- પ્રીમિયમ હોટલોમાં સૌથી વધુ બુકિંગ મુંબઈ, દિલ્હી, પુણે અને બેંગલુરુથી, ડિલક્સ રૂમના 7 હજારને બદલે 15 હજાર
- મુંબઈની ફ્લાઇટનું ભાડું રૂ.4-5 હજારથી વધીને 10 હજાર, દિલ્હીનું ભાડું 8-9 હજાર સામે 16 હજારે પહોંચ્યું
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે, જ્યારે રવિવારે ફાઈનલ મેચ રમાશે. 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ પૂરેપૂરું ભરાઈ જવાની શક્યતા છે. મેચનો ક્રેઝ એટલો છે કે રૂ.800ની કિંમતની ટિકિટો બ્લેકમાં રૂ.8 હજારમાં અને 1500ની ટિકિટ રૂ.15 હજારમાં વેચાઈ છે.
આઈપીએલની આ બે મહત્ત્વની મેચોને પગલે દિલ્હી અને મુંબઈથી આવતી ફ્લાઈટના ભાડાં પણ બમણાં થઈ ગયાં છે. ફિલ્મી, રાજકીય તેમજ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ મેચ જોવા આવે એવી શક્યતા છે. આ વર્ગ મોટે ભાગે ચાર્ટર ફ્લાઈટમાં આવતો હોય છે, પરંતુ ક્રિકેટચાહકો વધુ ભાડું ખર્ચીને આવી રહ્યા છે.
હોટલોમાં બુકિંગ ચાર્જ ડબલ
મુંબઈથી અમદાવાદનું વિમાન ભાડું સામાન્ય રીતે 4થી 5 હજાર હોય છે, પણ અત્યારે 10 હજાર આસપાસ બોલાઈ રહ્યું છે. દિલ્હીનું રિટર્ન ભાડું 8થી 9 હજાર સામે 15થી 16 હજારે પહોંચ્યું છે. રોયલ ચેલેન્જર્સ, રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઈટન્સની ટીમો અમદાવાદ આવી ચૂકી છે. બહારથી આવનારા દર્શકોએ હોટલોમાં બુકિંગ કરાવ્યા છે. હોટલ ઈન્ડસ્ટ્રીનાં સૂત્રોએ કહ્યું હતું કે 29 તારીખે ફાઈનલ પૂર્વે રૂમની ઈન્કવાઇરીમાં વધારો થયો છે અને બુકિંગ ચાર્જ પણ ડબલ થઈ ગયા છે.
ડિલક્સ અને એક્ઝિક્યુટિવ રૂમનું એક દિવસનું રૂ.7 હજાર ભાડું વધીને 14થી 15 હજારે પહોંચી ગયું છે. સૌથી વધુ એડવાન્સ બુકિંગ મુંબઈ, પુણે, દિલ્હી અને બેંગલુરુથી થયું છે. શહેરની જાણીતી ફાઈવ સ્ટાર હોટલો 30 મે સુધી પેક થઈ ગઈ છે. ફાઈનલ પૂર્વે 50 મિનિટનો પૂર્ણાહુતિ સમારોહ યોજાશે, જેમાં એ.આર. રહેમાન, નેકા કક્કડ, રણવીર સિંહ સહિત 300 કલાકારો પર્ફોર્મ કરશે. બીસીસીઆઈ, આઈપીએલના ટોચના અધિકારીઓ તેમજ કોર્પોરેટ ડેલિગેટ્સ ગાંધીનગરની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે.
4 કલાક પહેલાં એન્ટ્રી, પાણી પણ લઈ જઈ શકાશે નહીં
- મેચ શરૂ થવાના ચાર કલાક પહેલાં એન્ટ્રી અપાશે.
- ટિકિટ ફાટી ગયેલી કે છેડછાડ કરેલી હશે અથવા બારકોડ નહીં ચાલે તો સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં.
- કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટિફેકેટ સાથે રાખવાનું રહેશે, જેમણે વેક્સિન લીધી હશે તેમને જ પ્રવેશ મળશે.
- એક વખત પ્રવેશ મેળવ્યા બાદ ફરીથી રિએન્ટ્રી મળશે નહીં.
- પાણીની બોટલ, લાઈટર, મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ, જ્વલનશીલ વસ્તુ, ફટાકડા, હથિયાર, હેલ્મેટ, બેગ લઈ જઈ શકાશે નહીં.
- બહારના ફૂડ પર પ્રતિબંધ, સ્મોકિંગ પણ કરી શકાશે નહીં.
- ટિકિટ અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાશે નહીં.
- મેચ રદ થાય કે મોકૂફ રહે તો જ ટિકિટના પૈસા રિફંડ મળશે.
- કોઈ વસ્તુ સ્ટેડિયમમાં ભુલાઈ જશે તો તેની જવાબદારી પ્રેક્ષકની પોતાની રહેશે, એના માટે કોઈ વળતર મળવાને પાત્ર નથી.
- બે વર્ષથી ઉપરનાં બાળકોની ટિકિટ લેવી ફરજિયાત છે.
સૌથી મોંઘી ટિકિટ રૂ.65 હજારની છે. 25 દર્શકોનું ગ્રુપ આ કોર્પોરેટ બોક્સમાં બેસી શકશે. અનલિમિટેડ ફૂડ, ટીવી, સોફા સહિતની સુવિધા ઉપરાંત સ્ટેડિયમમાં કાર પણ લઈ જઈ શકશે.
