
- પટેલ ગ્રામ્યમાંથી ચૂંટણી લડે અથવા પડદા પાછળ રહી પુત્ર શિવરાજને ભાજપ પ્રવેશ કરાવે
- કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં, પરંતુ નરેશ ભાજપના બને એવી ગોઠવણ
- આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમીમાંથી કઈ પાર્ટી સાથે જોડાશે એ બાબતે ખુદ નરેશ પટેલે ભારે રહસ્ય સર્જ્યું છે. તમામ સમાજના લોકો કહેશે તેના આધારે રાજકારણમાં જોડાવું કે નહીં અને જોડાવું તો કયા પક્ષમાં જોડાવું એનો નિર્ણય કરવામાં આવશે. આ માટે સરવે ચાલી રહ્યો છે એવી વાતો નરેશ પટેલે કરી છે. ત્યારે નરેશ પટેલનું ભાજપ સાથે મનમેળ થઇ ગયું છે, ભાજપના મોવડીમંડળ સાથેની બેઠકમાં નરેશ પટેલની ભાજપમાં એન્ટ્રીનો તખતો ગોઠવાયો છે અને પાટીદાર પ્રભુત્વવાળી બેઠક પર તેમને ભૂમિકા સોંપવાનો ભાજપે વ્યૂહ ગોઠવ્યો છે.
છેલ્લા ત્રણેક મહિનાથી નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી અંગે દરરોજ નવા નવા અહેવાલો પ્રસિદ્ધ થતા રહ્યા છે. નરેશ પટેલ પણ સમયાંતરે મીડિયા સમક્ષ રજૂ થઇને દર વખતે સમાજ કહેશે તો રાજકારણમાં જોડાશે. પોતાના સમાજની કમિટી અને ખાનગી કંપની પાસે આ અંગેનો સરવે કરાવવામાં આવી રહ્યો છે અને એના તારણ બાદ રાજકારણ અંગેનો નિર્ણય જાહેર કરશે. નરેશ પટેલનાં પત્ની, તેમના પુત્ર અને બાદમાં નરેશ પટેલે પણ રાજકારણમાં પોતે જાડાય એવી ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી, નરેશ પટેલ કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનશે, પ્રવર્તમાન સ્થિતિમાં કોંગ્રેસમાં જોડાવાને બદલે AAPમાં નરેશ પટેલ જોડાશે એવી વાતો ચાલતી થઇ હતી. નરેશ પટેલ પોતાના સામાજિક પ્રભુત્વ મુજબ ભાજપ પાસેથી વધુ અપેક્ષા રાખી રહ્યા હોય, તેમની ગોઠવણ થતી નથી એવી વાતો પણ વહેતી થઇ હતી. તેઓ કઇ પાર્ટીમાં જોડાશે, ક્યારે જોડાશે એ સહિતની અટકળોએ રાજકીય બજાર ગરમ કર્યું હતું.
રાજકોટમાં ગત તા.27ના યોજાયેલા સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ નરેશ પટેલ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. એ પહેલાં પાટીલ રાજકોટ આવ્યા હતા ત્યારે નરેશ પટેલના ઘરે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ખોડલધામમાં પણ બંને મળ્યા હતા અને નરેશ પટેલ પોતાના મિત્ર હોવાની પણ પાટીલે વાત કરી હતી, પરંતુ રાજકોટમાં પાટીલે નરેશ પટેલ અંગે મૌન સેવીને આશ્ચર્ય સર્જ્યું હતું. રાજકીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નરેશ પટેલે આ વખતે સક્રિય રાજકારણમાં જોડાવા માટે મન મક્કમ કરી લીધું છે,
કોંગ્રેસની પ્રવર્તમાન સ્થિતિ અને આમ આદમી પાર્ટીનું હજુ સુધી નેટવર્ક ગોઠવાયું નથી ત્યારે આ બંનેમાંથી એક પાર્ટીમાં જોડાયને નરેશ પટેલ પોતાના પ્રભુત્વને જોખમમાં મૂકે એવું તેના નજીકના ટેકેદારો ઇચ્છતા નહોતા. ઉપરોક્ત બંને પાર્ટી જે તેમને સ્ટેજ આપવાની ઓફર કરી છે એ ઓફર સત્તા આવે તો સાકાર થાય. આ સંજોગોમાં નરેશ પટેલ ભાજપમાં જોડાય તો તેમને સારું સ્થાન મળી શકે છે. અઠવાડિયા પૂર્વે નરેશ પટેલ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા, એમાં મહત્તમ વાત ફાઇનલ કરી દેવામાં આવી હતી અને સોમવારે પણ ગાંધીનગરમાં તેમણે ભાજપના ટોચના નેતા સાથે બેઠક કરી હતી. એમાં નરેશ પટેલના ભાજપમાં જોડાવાનો તખતો નક્કી કરી દેવામાં આવ્યો છે. અઠવાડિયામાં આ અંગેની સત્તાવાર જાહેરાત થવાના નિર્દેશો મળી રહ્યા છે.
જો અને તો વચ્ચેની સંભાવનાઓ
- ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણીમાં દોઢસો પ્લસની જીતનો ટાર્ગેટ નક્કી કર્યો છે.
- આ ટાર્ગેટ પૂરો કરવા ભાજપ માટે સૌરાષ્ટ્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે.
- સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વવાળી બેઠક પર ખોડલધામના બેનર હેઠળ નરેશ પટેલનો મહત્તમ લાભ એ ભાજપ ઇચ્છે.
- નરેશ પટેલ ચૂંટણી લડે તો એક બેઠક પર તેમનું ધ્યાન કેન્દ્રિત થાય.
- નરેશ પટેલનો મહત્તમ લાભ લેવા માટે તેમને ભાજપમાં સક્રિય કરીને સૌરાષ્ટ્ર અને સુરતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠક પર પ્રચાર સહિતની જવાબદારી સોંપવામાં આવે.
- નરેશ પટેલના પુત્ર શિવરાજને કોઈ એક બેઠક પર ચૂંટણી લડાવી શકે ભાજપ.
- ધારી સફળતા મળે તો આગામી દિવસોમાં નરેશ પટેલને સીધા દિલ્હી લઇ જવાની ખાતરી આપી હોય એવું પણ બની શકે.
