રામનવમીની શોભાયાત્રામાં ઘર્ષણ બાદ 39 લોકો સામે નામજોગ ફરિયાદ,144 લાગુ છે એ વિસ્તારમાં RAFની ફોર્સનું પેટ્રોલિંગ

By Abhishek Raghuvanshi
3 Min Read
  • હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો
  • પોલીસે 3 અલગ અલગ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • હસનનગર, જૂના બજાર ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ

હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ બન્યો હતો. સાબરકાંઠામાં એસપી સહિત 10 પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી છે. બીજી તરફ, RAF ( રેપિડ એક્શન ફોર્સ)ની ટીમ હિંમતનગર પહોંચી ગઈ છે, જે શહેરમાં પેટ્રોલિંગ કરશે. હાલમાં શહેરમાં જે વિસ્તારોમાં 144ની કલમ લગાવવામાં આવી છે ત્યાં આ ફોર્સ પેટ્રોલિંગ કરશે. શહેરમાં હસનનગર, જૂના બજાર ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. એ ઉપરાંત 39 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે અને 700 લોકોનાં ટોળાં સામે સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફરિયાદ દાખલ કરાઈ છે.

700થી વધુનાં ટોળાં સામે ફરિયાદ નોંધાઈ
શહેરમાં રાયોટિંગ અને ગુનાહિત ષડયંત્રની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હિંમતનગર A ડિવિઝન , B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 700થી વધુનાં ટોળાં સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 3 અલગ અલગ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના છાપરિયા વિસ્તારમાં અશરફનગર કસબા, ઈમામવાડા અને વણઝારા વાસમાં પથ્થરમારા સાથે તોડફોડ કરાઈ હતી. ઘર્ષણની ઘટનામાં 39 શખસ સામે નામજોગ અને 700થી વધુનાં ટોળાં સામે ડેમેઝ ટુ પબ્લિક પ્રોપર્ટી એટલે કે સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ શકમંદ લોકોની અટકાયત કરી રહી છે.

શહેરમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ: પોલીસ
હિંમતનગરના DCP વિશાલ વાઘેલાએ કહ્યું હતું કે ગઈકાલે રામનવમીની શોભાયાત્રામાં જે આગજની અને પથ્થરમારાના બનાવો બન્યાં હતાં. એ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ તોડફોડના બનાવો બન્યા હતા. આ ઘટનામાં અલગ અલગ એફઆઈઆર થયેલી છે. અમે હાલમાં શહેરમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.

શહેરમાં આરએએફની ટીમ તહેનાત કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી
ગાંધીનગર ખાતે મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ DGP આશિષ ભાટિયા, IBના ચોગ અનુપમ ગેહલોત, લો એન્ડ ઓર્ડર ચીફ સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ પાસેથી આ બનાવ કઈ રીતે બન્યા,બંદોબસ્ત કઇ રીતનો હતો અને આગળ આ પ્રકારની ઘટના ન બને ઓ માટે કયા પ્રકારનું આયોજન છે એ અંગે ચર્ચા કરી હતી. DGP આશિષ ભાટિયાએ કહ્યું હતું કે હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉન્ડઅપ કર્યા છે.

- Advertisement -
Exit mobile version