- સરકાર, સંગઠન અને મતવિસ્તારની કામગીરીની પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે
ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કમલમ ઓફિસથી અંતરિયાળ વિસ્તારનાં ગામડાં સુધી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ભાજપ માટે આ ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં રિપીટ-નો રિપીટની નારાજગીની સાથે એન્ટીઇન્કમ્બન્સી(સત્તાવિરોધી જુવાળ)નો પણ પડકાર છે. એ સમયે ભાજપ દ્વારા એક-એક ધારાસભ્યની કામગીરીની પ્રોફાઈલ સાથે સંભવિત નવા ઉમેદવારની ઓળખની પણ કુંડળી મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. જો ભાજપ આખેઆખી સરકાર બદલી શકતો હોય તો ધારાસભ્યો બદલવા કોઈ મોટી વાત નથી. જે રીતે રૂપાણી સરકારના રાજીનામા બાદ નવા મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાને સ્થાન અપાયું હતું એ જ પેટર્ન પર આગામી ચૂંટણીમાં મોટા ભાગના ચહેરા સાવ નવા હશે.
આ વિધાનસભા ચૂંટણીમાં 90 ટકા ધારાસભ્યોની ટિકિટ કપાવાની પૂરી સંભાવના છે. એક વિધાનસભા બેઠક પર 12થી 13 નામની વિચારણા કરવામાં આવે એવી શક્યતા છે.
150 બેઠકનો ટાર્ગેટ હાંસલ કરવા માટે તનતોડ મહેનત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182નો લક્ષ્યાંક રાખ્યો છે, પણ 150 બેઠકનો વાસ્તવિક ટાર્ગેટ હાંસલ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. એમાં પણ ભાજપને સૌથી મોટો ભરોસો પેજ પ્રમુખ અને પેજ સમિતિ પર છે, જેથી ભાજપ-પ્રમુખથી માંડીને પ્રદેશ નેતાઓ, જિલ્લા, તાલુકા, શહેરના આગેવાનોને તમામ 182 બેઠકનાં બધાં જ બૂથ સુધી પેજ પ્રમુખની કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
પક્ષની આંતરિક સ્થિતિ સાથે વિપક્ષની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત
આ ઉપરાંત 2017ની ચૂંટણીનાં પરિણામોના એનાલિસિસ સાથે 2022માં ભાજપ સરકાર અને સંગઠનની ખૂબીઓ અને ખામીઓનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ ચૂંટણીમાં સત્તાવિરોધી જુવાળ ઉપરાંત પક્ષની આંતરિક સ્થિતિની સાથે વિપક્ષની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
ધારાસભ્યોની કામગીરીની પ્રોફાઇલ તૈયાર કરી
વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી પણ અતિમહત્ત્વની હોવાથી ભાજપ-પ્રમુખ સહિતની તેમની પ્રદેશની કોર ટીમ દ્વારા ભાજપના વર્તમાન મંત્રીઓ અને ધારાસભ્યોની સરકાર, સંગઠન અને મતવિસ્તારની કામગીરીની પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી રહી છે. એની સાથે સાથે નવા ઉમેદવારની પસંદગી માટેનાં નામોની યાદી જે-તે વિધાનસભા વિસ્તારમાંથી મેળવીને તેની પણ ઓળખની સાથે સામાજિક, રાજકીય અને પ્રજા સાથેના સંબંધોની કુંડળી મેળવવામાં આવી રહી છે.
ભાજપમાં લાવવા કોંગ્રેસના ધારાસભ્યોનાં કામોની પણ ચકાસણી
ભાજપે શરૂ કરેલી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પોતાના પક્ષ અને સરકારની સાથે વિપક્ષ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોના મતદારો સાથેના સંપર્કો, તેમનાં કામોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસથી નારાજ અને ભાજપમાં જોડાઈ શકે તેવા ધારાસભ્યો તરફ વધુ નજર રાખવામાં આવી રહી છે. સમય આવ્યે આવા અસંતુષ્ટ ધારાસભ્યોને ભાજપમાં ભરતી કરવાની પણ તૈયારી ચાલી રહી છે.
ઉમેદવારોની પસંદગીમાં પાટીલ અને આનંદીબેનનો પણ મહત્ત્વપૂર્ણ રોલ
હાલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વનમેન-આર્મીની જેમ સરકાર અને ભાજપ વચ્ચે સંકલન કરી રહ્યા છે અને ઉમેદવારની પસંદગી કરવામાં તેમની મોટી ભૂમિકા હશે. અત્યારથી જૂના અનેક કપાશે એવી યાદી બની રહી હોવાનું જાણવા મળ્યું છે, પક્ષનાં સૂત્રો કહે છે કે ઉત્તરપ્રદેશનાં રાજયપાલ અને ગુજકાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉમેદવારોની પસંદગીમાં ભૂમિકા ભજવશે.
60થી વધુ વર્ષની ફોર્મ્યુલા લાગુ કરે તો દિગ્ગજોની ટિકિટ કપાઈ શકે
60થી વધુ વર્ષના નેતાઓને પણ ટિકિટ ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો આ ફોર્મ્યુલા અજમાવવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી. ફળદુ, સૌરભ પટેલ, કુંવરજી બાવળિયા સહિતના દિગ્ગજોની ટિકિટ કાપવી પડે.
પાટીલે કહ્યું હતું, 100 નવા ચહેરાને ટિકિટ અપાશે
પાંચ મહિના પહેલાં પ્રદેશ પ્રમુખ પાટીલે હિંમતનગરમાં નિવેદન આપ્યું હતું કે 100 નવા ચહેરાને ટિકિટ આપવામાં આવશે. એકથી વધુ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા MLAનાં પત્તાં કપાશે તેવો સંકેત આપતાં પાટીલે કહ્યું હતું કે કેટલાક ધારાસભ્યો નિવૃત્ત પણ થવાના છે અને 70 નવા શોધવાના છે. મતલબ કે 100 તો નવા ચહેરા થઈ જ જશે.
