મરણચીસો ગુંજી:ગોંડલમાં હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગ સમયે બ્લાસ્ટ, 3 શ્રમિકના મોત, એકનું મોઢુ છૂંદાયું

By Abhishek Raghuvanshi
3 Min Read
  • અકસ્માત કઈ રીતે થયો તે હજુ બહાર આવ્યું નથી, પોલીસે તપાસ હાથ ધરી

ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે વહેલી સવારે એક કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ત્રણેય શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. જેમાં એક શ્રમિકનું મોઢુ એટલી હદે છૂંદાઇ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો.

પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમમાં ખસેડ્યા
પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ચાર વાગ્યે ફેક્ટરીની અંદર કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં ગીર સોમનાથના દેવલપુર ગામના આશિષ હમીરભાઈ સોલંકી (ઉં.વ.25), સુત્રાપાડાના રાહુલ જસાભાઈ પંપાણિયા (ઉં.વ. 22) અને ઉત્તરપ્રદેશના બલવા ગોરીનાં અમર શિવધારાભાઈ વિશ્વકર્મા (ઉં.વ.33)ના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા PSI એસ.જી. કેશવાલા અને હેડ કોન્સ્ટેબલ પી.બી. વાલાણી દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તેમજ ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.

લોહીલૂહાણ હાલતમાં શ્રમિકોના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા.

એકનું ઘટનાસ્થળે, બીજાનું રસ્તામાં અને ત્રીજાનું હોસ્પિટલમાં મોત
ત્રણેય યુવાનો વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા અને બ્લાસ્ટ થયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ શ્રમિકના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ.

કેમિકલ ભરેલી ટાંકીમાં વેલ્ડિંગ કરતી સમયે બ્લાસ્ટ થયો
આજે વહેલી સવારે ત્રણેય શ્રમિકો ફેક્ટરીની અંદર લોખંડની ટાંકીમાં કેમિકલ ભર્યું હતું જેમાં વેલ્ડિંગ કરતા હતા. ત્યારે વેલ્ડિંગ કરતા સમયે ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં Dysp, LCB સહિતનો કાફોલો પહોંચ્યો છે. તેમજ FSLની ટીમ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. FSLની ટીમે કેમિકલના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
કેમિકલ ભરેલી ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું.

લોખંડની ટાંકીમાં કેમિકલ જેવું ઇંધણ ભર્યું હતું
Dysp પી.એ. ઝાલાએ જણાવ્યું હતું કે, આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં એક બ્લાસ્ટનો બનાવ બન્યો હતો. આથી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા ફેક્ટરીની અંદર જે ટાંકીમાં ઇંધણ રાખવામાં આવે છે તેમાં વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ વેલ્ડરને ગંભીર પ્રકારે ઈજા પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બીજા કોઈને નાની-મોટી ઇજા પહોંચી નથી. હાલ FSLની ટીમને બોલાવી આગળની કાર્યવાહી ચાલુ છે.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Exit mobile version