્યાં

જંગલ છોડીને સિંહો હવે ગામડાં અને શહેર તરફ વળતા થયા છે. એક દિવસ પહેલાં જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડી રાત્રિના સિંહ પરિવાર રોડ પર જોવા મળ્યો હતો. એ જ ચાર સિંહોનું ટોળું ફરી આજે રાત્રે બિલખા રોડ રાજીવનગરના ગેટ પર જોવા મળ્યું હતું. મધરાતે સિંહ પરિવારના આંટાફેરાનાં દૃશ્યો કેમરામાં કેદ થયાં છે.

એકસાથે ચાર સિંહનું ટોળું
જંગલના રાજા સિંહ વારંવાર ખોરાકની શોધમાં લટાર મારતાં-મારતાં જંગલની બહાર માનવવસતિના વસવાટવાળા વિસ્‍તારોમાં આવી જાય છે. એક દિવસ પહેલાં સિંહો ગાંધીગ્રામ વિસ્તારમાં ફરતા હોવાનો વીડિયો વાઇરલ થતાં વન વિભાગે સ્ટાફને એલર્ટ કર્યો હતો. એ જ સિંહ પરિવાર આજે રાત્રે ફરી જોવા મળ્યો હતો. બીલખા રોડ રાજીવનગરના ગેટ પાસે, જ્યાં મેંદરડા, વિસાવદર જવાનો રોડ છે ત્યાં મેઈન રોડ પર એકસાથે ચાર સિંહે મધરાતે પોતાની મસ્તીમાં બિનધાસ્ત મોજ માણી હતી.

કારચાલકે દૃશ્યો કેમરામાં કેદ કર્યા
બે બચ્ચાં અને બે સિંહણ ચારેય મેઈન રોડ પર બેઠેલા જોવા મળ્યાં હતાં. બાદમાં આ સિંહોનું ટોળું જંગલ તરફ જતું રહ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા એક કારચાલકે આ દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતાં આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ બાબતની જાણ વન વિભાગને થતાં વન વિભાગનો સ્ટાફ પણ એલર્ટ થયો હતો.

Exit mobile version