- પરિવારમાં 18 ફેબ્રુઆરીએ લગ્ન હોય એક તરફ તૈયારી અને બીજી તરફ માતા-પુત્રીને ગંભીર ઇજા
રાજકોટના સંતકબીર રોડ પર રવિવારે રખડતી ગાયનાં હુમલામાં પ્રજાપતિ પરિવારની મહિલા નીલમબેન અને તેની 2 વર્ષની પુત્રી આંશી ઘાયલ થયા હતા. જેમાં આંશીને માથામાં 10 ટાંકા આવ્યા હતા. ઘટનાની જાણ થતા આંશીના પિતા સંદિપભાઈ કામ પરથી હોસ્પિટલ દોડી આવ્યા હતા. દીકરીના માથામાં 10 ટાકા જોઈ પિતા ચક્કર ખાઈને પડી જતા બેભાન થઈ ગયા હતા. સંદિપભાઇએ જણાવ્યું હતું કે, રખડતા ઢો મામલે કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી.
પરિવારમાં લગ્નની તૈયારી અને માતા-પુત્રીને ગંભીર ઈજા
આ પરિવારમાં આગામી 18 ફેબ્રુઆરીએ નીલમબેનનાં નણંદ ઈશિયાબેનનાં લગ્ન યોજાનાર છે. ત્યારે એકતરફ લગ્નની તૈયારીઓ અને બીજીતરફ પત્ની અને પુત્રી ઘાયલ થતા પતિ સંદીપભાઈ પ્રજાપતિ મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કડિયાકામથી ઘરનું ગુજરાન ચલાવતા સંદીપભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જલ્દી બંને સ્વસ્થ થાય એ ભગવાનને પ્રાર્થના છે. બાકી મનપા તો કોઈની ફરિયાદ સાંભળતુ નથી. એટલે ક્યાંય રજૂઆત કરવાનો કોઈ મતલબ નથી. અગાઉ પણ અમારા વિસ્તારમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે અનેક રજૂઆતો થઈ ચૂકી છે. પણ ક્યારેય કોઈ પગલાં લેવાયા નથી.
સામેથી આવી રહેલી ગાયે માતા-પુત્રી પર અચાનક હુમલો કર્યો હતો
બીજીતરફ આ ઘટના સમયે સાથે રહેનાર અને ભોગ બનનાર માતા-પુત્રીને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર પૂજાબેને જણાવ્યું હતું કે, સાસુ-વહુ બાળકીને સાથે લઈ ખરીદી માટે ગયા હતા. તેઓ પરત આવતા હતા ત્યારે સામેથી આવી રહેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. જેમાં માતા-પુત્રી બંને પડી ગયા હતા. જેમાં માતા કરતા વધુ બાળકીને ઇજા થઇ હતી. જેને લઈને બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાળકીને માથામાં 10 ટાંકા લેવા પડ્યા હતા. કામ પરથી દોડી આવેલા સંદીપભાઈ પણ પત્ની અને પુત્રીની હાલત જોઈ ચક્કર ખાઈને પડી ગયા હતા.
માતા-પુત્રીને શીંગડામાં લઈ ગાયે ઉછાળી હતી
મનપાના પ્રાણી રંજાડ અંકુશ વિભાગની બેદરકારીના કારણે શહેરમાં પશુના કારણે ત્રણ લોકોના જીવ જોખમમાં મૂકાઈ ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ બનાવામાં જોઈએ તો સંતકબીર રોડ ઉપર આંબાવાડીમાં રહેતા નીલમબેન સંદિપભાઈ પ્રજાપતિ રવિવારે બપોરના સમયે તેમની બે વર્ષીય પુત્રી આસી સાથે બજારમાં હટાણું કરવા ગયા હતા. ત્યારે પરત ફરતી વેળાએ ગાયે માતા-પુત્રીને પાછળથી શીંગડામાં ભરાવી ઉછાળીને પટકી હતી. 2 વર્ષની બાળકીને ઢસડીને પગ વડે ખૂંદી નાખી હતી. ઈજાગ્રસ્ત પુત્રીને છોડવા ગયેલી માતાએ ગાય સાથે બાથ ભીડતા પુત્રીનો જીવ બચી ગયો હતો.
ગાયના હુમલાથી માતાના પગમાં ઈજા પહોંચી
ગાયના મારથી પુત્રીને બચાવવા પડેલી માતાનો સાહસ જોઈ અન્ય શાકબાજીના ધંધાર્થી અને ફ્રૂટના ધંધાર્થીઓએ દોડી જઈ લાકડી વડે ગાયને માર મારી માતા-પુત્રીને છોડાવ્યા હતા. ઈજાગ્રસ્ત માતા-પુત્રીને કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીનું માથું ફાટી જતા ડોક્ટર દ્વારા 10 ટાકા લેવામાં આવ્યા હતા. જ્યારે માતાના પગમાં ગાયના હુમલાને કારણે ઇજા થઇ હતી.
જાગનાથમાં વૃદ્ધાને ગાયે ઉલાળિયા
બીજા બનાવમાં જાગનાથમાં મહિલા અંડરબ્રિજ પાસે ગાયોના ટોળામાં રોટલી દેવા ગયેલા લાભુબેન ચંદુલાલ સિસોદિયા (ઉં.વ 70)ને એક ગાયે ઢીંક મારી ઉલાળતા ગંભીર ઇજા થઈ હતી. બનાવ અંગેની જાણ થતા પરિવારજનોએ દોડી જઈ ગંભીર વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
રખડતા ઢોર પકડવા હાલ 4 ટીમ શહેરમાં કાર્યરત
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ મહાનગરોમાં ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ રખડતા ઢોર સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મનપા દ્વારા રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ વેગવંતી કરવામાં આવી છે. પહેલા 2 ટીમ દ્વારા ઢોર પકડવામાં આવતા હતા હવે 4 ટીમ મૂકવામાં આવી છે. અગાઉ દરરોજનાં 500 ઢોર પકડવામાં આવતા હતા. જેની સામે હવે રોજ 900-1000 ઢોર પકડવામાં આવી રહ્યા છે. પરંતુ આમ છતાં શહેરનાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનાં કારણે લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ત્યારે મનપા દ્વારા આ કામગીરી વધુ ઝડપી બનાવાય તે જરૂરી બન્યું છે.
