- આજે ‘વર્લ્ડ ઓટીઝમ ડે’ નિમિત્તે જાણો અનોખી બીમારીનું A to Z
દોઢ વર્ષથી લઈ ચાર વર્ષના બાળકમાં એક પ્રકારની માનસિક અસ્વસ્થતા જોવા મળે છે. મેડિકલની ભાષામાં એને ઓટીઝમ(Autism) કહે છે. 2 એપ્રિલ વર્લ્ડ ઓટીઝમ ડે તરીકે ઓળખાય છે અને આખો એપ્રિલ મહિનો ઓટીઝમ અવેરનેસ મન્થ તરીકે મનાવાય છે. અમેરિકા અને યુરોપના દેશોમાં ઓટીઝમનું પ્રમાણ ખૂબ વધારે છે. ભારતમાં પણ આ પ્રમાણ વધ્યું છે. શું છે ઓટીઝમ? માતા-પિતા કેવી રીતે બાળકનાં આ લક્ષણો ઓળખી શકે? આનો ઈલાજ ક્યારે કરી શકાય? આની કોઈ દવા છે? આ તમામ સવાલોના જવાબ જાણવા અહીં વિસ્તૃત અહેવાલ અપાયો છે અને વીડિયો દ્વારા ડોક્ટરની વાત પણ જાણી શકાશે. જો સમયસર પેરેન્ટ્સ જાગી જાય ને ડોક્ટરની સલાહ લે, થેરાપી કરાવે કે હોમિયોપથિક દવા લે તોપણ બાળકને નોર્મલ બનાવી શકાય છે અને જ્યારે બાળક નોર્મલ બની જાય ત્યારે માતા-પિતાના હરખનો પાર રહેતો નથી.
આ કિસ્સો વાંચો
અમદાવાદના મેઘનાબેનના લગ્ન કર્યા પછી કેનેડા શિફ્ટ થયાં. થોડા સમયમાં જ તેમને ત્યાં દીકરાનો જન્મ થયો. નામ રાખ્યું આયુષ. દીકરો મહિનાઓ જતાં મોટો થયો, પણ સૂતાં-સૂતાં છતને જોયા કરે. હસે નહીં, આંખને મટકું પણ ન મારે. એકદમ સ્થિર બનીને જોયા કરે. મેઘનાબેને શરૂઆતમાં તો માર્ક ન કર્યું, પણ આયુષ દોઢ વર્ષનો થયો ત્યારે કોઈ વસ્તુને ઓળખે નહીં. ઘરમાં બધા બોલાવવાની કોશિશ કરે, પણ આયુષ એક પણ શબ્દ બોલે નહીં. મા-બાપ મૂંઝાયાં. કેનેડામાં ડોક્ટરને બતાવ્યું તો કહ્યું, તમારા દીકરાને ઓટીઝમ છે.
કેનેડામાં ઓટીઝમની થેરપી થાય છે, પણ એ ખર્ચાળ છે, એટલે ગૂગલમાં સર્ચ કરીને અમદાવાદ આવવા વિચાર્યું. મેઘનાબેન કોઈપણ રીતે દીકરાને નોર્મલ કરવા માગતાં હતાં. મેઘનાબેનના પતિ કેનેડામાં જ રહ્યા, પણ મેઘનાબેન તેના પુત્ર આયુષને લઈને અમદાવાદ આવી ગયાં. તેની થેરપી ચાલુ થઈ. આમ ને આમ છ મહિના નીકળી ગયા, પણ આયુષ બોલી શક્યો નહીં. તેની જીભમાંથી શબ્દો જ બહાર ન આવ્યા. ઘરે મેઘનાબેન પણ પ્રયાસ કરતાં. તેઓ તેના દીકરાને કહેતા, બેટા, મમ્મી બોલ…મમ્મી… પણ આયુષ હોઠ ફફડાવે, બોલી ન શકે. મેઘનાબેન હિંમત ન હાર્યાં. તેમણે સ્પીચ થેરપી પર વધારે ફોકસ કર્યું અને બીજા છ મહિના પસાર થઈ ગયા, ત્યારે પહેલીવાર આયુષના ફફડતા હોઠ વચ્ચેથી અવાજ નીકળ્યો. પહેલો શબ્દ હતો… ‘મમ્મી…’ આ સાંભળીને મેઘનાબેનની આંખના ખૂણામાંથી આંસુ સરકીને નીચે પડ્યાં. તેમણે તાત્કાલિક કેનેડા રહેતા આયુષના પપ્પાને વીડિયોકોલ કરીને આયુષની સ્પીચ સંભળાવી… આવી ખુશી દરેક પેરેન્ટ્સ અનુભવી શકે છે, જો તેઓ સમયસર ટ્રીટમેન્ટ કરાવે તો…. (અહીં ઓળખ છુપાવવા દર્દીનું અને તેની માતાનું નામ બદલ્યું છે)
ઓટીઝમ શું છે ?
