શરાબના શોખીનોના રંગમાં ભંગ પડ્યો:વલસાડના કંજણહરિમાં મધરાત્રે દારૂની મહેફિલ પર LCB ત્રાટકી, સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત 41 લોકો રંગેહાથે ઝડપાયા

By Abhishek Raghuvanshi
2 Min Read
  • 25 લિટર ઇંગ્લિશ દારૂ, 5 કાર અને બાઈક સહિત 36 લાખનો મુદ્દામાલ જપ્ત
  • સારા વરસાદને લઈ કથાનું આયોજન કરાયું હતું, જે બાદ દારૂની મહેફિલ યોજવામાં આવી

વલસાડ જિલ્લામાં વાવણીલાયક વરસાદ વરસ્યો હતો, જેની ખુશીમાં કાંજણહરિ ગામમાં કથાનું આયોજન કરાયું હતું. કથાના પ્રસંગ બાદ દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. ત્યારે વલસાડના કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલમાં LCBની ટીમે રેડ પાડી હતી. વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામપંચાયતના સરપંચ વિનોદ પટેલ તેમજ એક સગીર સહિત 41 લોકોને દારૂની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. LCBની ટીમે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ત્યારે આ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વરસાદની ખુશીમાં દારૂની મહેફિલ
વલસાડ જિલ્લામાં વાવણીલાયક વરસાદ વરસ્યો હતો, જેની ખુશીમાં તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામપંચાયતના સરપંચ વિનોદ પટેલે કાંજણહરિ ગામમાં રહેતા એક પરિવારના બંગલામાં કથાનું આયોજન કર્યું હતું. કથાના પ્રસંગ બાદ દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. એમાં ઈંગ્લિશ અને દેશી દારૂની વ્યવસ્થા કરવામાં આવી હતી. વલસાડ LCBની ટીમને આ અંગે બાતમી મળતાં દારૂની મહેફિલ માણતા એક સગીર સહિત 41 શખસોને ઝડપી પાડયા હતા.
દારૂની મહેફિલ પર LCBનો સપાટો
કંજણહરિ ગામમાં બંગલામાં ચાલતી દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પડ્યો હતો. એક સગીર સહિત 41 જેટલા શખસ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા હતા. શરાબ અને કબાબની મહેફિલ માણતા લોકો પોલીસને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
વલસાડના ધારાસભ્ય ભરત પટેલના સૌથી નજીક ગણાતા એવા નાનકવાડા ગ્રામપંચાયતના સરપંચ વિનોદ પટેલ, ડેપ્યુટી સરપંચ અને તેમના સમર્થકો દારૂની રેડ દરમિયાન ઝડપાયા હતા. દારૂની મહેફિલમાં 15 હજારની કિંમતનો 25 લિટર ઈંગ્લિશ દારૂનો જથ્થો, નવસાર, અખાદ્ય ગોળ, દેશી દારૂ બનાવવાનો વોશ મળી કુલ 64 હજારના દારૂનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે દારૂનો જથ્થો તેમજ વાહનો સહિત 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દારૂની મહેફિલને લઈ પંથકમાં ચકચાર મચી
વલસાડ ગ્રામ્ય પોલીસમાં આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલ પર LCBની ટીમે સપાટો બોલાવ્યો હોવાની જાણ થતાં પંથકમાં ચકચાર મચી હતી.

- Advertisement -
Exit mobile version