માજી સૈનિકોનો સરકાર સામે જંગ:પડતર માગણીઓને લઈને વિધાનસભા તરફ કૂચ, ગાંધીનગરમાં પ્રવેશવાના માર્ગો પોલીસે કોર્ડન કર્યા

By Abhishek Raghuvanshi
3 Min Read

રાજ્ય સરકાર સામે 14 પડતર માગણીને લઈને આંદોલન પર ઊતરેલા માજી સૈનિકોએ આજે સવારથી ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરવામાં આવતાં પોલીસે શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ચુસ્ત પોલીસ- બંદોબસ્ત ગોઠવી દઈ વિધાનસભા પોલીસ-છાવણીમાં ફેરવી દેવાયું છે. આજે ચિલોડા આર્મી કેમ્પ ખાતે માજી સૈનિકોની ફોજ ઊતરી આવી રેલી કાઢી ગાંધીનગર તરફ કૂચ કરે એ પહેલાં જ પોલીસે તેમને આગળ વધતા અટકાવી દીધા છે.

શહીદ જવાનના પરિવારો પણ આંદોલનમાં જોડાયા
છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો દ્વારા પડતર માગણીઓને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર ચિલોડા ખાતે હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા છે. અગાઉ રાજ્ય સરકારે માજી સૈનિકોની 5 માગણી સ્વીકારી લેવામાં આવી હતી. જોકે હજી પણ બાકીની પડતર માગણીઓ બાબતે કોઈ હકારાત્મક નિરાકરણ નહીં આવતાં ફરીવાર માજી સૈનિકોએ સરકાર સામે જંગ છેડવામાં આવ્યો છે, જેમાં શહીદ જવાનના પરિવારો પણ આંદોલનમાં જોડાયા છે.

ગાંધીનગરમાં 144ની કલમ લાગુ
વાતાવરણ વધુ તંગ ન બને એ માટે ઘટનાસ્થળ પર પોલીસ દોડી આવી હતી. માજી સૈનિક તેમજ તેમના પરિવારો દ્વારા ‘ભારત માતા કી જય’ તેમજ ‘વંદે માતરમ’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પડતર તમામ માગ સ્વીકારાય અને એનો GR કરવા માજી સૈનિકો દ્વારા માગણી કરવામાં આવી છે. આ અંગે ચિલોડા પોલીસ મથકના પીઆઈ એમજે જાડેજાએ જણાવ્યું હતું કે પડતર માગણીઓને લઇને આર્મી કેમ્પ ખાતે માજી સૈનિકો એકઠા થયા છે. હાલમાં કોઈની પણ અટકાયત કરવામાં આવી નથી. ગાંધીનગરમાં થોડા દિવસ અગાઉ કલેક્ટરે 144ની કલમ લાગુ કરી છે. જેને લઇને માજી સૈનિકોને આગળ જતાં અટકાવી દેવાયા છે.

માજી સૈનિકોની પડતર માગણીઓ

- Advertisement -
  • શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
  • શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
  • શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
  • ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક
  • શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામગૃહની વ્યવસ્થા
  • વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
  • માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
  • રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
  • દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
  • કોન્ટ્રેક્ટ પદ્ધતિ રદ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
  • હથિયાર લાઇસન્સ રિન્યુ કરવા અને નવા લાઇસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
  • માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
  • સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
  • ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
  • સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
  • ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકનાં બાળકોને અનામત
  • માજી સૈનિકનાં બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
  • માજી સૈનિકને વ્યવસાયવેરામાંથી મુક્તિ આપવામાં આવે

રાજ્ય સરકારે આ માગણીઓ સ્વીકારી

  • શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય આપવી
  • શહીદ જવાનોનાં બાળકોને રૂ.5 હજાર શિક્ષણ સહાય આપવી
  • શહીદ જવાનનાં માતા-પિતાને માસિક રૂ.5 હજારની સહાય આપવી
  • અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય આપવી
  • અપરીણીત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ.5 લાખની સહાય આપવી
Exit mobile version