રાજકોટમાં નોન-ક્રીમિલેયર સર્ટિ.માં લાઈનો લાગે છે પરંતુ વચેટિયા કહે છે ‘350 રૂપિયા આપો, બધું થઈ જશે’

By Abhishek Raghuvanshi
5 Min Read
નોકરી વાંચ્છુકોની લાંબી લાઈન ( ડાબી તરફ) અને ભ્રષ્ટાચાર કરતો વચેટિયો ( જમણી તરફ)
  • બહુમાળી ભવન ખાતે ઉઘરાણા ચાલતા હોવાનો પર્દાફાશ
  • દૈનિક 200-300 યુવાનો લાઈનમાં ઉભા રહે છે

રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈન લાગી છે. પણ તેમાં તંત્રની બેરદકારી અને ભ્રષ્ટાચારનો દિવ્ય ભાસ્કરના સ્ટિંગમાં પર્દાફાશ થયો છે. એક તરફ દૈનિક 200-300 યુવાનો લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી. જયારે નોકરી વાંચ્છુક યુવકોની સામે જ વચેટિયાઓ ખુલ્લેઆમ લોકોને કહે છે કે,350 રૂપિયા આપો, બધું થઈ જશે. સરકારીમાં આ પ્રકારે જાહેરમાં થતો ભ્રષ્ટાચાર કેટલી હદે યોગ્ય છે!, છતાં પણ જાણે વચેટિયાંના ખુલ્લેઆમ ગોરખધંધા સામે તંત્રે મોંઢામાં મગ ભર્યા હોય તેવી સ્થિતિ સર્જાય રહી છે.

પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી

વીડિયોમાં વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે: પ્રાંત અધિકારી
આ અંગે પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિ વીડિયોમાં દેખાઇ રહ્યો છે તે લેભાગુ તત્વ હોવાનું અને ખોટું બોલી રહ્યો છે. આ બનાવને પગલે બહુમાળી ભવનમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે અને લેભાગુ તત્વોને બહાર કાઢવામાં આવશે. હાલ યુવાનોની ભીડને જોતા વધારાની વ્યવસ્થા હાથ ધરાઇ છે. અને ત્રણ વધારે ટેબલ શરૂ કરવામાં આવ્યા છે.

લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહી જાય છે

ત્રણ ત્રણ દિવસથી ધક્કા થાય છે: નોકરી વાંચ્છુક યુવતી
રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈન લાગી છે. પણ તેમાં તંત્રની લાલયાવડી સામે આવી છે. દૈનિક 200-300 યુવાનો લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી. આ અંગે લાઈનમાં ઉભેલી યુવતીએ જણાવ્યું હતું કે, 150 ટોકન પછી પણ વારો નથી લેતા, ત્રણ ત્રણ દિવસથી ધક્કા થાય છે.

લાઈનમાં ઉભેલી યુવતીએ જણાવ્યું હતું કે, 150 ટોકન પછી પણ વારો નથી લેતા

તંત્રની વ્યવસ્થાના અભાવે લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે
સરકારે વર્ગ 3ની તલાટી કમ મંત્રીની જગ્યા માટે સીધી ભરતીની જાહેરાત કરતા અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ જોડવું આવશ્યક હોય છે. જેથી તે સર્ટિ. કઢાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી છે. રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સવારે 11 વાગ્યે સર્ટિ. કાઢવા માટેની પ્રક્રિયા શરૂ થાય છે, જો કે, લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહી જાય છે, પરંતુ તંત્રની વ્યવસ્થાના અભાવે લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.

- Advertisement -
નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી છે

અન્ય 4 કર્મચારીને કામગીરી માટે રાખવામાં આવ્યા
આ અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારી શિવાનીબેન લાંબાના જણાવ્યા અનુસાર, દરરોજ 150થી 200 જેટલા અરજદારોને સર્ટિ. કાઢી આપવામાં આવે છે. પરંતુ તેની સામે લોકોની કતાર સતત વધતી હોવાથી 150 જેટલા લોકોને ટોકન આપવામાં આવે છે. સર્ટિ. કાઢવા માટે એજન્સીના બે કર્મચારી ઓપરેટર ફરજ પર છે. લોકોની લાંબી કતારને ધ્યાને રાખી સમાજ કલ્યાણ વિભાગના અન્ય 4 કર્મચારીને કામગીરી માટે રાખવામાં આવ્યા છે. જેથી વધુ એક કર્મચારીની ફાળવણી કરવા માટે એજન્સીને પત્ર લખવામાં આવ્યો છે.

ઉમેદવારો 15-2-2022 સુધી ફોર્મ ભરી શકશે
ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત આવી ત્યારથી પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારોએ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે .ઉમેદવારો 15-2-2022ના રોજ રાત્રિના 23:59 કલાક સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. જેને માટે બહુમાળી કચેરી ખાતે નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ માટે રોજ મોટી સંખ્યામાં લોકો કતારમાં ઊભેલા જોવા મળે છે.

ભરતી માટે કુલ 3437 જગ્યાઓ ખાલી છે
આ ભરતી માટે કુલ 3437 જગ્યાઓ ખાલી છે ત્યારે અમદાવાદમાં 105, અમરેલીમાં 205, આણંદમાં 125, અરવલ્લીમાં 41, બનાસકાંઠામાં 120, ભરૂચમાં 164, ભાવનગરમાં 208, બોટાદમાં 44, છોટાઉદેપુરમાં 85, દાહોદમાં 68, દેવભૂમિ દ્વારકામાં 75, ડાંગમાં 18, ગાંધીનગરમાં 23, ગીરસોમનાથ 93, જામનગરમાં 161, જૂનાગઢ 191, કચ્છણાં 159, ખેડામાં 126, મહીસાગરમા 48, મહેસાણામાં 152, મોરબીમાં 56, નર્મદામાં 96, નવસારીમાં 64, પંચમહાલમાં 99, પાટણમાં 118, પોરબંદરમાં 44, રાજકોટમાં 188, સાબરકાંઠામાં 42, સુરતમાં 90, સુરેન્દ્રનગરમાં 137, તાપીમાં 61, વડોદરામાં 141, વલસાડમાં 90 જગ્યા માટે ભરતી બહાર પડી છે.

Exit mobile version