સુરતમાં બે વર્ષથી MD તરીકે ક્લિનિક ચલાવતો 12 પાસ યુવક 30 લાખની લોન લેવા ગયો, તપાસમાં કરતાં ડીગ્રી ખોટી નીકળી!

By Abhishek Raghuvanshi
3 Min Read
  • એમડીની બોગસ ડીગ્રી બેંકમાં રજૂ કરી, બેંકની તપાસમાં ડીગ્રી ખોટી નીકળતાં પોલીસ ફરિયાદ
  • કોરોનામાં ધંધો બંધ થતાં નકલી તબીબ બનેલા યુવકની ધરપકડ, થોકબંધ દવાઓ જપ્ત

30 લાખની લોન લેવાના ચક્કરમાં નકલી ડોકટરનો ભાંડો ફૂટયો છે. બોગસ એમડીની ડીગ્રી બનાવી ક્લિનિક ચલાવતા સમીર ફિરોઝ મીઠાણીને રાંદેર પોલીસે શુક્રવારે ક્લિનિક પરથી ઝડપ્યો હતો. પોલીસે મોટી માત્રામાં દવા, ઇન્જેકશન, દર્દીઓને આપવાની ફાઇલો, પ્રિસ્ક્રિપ્શનના કોરા લેટર પેડ કબજે કર્યાં હતાં.

સમીર મીઠાણી 2 વર્ષથી બોગસ ડીગ્રી આધારે ક્લિનિક ચલાવતો હતો. બોગસ ડોકટર સમીર મીઠાણીએ 30 લાખની લોન લેવા બેંકમાં ગુજરાત કાઉન્સિલ અમદાવાદ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીનું ખોટું પ્રમાણપત્ર લોનમાં મૂક્યું હતું. બેંકના સ્ટાફે ડોકટરના સર્ટિફિકેટની તપાસ કરાવતાં બોગસ હોવાનું બહાર આવતાં મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો. કમિશનરે તપાસનો આદેશ કરતાં રાંદેર પોલીસે ફરિયાદ લઈ નકલી ડોકટર સમીર ફિરોઝ મીઠાણી(37)(રહે, પ્રિન્સ પાર્ક રો હાઉસ,રાંદેર,મૂળ રહે, ચોગઠગામ,ભાવનગર)ને પકડી પાડી ધરપકડની તજવીજ કરી છે.

પોલીસે વધુમાં કહ્યું હતું કે આરોપી ડોકટર સમીર મીઠાણીએ ધો.12 કોમર્સ પાસ કરેલું છે અને તે ઓટોમોબાઇલ્સના ધંધા સાથે સંકળાયેલો હતો. કોરોનાને કારણે આર્થિક સંકડામણને કારણે સમીર મીઠાણી ઓટોમોબાઇલ્સનો ધંધો છોડી દુકાનમાં ક્લિનિક ખોલ્યું હતું. નકલી ડોકટર સમીર સુરતમાં 5 વર્ષથી રહેતો હતો.

કિરણ હોસ્પિટલનું બોગસ આઈ કાર્ડ પણ બનાવ્યું હતું
નકલી ડોકટર પાસેથી કિરણ હોસ્પિટલનો આઈ કાર્ડ પણ મળી આવ્યો હતો. ક્લિનિક પર આવતા પેશન્ટોને તે કિરણ હોસ્પિટલનો ડોકટર હોવાનું કહેતો હતો. આ બાબતે તપાસ કરતાં કિરણ હોસ્પિટલમાં સમીર મીઠાણી નામનો કોઈ ડોકટર કાર્યરત ન હતો અને તેણે કિરણ હોસ્પિટલનું આઈ કાર્ડ પણ બોગસ બનાવેલું હતું. નોકરી માટે નકલી ડોકટર મીઠાણી યુવકોને પોતાના લેટરપેડ પર ફિટનેશ સર્ટિફિકેટ બનાવી આપતો હતો. આવા કેટલાક ડોક્યુમેન્ટો પણ પોલીસને હાથ લાગ્યા છે.

- Advertisement -

ગૂગલ પરથી ડીગ્રીનું સર્ટિ. એડિટ કરી પોતાનું નામ લખી દીધું હતું
લોકડાઉનમાં ઓટોમોબાઇલ્સનો ધંધો બંધ હોવાથી સમીરને મુશ્કેલી પડતી હતી. બીજી તરફ કોરોનામાં માત્ર દવાખાનાઓમાં દર્દીઓની ભીડ હોવાથી સમીરે નકલી ડોકટર બની કમાણી કરવા ક્લિનિક ખોલ્યું હતું. સમીરે એમડીની ડીગ્રી માટે ગુજરાત કાઉન્સિલ અમદાવાદ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીનું બીજાના નામનું સર્ટિફિકેટ ગૂગલ પરથી શોધી એમાં એડિટ કરી પોતાનું નામ લખી ક્લિનિકમાં લટકાવી દીધું હતું.

Exit mobile version