માત્ર 40 મિનિટમાં જ રેસ્ક્યૂ:ધ્રાંગધ્રાના દુદાપુર ગામે અઢી વર્ષનું બાળક 500 ફૂટના બોરમાં પડી ગયું, તંત્રએ મધરાતે રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો

By Abhishek Raghuvanshi
2 Min Read
  • વાડીમાં રમતાં રમતાં બાળક બોરવેલમાં પડી ગયું હતું
  • ધ્રાંગધ્રા આર્મીની ટીમે બાળકને સલામત બહાર કાઢ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું
ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

બાળક 30 ફૂટ પર સલવાયું હતું
ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમે આવીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બાળક 30 ફૂટ પર સલવાયું હોવાનું જણાયું હતું. ત્યારે ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ આ માસૂમ બાળકને વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યું હતું.

Exit mobile version