વડોદરામાં મોડી રાત્રે શ્રીજીની સવારી દરમિયાન કોમી છમકલાંના CCTV સામે આવ્યા, 13ની ધરપકડ, 30 લોકોનાં ટોળાં સામે ફરિયાદ

By Abhishek Raghuvanshi
4 Min Read
  • તોફાનીઓએ મસ્જિદના કાચ અને કારના કાચ તોડ્યા, રસ્તા ઉપરની લારીઓ ઊધી પાડી દીધી
  • સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો

વડોદરાના પાણીગેટ રોડથી વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા તરફ મોડી રાત્રે જઈ રહેલી શ્રીજીની સવારી દરમિયાન કેટલાંક અસામાજિક તત્ત્વોએ શાંતિમાં પલીતો ચાંપ્યો હતો. બે કોમ વચ્ચે કાંકરીચાળો થતાં નાસભાગ મચી ગઈ હતી. તોફાની ટોળાએ પાણીગેટ દરવાજા પાસે આવેલી મસ્જિદના કાચ તેમજ રસ્તા ઉપર પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત એકથી વધુ લારીઓ ઊધી પાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે મોડી રાત્રે 13 તોફાનીની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન સિટી પોલીસ મથકમાં 30 લોકોનાં ટોળાં સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે બનેલા આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ભાગદોડ અને પથ્થરમારાનાં દૃશ્યો જોવા મળ્યાં છે.

તોફાની તત્ત્વો દ્વારા કરવામાં આવેલો પથ્થરમારો CCTVમાં કેદ.

શ્રીજી સવારી દરમિયાન પથ્થરમારો
આવતીકાલે 31 ઓગસ્ટથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. વડોદરા શહેરનાં મોટા ગણેશમંડળો દ્વારા શ્રીજીને વાજતે-ગાજતે તૈયાર કરેલા પંડાલોમાં લઇ જઇ રહ્યા છે. મોડી રાત્રે વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેના ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીને વાજતે-ગાજતે પંડાલ તરફ આવી રહ્યા હતા. દરમિયાન અત્યંત સંવદેનશીલ મનાતા પાણીગેટ દરવાજા પાસે એકાએક શાંતિમાં પલીતો ચંપાયો હતો. એકાએક પથ્થર મારો થતાં શ્રીજીની સવારીમાં લોકોમાં જોડાયેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. કેટલાંક તોફાની તત્ત્વ દ્વારા પાણીગેટ દરવાજા પાસે આવેલી મસ્જિદ પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા. ઉપરાંત રોડ ઉપર પાર્ક કરેલી કારના પણ કાચ તોડી નાખ્યા હતા. એ સાથે રસ્તા પર ઊભેલી ખાણી-પીણીની લારીઓને ઊંધી પાડી દીધી હતી.

તોફાની તત્ત્વ દ્વારા કરવામાં આવેલી તોડફોડ.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
મોડી રાત્રે પાણીગેટ દરવાજા પાસે બનેલી આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સિટી અને પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. એ સાથે ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શાંતિને ડહોળનાર તત્ત્વોને અંકુશમાં લઈને મામલો થાળે પાડ્યો હતો. આ બનાવને પગલે ટોળાં પણ રોડ ઉપર આવી પહોંચ્યાં હતાં અને પોલીસ અધિકારીઓને રજૂઆતો કરી હતી. જોકે પોલીસે મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં બનાવને ડામી દીધો હતો અને ટોળાંને બળનો ઉપયોગ તેમજ સમજાવટથી વિખેરી નાખ્યાં હતાં.

તોફાનને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એકશનમાં આવ્યા હતા.

સંવદેનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો
મોડી રાત્રે બનેલા આ બનાવના પડઘા શહેરના અન્ય વિસ્તારોમાં ન પડે એ માટે શહેર પોલીસતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવી દીધું હતું. જોકે પાણીગેટ વિસ્તારમાં બનેલા આ બનાવના અન્ય વિસ્તારોમાં કોઇ ઘેરા પ્રત્યાઘાત પડ્યા નહોતા. પોલીસે શહેરમાં શાંતિ જળવાઇ રહે એ માટે જ મોડી રાત્રે જ શ્રીજીની સવારીમાં જોડાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતી 13 વ્યક્તિ તેમજ બંને કોમના 30 લોકોનાં ટોળાં સામે પાણીગેટ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એસ. ડામોરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે 13 આરોપીની મોડી રાત્રે જ ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

- Advertisement -
વડોદરા શહેરની શાંતિમાં પલીતો ચાંપનારાં તોફાની તત્ત્વોની અટકાયત કરાઈ હતી.

મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં અફવા બજાર ગરમ
મોડી રાત્રે પાણીગેટ દરવાજા પાસે થયેલાં કોમી છમકલાં બાદ શહેર પોલીસતંત્ર દ્વારા પાણીગેટ તેમજ સિટી પોલીસ મથકની હદમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવ બાદ સંવદેનશીલ વિસ્તારોમાં સન્નાટો છવાઈ ગયો હતો. સમગ્ર શહેરમાં પાણીગેટમાં થયેલાં કોમી છમકલાંને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે આ બનાવના અન્ય કોઇ વિસ્તારમાં કોઇ પ્રત્યાઘાત પડ્યા નહોતા. આજે સવારથી પોલીસતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત વધારી દેવા સાથે પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવી દીધું હતું.

Exit mobile version