ઓટીઝમ એ એક એવી માનસિક બીમારી છે, જેનાં લક્ષણો જન્મથી અથવા બાળપણથી દેખાય છે. આ રોગ ધરાવતાં બાળકોનો વિકાસ અન્ય બાળકોની સરખામણીમાં અસામાન્ય હોય છે. ઓટીઝમ માટે ગુજરાતીમાં કોઈ ચોક્કસ શબ્દ નથી, પણ એને ‘સ્વલીનતા’ કહી શકાય, એટલે પોતાનામાં જ રચ્યા-પચ્યા રહેવું, પોતાના વિચારોમાં ખોવાઈ જવું. દુનિયા સાથે કોઈ લેવા-દેવા નહીં. આ બધું બાળક ત્રણ વર્ષનું થાય એ પહેલાં શરૂ થાય છે.
ઓટીઝમ શા માટે થાય છે ?
બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે તેના કૂમળા મગજમાં કોઈ ક્ષતિ થઈ હોય અને જન્મ પછી એ ક્ષતિ વધે, એને કારણે ઓટીઝમ થાય છે અથવા બાળકના મગજમાં રસાયણોની અસમાનતા થાય ત્યારે પણ ઓટીઝમ થઈ શકે છે.
હોમિયોપથીમાં ઓટીઝમનો ઈલાજ છે
બાળકમાં જ્યારે મનની અસ્થિરતા જણાય તો એ ઓટીઝમનું લક્ષણ છે અને આની ખબર પડી જાય તો ઈલાજ શક્ય છે. અત્યારસુધી ઓટીઝમની કોઈ દવા નથી શોધાઈ, પણ હોમિયોપથીમાં ઓટીઝમની દવા છે. આ દવાથી બાળકમાં 120 દિવસમાં જ ઈમ્પ્રૂવમેન્ટ દેખાય છે. આ સિવાય અલગ અલગ થેરપી દ્વારા બાળકને નોર્મલ કરી શકાય છે. હા, ઓટીઝમ મટી ગયું એમ ન કહી શકાય પણ એની અસરમાંથી બાળક બહાર આવી ગયું એમ કહી શકાય.
ઓટીઝમવાળાં બાળકો જિનિયસ હોય છે
ઓટીઝમનાં લક્ષણો ધરાવતાં બાળકો જિનિયસ બને છે એ વાત સાબિત થઈ ચૂકી છે. નાનપણમાં ઓટીઝમ હોય, પણ બાળક એની અસરમાંથી બહાર આવી ગયા પછી જ્યારે નોર્મલ બની જાય છે ત્યારે એ જિનિયસ બને છે. એ એજ્યુકેશનમાં ખૂબ આગળ વધે છે અને પોતાનો ચોક્કસ ગોલ નક્કી કરીને પોતાની રીતે સમાજમાં જગ્યા બનાવે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પણ ઓટીઝમ હતું.
