- સાવલીમાં કેતન ઇનામદારને સરકાર સામે બાંયો ચઢાવવાનું ભારે પડશે, મધુ શ્રીવાસ્તવને દબંગાઈ નડશે
- જિતુ સુખડિયા-યોગેશ પટેલ-સીમા મોહિલે ઓલરેડી VRS લઈ ચૂક્યા છે, પાદરામાં દિનુ મામા નિરાશ થશે
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠક પર ભાજપ દ્વારા “નો રિપીટ” થિયરી અપનાવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુમાં મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની પણ ચર્ચા ચાલી રહી છે. વાઘોડિયાની બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એવો તખતો ઘડાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 9માંથી પૈકી 3 ધારાસભ્યને જો ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો બળવો કરવાના મૂડમાં હોવાનું વગદાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
“નો રિપીટ” થિયરી કેમ ?
ગુજરાત એ ભાજપ માટે પ્રયોગ શાળા મનાય છે. ભાજપ દ્વારા ગુજરાતમાં જે રાજકીય પ્રયોગ કરવામાં આવે છે અને એને સફળતા મળે તો એનો અન્ય રાજ્યોમાં અમલ કરે છે. વર્ષ 2005ની પાલિકાની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી” અપનાવી હતી અને એમાં 90 ટકા સફળતા મળી હતી. ત્યાર બાદ 2020માં આંશિક ‘નો રિપીટ થિયરી’ અપનાવવામાં આવી હતી, જેમાં ભારે સફળતા મળી હતી. દરમિયાન થોડા સમય પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રીપદેથી દૂર કરી ભૂપેન્દ્ર પટેલને બેસાડવામાં આવ્યા હતા. એ સાથે મંત્રીમંડળમાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા હતા, જેની સામે કોઇ વિરોધ થયો ન હતો.
ધારાસભ્યો સામે પ્રજાની નારાજગી
હાલ મોંઘવારીએ માઝા મૂકી છે અને બેરોજગારી પરાકાષ્ઠાએ પહોંચી છે. શિક્ષણ મોંઘું થઇ ગયું છે. અનેક ગ્રામ્ય વિસ્તારો વિકાસથી વંચિત છે. પરિણામે, લોકોમાં સરકાર સામે ભારે નારાજગી છે. વર્તમાન ધારાસભ્યો સામે પણ નારાજગી છે, ત્યારે સામાન્ય પ્રજાની નારાજગીને ડાઇવર્ટ કરવા માટે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવા કાર્યકરોને તક આપવાના બહાને “નો રિપીટ થિયરી” અપનાવે એવી ચર્ચાઓ ખુદ ભાજપના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે.
9 ધારાસભ્ય ટિકિટ કપાઈ શકે છે
વડોદરા શહેરની 5 બેઠકની વાત કરવામાં આવે તો શહેર-વાડી બેઠક પરથી સતત બેવાર ચૂંટાયા બાદ મંત્રી તરીકેનો હોદ્દો સંભાળનાર મનીષા વકીલ, રાવપુરા વિધાનસભામાંથી ચૂંટાયેલા અને હાલમાં સહકારમંત્રીનો હોદ્દો સંભાળી રહેલા કાયદા અને મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સતત 6 ટર્મથી ચૂંટાતા આવેલા માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ સહિત તમામ 9 ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવે એવી શક્યતાઓને નકારી શકાય એમ નથી.
જિતુ સુખડિયાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી
અત્રે ઉલ્લેખનીય છે કે સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જિતુ સુખડિયાએ સ્વૈચ્છિક રીતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જો ભાજપ દ્વારા “નો રિપીટ થિયરી’ અપનાવવામાં આવે તો એક ટર્મથી ચૂંટાતા અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમા મોહિલેની પણ ટિકિટ કાપવામાં આવે તો નવાઇ નહીં.
સરકાર સામે બાંયો ચડાવતાં ટિકિટ કપાઈ શકે છે
વડોદરા જિલ્લાની 5 વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો સાવલી વિધાનસભા બેઠક પર કેતન ઈનામદાર બે ટર્મથી ચૂંટાઈ આવે છે. તેઓ દ્વારા પ્રજાલક્ષી કામની આડમાં સરકાર સામે બાંયો ચઢાવતાં તેમની પણ ટિકિટ આપવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી સતત સાત ટર્મથી ચૂંટાતા આવતા મધુ શ્રીવાસ્તવની પણ આ આખરી ટર્મ હોવાનું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.
