સાહેબ મિટિંગમાં છે:ગુજરાતની જનતા કહે છે, ‘બહુ થયું હવે; આ બે પટેલોનું પતે તો સારું’, કોંગ્રેસનો સાથ છોડ્યો તો સાથીઓ હાર્દિકને છોડવા લાગ્યા

By Abhishek Raghuvanshi
6 Min Read

 વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બે જ પાટીદારની ચાલી રહેલી ચર્ચા બાદ હવે ગુજરાતની જનતા પણ થાકીને બોલવા લાગી છે કે હવે આ બે પટેલનું પતે તો સારું. રોજેરોજ નવા નવા સમાચારો ચાલે છે, મિત્રો, આ બે પાટીદાર છે, એક નરેશ પટેલ અને બીજા હાર્દિક પટેલ. નરેશ પટેલ રાજકીય રાહ અપનાવશેની વાતો તો 100 દિવસથી ચાલે છે, એમાં પણ નરેશભાઈ તારીખ પે…તારીખ…પાડી રહ્યા છે, તેમનું હજુ કોઈ ઠેકાણું પડતું નથી, તો બીજા હાર્દિક પટેલે પણ નારાજગીનું ગાણું ગાઈને કોંગ્રેસ છોડી તો દીધી, એટલે હવે ક્યાં જશે એની અટકળો અને અફવાઓએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. આ સંજોગોમાં જનતા કહે છે, બસ, હવે બહુ થયું, આ બંનેને ક્યાંક ઠેકાણે પાડી દો, તો બીજી પણ રાજકીય ચર્ચા કરી શકાય.

હાર્દિકે કૉંગ્રેસનો હાથ છોડ્યો, તેના સાથીઓ હાર્દિકને છોડવા લાગ્યા
પાટીદાર અનામત આંદોલનને રાજકીય એન્ટ્રી માટેનું પગથિયું નેતા બની ગયેલા હાર્દિક પટેલના સમર્થકો અને આંદોલનના સાથીઓ હાર્દિકની સાથે રહેવાને બદલે સામે પડતા તેનું રાજકીય ભવિષ્ય ડામાડોળ થવાની સંભાવના છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેની સાથે રહેલા ‘પાસ’ના નેતાઓ હાર્દિક વિપક્ષની સાથે હોવાથી તેના ટેકામાં હતા, પરંતુ હાર્દિકે પાસમાંથી બહાર નીકળી રાજકીય રાહ પકડી એ સમયે સાથીઓ સાથે વાત કરી હતી, પરંતુ કોંગ્રેસ છોડવાના નિર્ણયમાં કોઈને પણ સાથે રાખ્યા નહોતા, એટલે એવું લાગે છે કે હાર્દિકે કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ તેને સાથ આપનારા પણ તેનો હાથ છોડી રહ્યા છે.

પાસના સાથીઓ કહી રહ્યા છે કે હાર્દિકને હજુ વિચારવાનો સમય છે, તેણે નક્કી કરવાનું છે. સરકાર સામે પાટીદારોની વાત સ્પષ્ટ છે. રાજદ્રોહના કેસો પાછા લેવામાં આવે અને શહીદ પરિવારને નોકરી મળે. ઘણી વખત સમાજની એકતા તોડવા રાજકીય પક્ષો પ્રયાસ કરતા હોય છે. હાર્દિક કોંગ્રેસમાં ગયો ત્યારે, પાસ સાથે ચર્ચા કરી હતી. હાર્દિકે કોંગ્રેસ છોડી ત્યારે પાસ સાથે ચર્ચા કરી નથી.

- Advertisement -

ફરીવાર સેલ્ફ ડિફેન્સમાં મુકાયેલી કોંગ્રેસના નેતાઓ જાગશે કે ભાગશે?
ગુજરાતમાં ફરી એકવાર ‘કોંગ્રેસ બચાવો’ની સ્થિતિ ખુદ કોંગ્રેસ માટે જ નિર્માણ પામી છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે લડતાં પહેલાં કોંગ્રેસે પોતાનું જ ઘર સાચવવાનો મસમોટો પડકાર આવી ગયો છે. જે ભાજપનું કામ ઘણું જ આસાન કરી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસને મસમોટો ફટકો ત્યારે લાગી રહ્યો છે, જ્યારે તેના જ મૂળ નેતાઓ તેનો સાથ છોડીને ભાજપનું ઘર મજબૂત કરી રહ્યા છે. બીજી બાજુ, કોંગ્રેસના પીઢ નેતાઓ પક્ષની અંદર આટઆટલી સમસ્યાઓ હોવા છતાં તેમાં સુધારો કરવાને બદલે ‘સેલ્ફ ડિફેન્સ’ની ભૂમિકામાં જ હોય તેવું લાગ્યા વગર રહેતું નથી.

