
- રાણપુર અને ધંધૂકામાં ચાંપતો પોલીસ-બંદોબસ્ત
- ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ અપાયો હોવાની ચર્ચા
અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખસોએ કરેલી હત્યાના કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા છે. આ વાતની જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું તેમના પરિવારને ખાતરી આપું છું કે તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે. હવે આ ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે. બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે. હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હર્ષ સંઘવી મૃતકના પરિવારની મુલાકાત કરી શકે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારની મુલાકાત કરી શકે છે. આ મામલે હવે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી સામે આવી છે. હત્યારાઓને ઘટનાને અંજામ આપવા માટેનાં હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યાં હોવાનું સામે આવ્યું છે. ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મૃતક યુવકના નામે સ્ટેચ્યૂ બનાવવાની માગ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધૂકા મૃતકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટિંગ કરી હતી. મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન એળે ના જાય એ માટે યુવાન અમર રહે એવા નારા લગાવાયા હતા. ધંધૂકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે, એનું સ્ટેચ્યૂ બનાવવામાં આવે એવી પણ માગ કરવામાં આવી છે.
વિરોધપ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આ અંગે અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ધંધૂકામાં આજે સવારથી માહોલ શાંત છે. કેટલાક લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, જેથી SP સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ કરવામાં આવી છે, આરોપી ધરપકડની નજીકમાં છે. આરોપીને જલદી પકડીને જેલને હવાલે કરવામાં આવશે.
ધંધૂકાના PIની બદલી
ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે મૃતક કિશનની અંતિમ યાત્રા નીકળી હતી. ઘટનાને પગલે સમગ્ર ધંધૂકામાં ચુસ્ત પોલીસ- બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હત્યાની ઘટના બાદ ધંધૂકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધૂકામાં મૂકવામાં આવ્યા છે.