વાઘોડિયા બેઠક પર મહિલાને ટિકિટ આપી શકે છે
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પિતાનું સપનું પૂરું કરવા માટે શિક્ષણક્ષેત્રે સંકળાયેલાં પુત્ર અને પુત્રી પૈકી એકને વાઘોડિયા બેઠક પરથી ટિકિટ આપવામાં આવે. તે સાથે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં અને ત્યાર બાદ ભાજપમાં તાજેતરમાં જોડાયેલા રાજુ અલવાને પણ ભાજપ દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે એવી શક્યતાઓને નકારી શકાય એમ નથી. વાઘોડિયા બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડનારા અને પરાજિત થયેલા ધર્મેન્દ્રસિહ વાઘેલા કોઈ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. જોકે એક એવી પણ ચર્ચા છે કે ગત ચૂંટણીમાં ટિકિટ ન મળતાં બળવો કરી ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહને પરત પક્ષમાં લઈ ટિકિટ આપવા માટે ચોક્કસ લોબી સક્રિય બની હોવાનું જાણવા મળ્યું છે.
સોટ્ટાની પણ ટિકિટ કપાય તો નવાઈ નહીં
આગામી ચૂંટણીમાં ભાજપની “નો રિપીટ” થિયરીની ચાલી રહેલી ચર્ચા વચ્ચે ડભોઇ વિધાનસભા બેઠક પરથી ગત ચૂંટણીમાં પ્રથમ વખત લડેલા અને ચૂંટાયેલા શૈલેષ મહેતા (સોટ્ટા )ની પણ ટિકિટ કાપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે ડભોઇ બેઠક માટે ભાજપ પાસે હરીફ પક્ષને ટક્કર આપી શકે તેવો શૈલેષ મહેતા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. પરંતુ, જો ભાજપ દ્વારા “નો રિપીટ થિયરી’ અપનાવે તો શૈલેષ મહેતાની પણ ટિકિટ કપાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો ડભોઇ, સાવલી અને વાઘોડિયા બેઠક ઉપર “નો રિપીટ થિયરી’નો અમલ કરાશે તો આ ત્રણ બેઠક પર મોટો ભડકો થાય તો નવાઇ નહીં.
સાવલી બેઠક પર ભાજપ નવો ઉમેદવાર ઉતારી શકે છે
સાવલીની બેઠક ઉપર ક્ષત્રિય સમાજના અગ્રણી અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિહ રાઉલજી છેલ્લા કેટલાક સમયથી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે જો ભાજપ દ્વારા ‘નો રિપીટ થિયરી’ અપનાવવામાં આવે અને જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી એક ટિકિટ ક્ષત્રિયને આપવામાં આવે તો કેતન ઇનામદારની પણ ટિકિટ કાપવામાં આવે એવી ચર્ચા જિલ્લા ભાજપામાં ચાલી રહી છે અને તેમની જગ્યાએ બરોડા ડેરીના ડિરેક્ટર અને ક્ષત્રિય સમાજના અગ્રણી કુલદીપસિહ રાઉલજીને ટિકિટ આપવામાં આવે એવો તખતો ઘડાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાદરામાં કોંગ્રેસના MLAને ભાજપમાં લાવવાની કવાયત
તેજ રીતે પાદરામાં હાલ કોંગ્રેસની સીટ છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિહને પાદરા બેઠક ઉપર પુનઃ ટિકિટ આપવાના વચન સાથે ભાજપામાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે બીજી બાજુ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા) પણ વિધાનસભાની ટિકિટ મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે ભાજપ જો કોંગ્રસના ધારાસભ્યને પક્ષમાં લાવી શકવામાં સફળ નહીં થાય અને દિનેશ પટેલ (દિનુ મામા)ને ટિકીટ આપવાને બદલે કોગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર સામે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપશે તો પાદરામાં પણ ભડકો થવાની શક્યતા છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષય પટેલ માટે મુશ્કેલી
કરજણ બેઠક ઉપરથી વર્ષ 2017માં કોંગ્રેસમાંથી અક્ષય પટેલ ચૂંટાઇ આવ્યા હતા. તે બાદ વર્ષ 2019માં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. અને ભાજપમાં જોડાયા હતા. અને ત્યારબાદ થયેલી પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને ચૂટાઇ આવ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી’ની ચર્ચા ચાલી રહી છે, ત્યારે તેઓની પણ ટિકિટ કાપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે અને કરજણ બેઠક ઉપર જીતુ પટેલ(ફોફડીયા) અથવા સચિન પટેલને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
