- બે મહિનામાં 1600 કિલો અડદિયાનું ઉત્પાદન
- રૂ.300ના કિલો શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર અડદિયાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં બને છે
- ગત વર્ષે 8,21,500નું વેચાણ કર્યું, એક કેદી જેલમાં જ કરે મહિને પાંચ હજારની કમાણી
રાજકોટની જેલના કેદીઓ છેલ્લા 10 વર્ષથી રાજકોટવાસીઓને ફરસાણની સ્વાદિષ્ટ વાનગી પીરસી રહ્યા છે ત્યારે જેલના કેદીઓની વધુ એક વાનગી રાજકોટિયનના દાઢે વળગી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટ જેલના કેદીઓ શિયાળામાં અડદિયાં બનાવી વહેંચી રહ્યાં છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરમાં તેમનાં અડદિયાં વેચાય છે અને વખણાય છે. કેદીઓ દ્વારા બનાવવામાં આવી રહેલાં અડદિયાં અંગે જાણવા દિવ્ય ભાસ્કર સેન્ટ્રલ જેલમાં પહોંચ્યું હતું.
30 કેદી દ્વારા રોજ 40થી 50 કિલો અડદિયાં બનાવવામાં આવે છે
જેલમાં પાકા કામના 30 જેટલા કેદીઓ દ્વારા રોજ 40થી 50 કિલો અડદિયાં બનાવવામાં આવે છે. બજારમાં રૂા.300ના કિલો વેચાય છે. સામાન્ય રીતે બજારમાં અન્ય અડદિયાં 400થી 500ના કિલો વેચાય રહ્યા છે. જેલના કેદીઓ દ્વારા શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર અડદિયાં બનાવવામાં આવી રહ્યા છે.
અંદાજે 3 લાખથી વધુનું વેચાણ કર્યું છે
શિયાળાની શરૂઆતથી લઈ ફેબ્રુઆરીના અંત સુધી કેદીઓ અડદિયાં બનાવે છે ત્યારે 7 વાગ્યે ઊઠી પોતાની દિનચર્યા પૂર્ણ કર્યા બાદ 9 વાગ્યે કામ પર લાગી જાય છે. 9થી 12 સુધી અને બપોરે 3થી 5-30 સુધી અડદિયાં બનાવવાનું કામકાજ કરે છે. આ કામ બદલ તેમને વળતર પણ ચૂકવવામાં આવે છે. અત્યારસુધીમાં આ સીઝનના 1000 કિલોથી વધુ અડદિયાં બની ચૂકયા છે. અંદાજે 3 લાખથી વધુનું વેચાણ કર્યું છે.
કેદીઓ પોતાનાં પરિવારજનોને પણ રકમ ઘરે મોકલી શકે છે
કેદીઓ જે વસ્તુ બનાવે છે તેનો ખર્ચ સરકાર તરફથી અપાતી ગ્રાન્ટમાંથી લેવામાં આવે છે. આવાં કાર્યોથી કેદીઓનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે અને એના બદલામાં તેમને કમાવાનો મોકો પણ મળે છે, જેના થકી તેઓ પોતાના જીવન જરૂરી ખર્ચા કરી શકે છે અને પોતાનાં પરિવારજનોને પણ રકમ ઘરે મોકલી શકે છે. કાલાવડ રોડ પર આવેલ ભજિયાં હાઉસ અને પોપટપરાના નાલા પાસે આવેલી સેન્ટ્રલ જેલના મેઈન ગેટ પાસે જાહેર જનતા માટે અડદિયાં વેચાણ માટે મૂકવામાં આવે છે.
ગત વર્ષે 8 લાખ, 21,500નાં અડદિયાં વેચાયાં હતાં
અડદિયાંમાં ગુંદ, કાજુ બદામ, અડદિયાંનો મસાલો, અડદનો લોટ જેવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરની કોઈ વ્યક્તિના ખાસ ઓર્ડર પર પણ બનાવી આપવામાં આવે છે. ગત વર્ષે 8.21 લાખના અડદિયાં વેચાયાં હતાં. અત્યારસુધીના આ સીઝનના 1600 કિલો અડદિયાંનું વેચાણ થઈ ચૂકયું છે. હજુ ફેબ્રુઆરીના અંત સુધીમાં 500 કિલોથી વધુનું વેચાણ થઈ જશે. કેદીઓ પણ હોંશે હોંશે આ કાર્ય કરે છે.