30 હજાર પાર્કિંગ સ્લોટ ફૂલ, મેચ જોવા દોઢ કિમી સુધી ચાલવું પડશે
આઈપીએલની બંને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઈન પાર્કિંગ બુક કરાવ્યું છે. આ ઉપરાંત મ્યુનિ. એએમટીએસની 116 અને બીઆરટીએસની 48 બસ ફાળવશે. ટૂ-વ્હીલર માટે 8 અને ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે. અત્યારસુધીમાં ફોર-વ્હીલરના 70 ટકા અને ટૂ-વ્હીલરના 40 ટકા પાર્કિંગ સ્લોટ બુક થઈ ગયા છે.
જોકે પાર્કિંગ સ્લોટ સ્ટેડિયમથી 300 મીટરથી માંડી 1.5 કિલોમીટર સુધી દૂર હોવાથી લોકોએ લગભગ દોઢ કિલોમીટર સુધી ચાલવું પડશે. આ વખતે શો માય પાર્કિંગ એપની મદદથી મેચ જોવા આવનારા લોકો વાહનના પાર્કિંગનું સ્થળ પણ અગાઉ નક્કી કરે શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે. એએમટીએસ અને બીઆરટીએસની બસો પણ મણિનગર, લાલ દરવાજા, કાલુપુર, ત્રાગડ, અમરાઈવાડી, નરોડા, વાસણા, વૈષ્ણોદેવી સહિતનાં સ્થળેથી ઊપડશે.
- ટૂ-વ્હીલર માટે 8 પાર્કિંગ પ્લોટ, જેમાં 12,300 વાહન પાર્ક થઈ શકશે
- ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ, જેમાં 18,850 કાર પાર્ક થઈ શકશે
મેચને લીધે આજે જનપથ ટીથી સ્ટેડિયમ સુધીનો રોડ બંધ રહેશે
મોદી સ્ટેડિયમમાં શુક્રવારે યોજાનારી મેચને પગલે મોટેરા ટીથી જનપથ સુધીનો રોડ મેચ શરૂ થાય ત્યારથી મેચ પૂરી ન થાય ત્યાં સુધી રોડ બંધ રહેશે. વૈકલ્પિક રોડ તરીકે વિસત ટીથી તપોવન સર્કલ, ભાટ અને કોટેશ્વરથી અવરજવર કરી શકાશે.
રોડ એક જ બંધ કરાયો છે, પરંતુ સ્ટેડિયમની ચારેબાજુના રસ્તા પર ટ્રાફિકજામ થવાની શક્યતા નકારાતી નથી. ટ્રાફિક સહિત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે 1780 જેટલા પોલીસ જવાનો તહેનાત કરાયા છે. આ ઉપરાંત 7 ડીસીપી, 7 એસીપી, 17 પીઆઈ, 25 પીએસઆઈ અને એસઆરપીની 3 કંપની પણ ગોઠવવામાં આવી છે. આડેધડ વાહનો પાર્ક કરનારનાં વાહનો ટો કરવા માટે 14 જેટલી ક્રેન પણ મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેડિયમની અંદર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વિશેષ વ્યવસ્થા : મેચ જોવા જનારા માટે AMTS-BRTSની 172 બસ પણ મળી રહેશે
આઈપીએલની ક્વોલિફાયર-2 મેચ માટે શહેરના મોટા ભાગના વિસ્તારમાંથી એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવા પૂરી પાડવામાં આવશે.
બીઆરટીએસ : સ્ટેડિયમ જવા 56 બસ દોડાવવામાં આવશે
| રૂટ | બસની સંખ્યા |
| નારોલથી ઝુંડાલ સર્કલ | 26 |
| એલડીથી ઝુંડાલ | 24 |
| ઈસ્કોનથી વિસત સર્કલ | 6 |
મેચ પૂરી થયા પછી રાત્રે 11.30થી શરૂ કરી રાત્રે 1.30 સુધી બસ મળી રહેશે
| રૂટ | બસની સંખ્યા |
| સાબરમતી પોલીસ સ્ટેશનથી નારોલ | 10 |
| ઈસ્કોન ક્રોસ રોડ | 11 |
| આરટીઓ સર્કલ | 4 |
એએમટીએસ : આજની મેચ માટે આ રૂટ પરથી સ્પેશિયલ બસ
| રૂટ | બસની સંખ્યા |
| યુનિવર્સિટીથી અચેર ડેપો03 | 3 |
| નવરંગપુરાથી અચેર03 | 3 |
| થલતેજથી અચેર03 | 3 |
| સોલા સાયન્સ સિટીથી અચેર03 | 3 |
નાઈટ રૂટ
મેચ પૂરી થયા પછી પણ ઘરે પરત જવા 5 સ્પેશિયલ રૂટ પર 50થી વધુ બસ મળી રહેશે
આયોજન
ટ્રાફિકની સમસ્યા ટાળવા બસના ઉપયોગની અપીલ
| વિગત | રૂટ | બસ |
| હયાત રૂટ | 10 | 54 |
| સ્પેશિયલ રૂટ | 4 | 12 |
| નાઈટ રૂટ | 5 | 50 |
| કુલ | 19 | 116 |