રાજકીય નિષ્ણાતો સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતે કોંગ્રેસ ખાલી થઈ રહી છે, તે જોતાં વિધાનસભાની ચૂંટણી જીતવી તો દૂર પરંતુ પાછલી ચૂંટણીમાં પક્ષે જે બેઠકો જીતી હતી તે જાળવી રાખવાનો પણ મોટો પડકાર રહેવાનો છે. 2017ની ચૂંટણીમાં એક સમયે કોંગ્રેસ ભાજપની લગોલગ પહોંચી ગઈ હતી કેમ કે ત્યારે 77 જેટલી બેઠકો તેના ફાળે આવી હતી, જેની કદાચ ત્યારે કોઈએ કલ્પના પણ કરી નહોતી. જો કે ચૂંટણીમાં ધારણા કરતાં સારું પ્રદર્શન કર્યા બાદ તેમાં વધારો કરવાને બદલે કોંગ્રેસનું પ્રદર્શન દિવસેને દિવસે બગડતું ગયું અને 2017માં ચૂંટાયેલા ધારાસભ્યોએ વારાફરતી કોંગ્રેસનો ‘હાથ’ છોડવાનું શરૂ કરતાં હાલત ખરાબ થઈ ગઈ છે.

CS પદનું સપનું દૂરઃ મિત્રાને આખરે GNFC કે અન્ય નિગમમાં મુકાશે
વિપુલ મિત્રા સિનિયોરીટીમાં આવતાં હોવા છતાં ભલે ચીફ સેક્રેટરી ન બને, પરંતુ નિવૃત્તિ નજીક તેમને GNFC કે GSFCમાં ચેરમેન જેવો સારો હોદ્દો આપી દેવાનો તખ્તો ગોઠવાઇ ચૂક્યો છે. હાલના ચીફ સેક્રેટરી તરીકે પંકજ કુમારની ટર્મ 30 મેના રોજ પૂર્ણ થાય છે,એટલે કે નિવૃત્ત થાય છે, તેવા સમયે નવા મુખ્ય સચિવ કોણ હશે તેનો જવાબ તેમના પછી સિનિયોરિટીમાં આવતા વિપુલ મિત્રા જ છે. વિપુલ મિત્રાની સીએસ તરીકે નિમણૂંક ન કરવાનું સરકારે મન બનાવી લીધુ હોય તેવી દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે વિપુલ મિત્રાને GNFC, GSFC ઉપરાંત અન્ય બે નિગમ કે જયાં મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂંક થઈ નથી, તેવી લિસ્ટેડ કંપનીઓ ગુજરાત ગેસ કે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ(GSPL)માં નિમણૂંક કરવામાં આવી શકે છે.

ચીફ સેક્રેટરી પંકજ કુમારને એક્સટેન્શન મળશે
રાજ્ય સરકાર આગામી મહિનામાં તેની કામગીરીને પ્રજા સમક્ષ બતાવવામાં વ્યસ્ત છે, તેવા સમયમાં હાલના ચીફ સેક્રેટરી પંકજ કુમારને સ્થાને નવા CS મૂકવાને બદલે ત્રણ કે છ મહિના જેટલા સમય માટે પંકજ કુમારને એક્સટેન્શન આપવામાં આવે તેવી શકયતા છે. જોકે પંકજકુમાર હાલમાં ફાઇલોના ઢગલા વચ્ચે બેઠા હોવાની ફર્યાદ થઈ રહી છે. તેથી તેમનું એક્સટેન્શન ખૂબ ઓછા સમયનું હશે ઓમ લાગી રહ્યુ છે. જોકે તેમના બાદ અધિકારી રાજકુમારને તેમના પછી મુખ્ય સચિવ બનાવાય તે લગભગ નિશ્ચિત છે.

કે.રાજેશની સામેનાં પગલાંનો બોધપાઠ
જડતર નહીં નડતરના નંગ પહેરે તો ટકી શકશે, IAS લોબીમાં એવી ચર્ચાછે કે, CBI અને ED ઇડી જેવી સંસ્થા કોઈ અધિકારીની તપાસ કેમ કરે, એ વ્યકિત કોઈ વધુ જગ્યાએ નડ્યો હશે? કે તેણે એવા કામ કર્યા હશે કે પછી કોઈ રાજકીય વ્યક્તિનો હાથ બન્યા હશે? અથવા તો ઉપરવટ જઈને કોઈ કર્યા હોય એ પણ એક કારણ હોય શકે. કે. રાજેશમાંથી એટલો બોધપાઠ લેવાનો કે IAS-IPS અધિકારીઓએ અન્ય નેતાઓને નડતરરૂપ ન થવું એનું ખાસ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. માત્ર એટલું જ નહીં, જે IAS અધિકારી પક્ષના ખાસ નિર્દેશને ગંભીરતાથી લઈ કામ ન કરે તો તેની ફરિયાદ પક્ષના વડા-CM સુધી જાય છે, પછી તેનાં પર પગલાં લેવાય છે.

Exit mobile version