કેદીઓને 1 કિલોએ રૂા.8નું વળતર ચૂકવાય છે
રાજકોટની જેલમાં અંદાજે 30 જેટલા પાકા કામના કેદીઓ અડદિયાં બનાવવાનું કામ કરી રહ્યા છે. તેમને 1 કિલો અડદિયાં પર રૂા.8 વેતન ચૂકવવામાં આવે છે. રોજ અંદાજે 40-50 કિલો ચોખ્ખા ઘીના અડદિયાં બનાવવામાં આવે છે. એક કેદી મહિનાનું 5000 જેટલું વેતન પાળી લે છે, અત્યારસુધીમાં આ સીઝનના 1600 કિલો બનાવી ચૂકયાં છે. હજુ આગામી દિવસોમાં ઠંડી નહીં જાય ત્યાં સુધીમાં 500થી વધુ કિલો અડદિયાંનું વેચાણ કરશે.
17 પ્રકારનાં ફરસાણ બનાવવા ઉપરાંત સુથારી, વણાટ કામગીરી પણ કેદીઓ કરે છે
છેલ્લાં 10 વર્ષથી કેદીઓ ફરસાણ બનાવવાની કામગીરી કરે છે. હાલ તેમણે અડદિયાં બનાવવાનું પણ શરૂ કર્યું છે. ત્યારે 17 જાતનાં ફરસાણની બનાવે છે, જેમાં અડદિયાં, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, તીખા ગાંઠિયા, સકકરપારા, ફૂલવડી, સેવમમરા, ચવાણું, તીખી બુંદી, સમોસાં, લાડુ, જલેબી, ફાફડા, ગાંઠિયા, મીઠી બુંદી, મોહનથાળ, પફ ખારી જેવી અનેક વસ્તુઓ બનાવે છે. આ ઉપરાંત સુથારી, બેકરી, દરજી, ધોબીકામ કરે છે, જેમાં કેદીઓનાં કપડાં સીવવાનું કામ પણ કેદીઓ જ કરે છે. અંદાજે 100 જેટલા કેદીઓ વિવિધ કામગીરી કરી રોજગારી મેળવે છે.
રમકડાં બનાવવાની કંપનીએ રમકડાં બનાવવાનું કામ આપ્યું છે
કામ કરતા કેદીઓમાં આંતરિક વિકાસ થાય છે, માનવતા જાગે છે, એક કેદી જો જેલમુકત થાય અથવા અન્ય જેલમાં તેમને મોકલવામાં આવે તો તે કેદી અન્ય કેદીને ટ્રેનિંગ આપે છે. આ ઉપરાંત કોરોનાની શરૂઆતથી જ કેદીઓ માસ્ક બનાવી રહ્યા છે. તેમના માસ્ક અન્ય સ્થળોએ વેચાણ માટે મૂકવામાં આવે છે. ભુજ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગોંડલ, મોરબી, સુરેન્દ્રનગરની જેલોમાં પણ રાજકોટના કેદીઓને વસ્તુ મોકલવામાં આવે છે.
જેલમાં કરેલી કામગીરીનું અડધું વળતર સ્વખર્ચ માટે વાપરી અન્ય પરિવારને આપે છે
જેલમાં કેદીઓ પોતાની આવડત મુજબ કામગીરી કરે છે, જેનું વળતર તેમને આપવામાં આવે છે. આ વળતરમાંથી કેદીઓ પોતાના રોજબરોજની વસ્તુ ખરીદવા માટે અડધો પગાર પોતાની પાસે રાખે છે અને વધેલું અડધું વળતર પરિવારજનોને મોકલે છે. જેલમાં કામ કરતા કેદીઓનું પોસ્ટમાં ખાતું હોય છે, જેમાં તેમનો અડધો પગાર જમા કરવામાં આવે છે. જે-તે સમયે કેદીઓ જેલમાંથી છૂટે ત્યારે એ પગાર વાપરી શકે છે અથવા પોતાનાં પરિવારજનોને મોકલી શકે છે. આ રીતે કેદીઓ જેલમાં રહીને પોતાના પરિવારની મદદ કરી શકે છે અને પોતે પણ કામગીરી કરી આવડત વિકસાવે છે.
