- એક તરફ ભ્રષ્ટાચારના પૈસા માગે ને કામ નબળું થયાની RTI કરે તો થોડું ચાલેઃ બાવળિયા
- ગામમાં પાણી અને ગટરનાં નબળાં કામમાં RTI માગતાં બાવળિયા લાલઘૂમ
વાઘાણી બાદ હવે કુંવરજી બાવળિયા પણ ભાન ભૂલ્યા હોય એમ તેમણે તાલુકા પંચાયતનાં સદસ્ય નીતુબેન સરવૈયાના પતિને ભવાન સરવૈયાને ફોનમાં ધમકી આપતા હોય એ રીતે વાત કરી હતી. બાવળિયાએ ભવાન સરવૈયાને કહે છે કે પૈસા માગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે, પાછા બધા ભાગબટાઈની વાતો કરો છો. જોકે આ અંગે કુંવરજી બાવળિયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ના, એમાં કંઇ છે નહીં. બીજા લોકોએ ગામના કોન્ટ્રેક્ટર પાસે પૈસા માગ્યા હતા, આથી પૈસામાં આનાકાની થઈ એટલે મેં જાહેરમાં કહ્યું કે પૈસા ન માગ્યા હોય તો આવી જાઓ, આપણે ચોકમાં મીટિંગ કરીએ. પૈસાની માગણી કરો અને RTI કરો તો ખાવાનું થાય, આપણે એક તરફ ભ્રષ્ટાચારના પૈસા માગીએ અને કામ નબળું થયાની RTI કરીએ તો એવું થોડું ચાલે.
તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાન સરવૈયાને ધમકી આપી
વીંછિયા તાલુકાના ઓરી તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાન સરવૈયાને ગામની અંદર પાણી અને ગટરલાઇનમાં નબળાં કામ થયાનું જણાતાં RTIની માહિતી માગતા હતા, પરંતુ જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ફોનમાં ખુલ્લી ધમકી આપતા હોવાની ઓડિયો-ક્લિપ સામે આવી છે. એમાં કુંવરજી બાવળિયા ભવાનને ફોનમાં કહે છે કે RTI કરીશ તો માર ખાવાનો વારો આવશે.
બાવળિયા અને સરવૈયા વચ્ચે થયેલી વાતચીત શબ્દશઃ
બાવળિયાઃ એ દરબાર કોણ છે, તેને કહેજો કે આ વિસ્તારની અંદર ખેલ નાખવાનું બંધ કરે, અહીં ધારાસભ્ય કુંવરજીભાઈ છે, ભવાન-બવાન તમે ત્યાં ખોટી વાતો કરો, આ પાઇપલાઇન નથી નાખી અને પેલી નથી નાખી, તમારા લોકોએ જ કરી છે.
