જન્માષ્ટમીએ માનવ સાગર ઘૂઘવ્યો:રાજકોટના લોકમેળામાં પગ મૂકવાની જગ્યા નહીં, 4 લાખ લોકોએ મેળો મહાલ્યો, દિવસ કરતાં રાતે રંગ જામ્યો

By Abhishek Raghuvanshi
3 Min Read
https://timenews.today/img/2022/08/My-Video10-2.mp4

સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના લોકમેળામાં જન્માષ્ટમીના દિવસે માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. લોકમેળાના ત્રીજા દિવસે સવારથી શરૂ કરી રાત્રિના 12 વાગ્યા સુધીમાં 4 લાખથી વધુ જનમેદની ઊમટી પડી હતી અને જ્યાં નજર પડે ત્યાં મેળાની મજા માણતા લોકો જ નજરે પડતા હતા. દિવસ કરતાં રાતે લોકમેળાની રંગત જામી હતી અને પગ મૂકવાની પણ જગ્યા ન મળે એવો માહોલ જોવા મળ્યો હતો.

રાતે 9થી 11 વાગ્યા સુધીમાં દોઢ લાખ લોકો આવ્યા
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવેલા લોકમેળામાં ત્રીજા દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. બપોરના 12 વાગ્યા બાદ ધીમે ધીમે મેળામાં લોકોની ભીડ થવા લાગી હતી અને રાત્રિના 12 વાગ્યા સુધીમાં આ લોકમેળો લોકોથી છલકાઈ ગયો હતો. જ્યાં નજર કરો ત્યાં મેળાની મજા માણતા માણસો જ માણસો જોવા મળતા હતા અને એક અંદાજ મુજબ દિવસ દરમિયાન મેળામાં 4 લાખ જેટલા લોકોએ મેળાની મજા માણી હોવાનું સામે આવ્યું છે. એમાં પણ રાત્રિના સમયે એટલે કે 9થી 11 વચ્ચેના સમયગાળા દરમિયાન 1.50 લાખ લોકો મેળામાં પરિવારજનો, સગાં-સબંધીઓ અને મિત્રો સાથે મજા માણતા નજરે પડ્યા હતા.

રંગબેરંગી રોશનીથી શણગારેલી રાઇડ્સનો નજારો.

જન્માષ્ટમીના દિવસે રેકોર્ડબ્રેક લોકો આવ્યા
દર વર્ષે સાતમ-આઠમના આ પર્વ પર વહીવટી તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ પાછલાં બે વર્ષ દરમિયાન કોરોનાની મહામારીને કારણે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નહોતું. આ વર્ષે બે વર્ષ બાદ લોકમેળાનું આયોજન કરવામાં આવતાં લોકો મન મૂકીને મેળાની મજા માણી રહ્યા છે. એમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ-આઠમ એટલે કે મેળાના બીજા અને ત્રીજા દિવસે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો મેળાની મજા માણવા આવતા હોય છે.

દિવસ કરતાં રાતે વધુ લોકો આવી રહ્યા છે.

5 દિવસમાં 10 લાખથી વધુ લોકો મેળો માણશે
એક અંદાજ મુજબ 5 દિવસના આ મેળામાં આ વર્ષે 10 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે એવું માનવામાં આવી રહ્યું છે. તેવામાં ત્રણ દિવસ દરમિયાન જ સાડાછ લાખ જેટલા લોકો મેળાની મજા માણી ચૂક્યા છે, જેમાં પ્રથમ દિવસે અંદાજિત 50,000થી વધુ, બીજા દિવસે 2 લાખથી વધુ અને ત્રીજા દિવસે 4 લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી હતી. આજે લોકમેળાનો ચોથા દિવસ છે અને મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે એવી શક્યતા છે.

- Advertisement -
ઊંચા ચકડોળ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ત્રીજા દિવસે 4 લાખ લોકો મેળામાં ઊમટ્યા હતા.
ત્રણ દિવસમાં સાડાછ લાખ લોકોએ મેળો મહાલ્યો.
રાત્રિનો નજારો.
Exit mobile version