સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન:મોઢેરાના સૂર્યમંદિર જેવી ડિઝાઇન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયો

By Abhishek Raghuvanshi
3 Min Read
https://timenews.today/img/2022/09/My-Video11.mp4

દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે આજે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ સાથે જ નવી દિલ્હી અને CSMT, મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે 10,000 કરોડનું રોકાણ સામેલ છે.

ટ્રેક પર 648 મીટર બાય 140 મીટર પહોળા રૂફ પ્લાઝા બનાવવામાં આવશે.

13 લેન કિલોમીટરનું એલિવેટેડ રોડ નેટવર્ક
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની ડિઝાઈન મોઢેરાના સુર્યમંદિરથી પ્રેરિત હશે. તેમજ ટ્રેક પર 648 મીટર બાય 140 મીટર પહોળા રૂફ પ્લાઝા બનાવવામાં આવશે. જ્યારે 13 લેન કિલોમીટરનું એલિવેટેડ રોડ નેટવર્ક બનશે. આ રેલવે સ્ટેશન સિંગાપોર એરપોર્ટને પણ ઝાંખુ પાડે એવું બની જશે. આ રેલવે સ્ટેશન લગભગ અઢી વર્ષમાં તૈયાર થઈ જશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને નવી ભેટ મળી.

ગુજરાતને બે મહત્વપૂર્ણ ટ્રેનની ભેટ મળશે
ઉલ્લેખનીય છે કે, તારીખ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવવા જઇ રહ્યા છે. આમ, નવરાત્રિના આ દિવસો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને બે મહત્વપૂર્ણ ટ્રેનની ભેટ મળવા જઇ રહી છે, ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે.

રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર બનશેઃ મુખ્યમંત્રી

CMએ માન્યો PMનો આભાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આધુનિક સ્ટેશનના લીધે રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર બનશે.

- Advertisement -
રેલવે અને બસ સહિતની તમામ ટ્રાન્સપોર્ટ સેવાઓ સીધી કનેક્ટ કરાશે.

રેલ સેવાઓ સાથે ટ્રેન સેવાઓ કનેક્ટ થશે
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે. આ સાથે જ, દિલ્હી રેલ્વે સ્ટેશન બસ, ઓટો અને મેટ્રો રેલ સેવાઓ સાથે ટ્રેન સેવાઓને એકીકૃત કરશે, જ્યારે મુંબઈના CSMT રેલવે સ્ટેશનના હેરિટેજ બિલ્ડીંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પરંતુ તેની આસપાસના વિસ્તારોના બિલ્ડીંગોને પુનઃવિકસિત કરવામાં આવશે.

રેલવે સ્ટેશન પર બાળકો પણ આનંદથી રમી શકશે અને મુસાફરીનો થાક પણ નહીં લાગે.

199 સ્ટેશનોના પુનઃવિકાસનો કુલ ખર્ચ 60,000 કરોડ
રેલવે મંત્રીએ જણાવ્યું કે, નવી દિલ્હી, CSMT અને અમદાવાદ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટેના ટેન્ડર આગામી 10 દિવસમાં બહાર પાડવામાં આવશે. આ 3 મુખ્ય સ્ટેશનો સહિત 199 સ્ટેશનોના પુનઃવિકાસનો કુલ ખર્ચ 60,000 કરોડ છે. આગામી 2 થી 3.5 વર્ષના સમયગાળા દરમિયાન અમદાવાદ રેલ્વે સ્ટેશન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, અને મુંબઈ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનોના પુનઃવિકાસમાં મોડ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટથી રોજગારીની તકોનું સર્જન થશે.
Exit mobile version