બાવળિયાનો ફતેપરાને સણસણતો જવાબ:મારે એની સાથે કાંઇ લાગે વળગે નહીં, એ થોડો કોળી સમાજને ખીસ્સામાં લઈને ફરે છે, તો બીજીવાર લોકસભાની ચૂંટણી જીતી ગયો ન હોત!

By Abhishek Raghuvanshi
5 Min Read
  • કોઇને વ્યક્તિગત કોઇ સાથે વાંધો હોય તો સમાજમાં ફાંટા કહેવાય જ નહીં

ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ગઇકાલે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોળી સમાજનું સંમેલન યોજાશે. સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોને એકત્ર કરી રાજકોટમાં સંમેલન યોજાશે. મેં કુંવરજીભાઈ સાથે સમાધાન કર્યું નથી અને થાય એવું લાગતું પણ નથી, મારા સંમેલનમાં કુંવરજીભાઈ અને મહેન્દ્ર મુંજપરાને નો એન્ટ્રી આપવામાં આવી છે. આ નિવેદનને લઈ કુંવરજી બાવળિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ફતેપરાને સણસણતો જવાબ આવ્યો છે. તેઓ જણાવ્યું હતું કે, ફતેપરા સાથે મારે કાંઇ લાગે વળગે નહીં. એ થોડો કોળી સમાજની ખીસ્સામાં લઈને ફરે છે. એવું જ હોય તો સુરેન્દ્રનગરમાં બીજીવાર ચૂંટણી લડ્યો તો જીતી ગયો ન હોત!

ફતેપરા સંમેલન કરતો હોયો તો ભલે કરે
બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ફતેપરા કાર્યક્રમ કરતો હોય તો ભલે કરે. કોળી સમાજમાં કાંઇ ફાંટા-બાટા નથી, કોઇને વ્યક્તિગત વાંધો હોય તો ફાંટા કહેવાય જ નહીં. એ થોડો કોળી સમાજને ખીસ્સામાં લઇને ફરે છે, એટલે કોળી સમાજમાં ફાંટા છે જ નહીં. ભલામણા સુરેન્દ્રનગરમાં બીજીવાર લોકસભાની ચૂંટણી લડ્યો તો એ જીતી ગયો ન હોત! ધારાસભ્ય ન થઇ ગયો હોત!, બોલે એમ ન થાય. રાજકોટમાં 10થી 15 હજાર લોકોનું સંમેલન બોલાવે તો કહેવાય, બોલવું સહેલું છે અને કરીને બતાવવું અઘરૂ છે.

છેલ્લે 2 જાન્યુઆરીએ રાજકોટમાં કોળી સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા સાથે જોવા મળ્યા હતા.

અમારો સમાજ ઝુકાવી અને હરાવી પણ શકેનું ફતેપરાએ નિવેદન આપ્યું હતું
દેવજી ફતેપરાએ ગઇકાલે મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે કોઈપણ સમાજનો અધિકાર છે તેના હક્ક માટેનો. ગુજરાતમાં કોળી-ઠાકોર સમાજની વસતિ સૌથી વધુ છે. અમે પણ સમાજના આગેવાન અને નેતા છીએ. અમને પણ અમારા સમાજના લોકો સવાલો પૂછતા હોય છે કે આપણા સમાજનું મોટામાં મોટું મતદાન છે. સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 54 સીટ છે. આ તમામ સીટ પર કોળી-ઠાકોર સમાજના નિર્ણાયક મતદારો છે. આ મતદારો ઝુકાવી પણ શકે છે ને હરાવી પણ શકે. આવનારા દિવસોમાં અમારે અને સમાજે શું નિર્ણય કરવો, શું કરવું એ જાહેર કરવામાં આવશે. કુંવરજીભાઈ મારાથી દૂર કેમ રહે છે તે અંગે તેમને જ પૂછો તો સારું. આ અંગે મારે કંઇ કહેવું નથી. આવનારા દિવસોમાં કોળી સમાજના મુખ્ય આગેવાનો સાથે બેઠક કરવાનો છું.

બાવળિયા અને ફતેપરાનો વિવાદ ક્યારથી ચાલુ થયો?
ગત 4 જાન્યુઆરીએ કોળી સમાજની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠક પહેલા દેવજી ફતેપરા નારાજ થયા હતા અને કુંવરજી બાવળિયા પર આક્ષેપો કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે સમાજના મુખ્ય આગેવાનોની બેઠકમાં કોને જવું એ અમે બન્નેએ નક્કી કરવાનું હતું, પણ કુંવરજીભાઈ એમાં ફરી ગયા હોય એમ મને લાગ્યું. ​કુંવરજીભાઈએ આ મીટિંગ માટે મારા સહિત સૌરાષ્ટ્રના અગ્રણીઓને સાથે લઈ જવા જોઈએ, પરંતુ તેઓ અચાનક મોટા ભાગના આગેવાનોને પડતા મૂકીને પાટીલને મળવા માટે નીકળી ગયા હતા. આ સાથે જ કુંવરજીભાઈએ પડતા મૂકેલા સમાજના આગેવાનો અને ભાજપના નેતાઓનાં નામ પણ તેમણે જણાવ્યાં હતાં. રામ (બાવળિયા) અને લક્ષ્મણ (ફતેપરા) જોડી કુંવરજીભાઈએ તોડી હોવાનો આક્ષેપ કર્યો હતો.

- Advertisement -
4 જાન્યુઆરીએ કોળી-ઠાકોર સમાજે પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં કુંવરજી બાવળિયા હાજર રહ્યા હતા.

અમે રામ-લક્ષ્મણીની જોડી છીએ જ નહીંનો બાવળિયાએ વળતો જવાબ આપ્યો હતો
પાટીલ સાથેની બેઠક બાદ બીજા દિવસે એટલે કે 5 જાન્યુઆરીના રોજ કુંવરજી બાવળિયાએ દિવ્ય ભાસ્કરને નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, દેવજીભાઈને સાબરિયા અને મુંજપરા સાથે વાંધો હતો એમાં મારું નામ ઉછાળ્યું. સાબરિયા અને મુંજપરા મીટિંગમાં આવવાના હોવાથી ફતેપરાને મને એ બંનેનું મોઢું જોવું નથી, એવું કહી મને પાટીલ સાહેબની મીટિંગમાં આવવાની ના પાડી હતી. અમે રામ-લક્ષ્મણની જોડી છીએ જ નહીં. દેવજીભાઇ પહેલા સંસદસભ્ય હતા, પહેલી વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનાવવામાં મારો હાથ હતો, મેં તેને બધે ફેરવ્યા હતા. આ બધું તો ઠીક, તેઓ સુષુપ્ત હતા ત્યારે કોળી સમાજની બેઠક બોલાવી હતી. એમાં 5 જાન્યુઆરીએ આપણે પાટીલજીની શુભેચ્છા મુલાકાત માટે જવાનું છે એવી વાત પણ થઈ ગઈ હતી. કોળી અને ઠાકોર સમાજના લોકોએ જવાનું છે એવું નક્કી થયું હતું. આ વાત હું મીડિયા સમક્ષ બોલ્યો હતો.

Exit mobile version