જનેતાની જીદને આરોગ્ય મંત્રીએ બિરદાવી:કહ્યું: ગુજરાત તમારા પર ગર્વ અનુભવે છે, જનેતાનો પ્રત્યુત્તર: 6 માસની પુત્રીને છાતીએ વળગાડી કોરોનાના યુદ્ધમાં ઊતરી છું

By Abhishek Raghuvanshi
4 Min Read
અસ્મિતાબેને રસી આપીને ઉત્તમ ફરજનિષ્ઠાનું દૃષ્ટાંત સ્થાપિત કર્યું.
  • આ મહિલા હેલ્થ ઓફિસર 6 મહિનાની દીકરીને છાતીએ વળગાડીને ગામડે ગામડે ફરીને વેક્સિન આપે છે
  • વૃદ્ધને સોઇની બીક મનમાંથી કઢાવીને વેક્સિન આપી
  • દીકરીની સુરક્ષાની તમામ સંભાળ સાથે કામગીરી બજાવે છે

રાજકોટના સરધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધિડા સબ સેન્ટરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયાની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઇ સૌ કોઇને તેમને સલામ કરવાનું મન થાય, કારણ કે તેઓ 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા પહોંચી જાય છે. જેની નોંધ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લીધી હતી અને આજે તેમની સાથે વિડીયો કોલમાં વાત કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, તમારા જેવા સ્વાસ્થ્યકર્મીના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય આજે અત્યંત ગર્વ અનુભવે છે. ત્યારે તેમણે પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લાં બે વર્ષથી ફરજ બજાવું છું. જેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ તેના બાળકને લઇને યુદ્વના મેદાનમાં ઊતર્યાં હતાં એવી જ રીતે હું પણ મારી 6 માસની બાળકીને લઇને કોરોના સામેની લડતમાં નિષ્ઠાથી મારી ફરજ બજાવું છું અને આ કાર્યથી હું ખૂબ જ ખુશ છું.

6 માસની દીકરીની સારસંભાળની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે.

વૃદ્ધને નાનકડી સોઈની બીક મનમાંથી કઢાવીને રસી આપી
અસ્મિતાબેન પોતાની 6 માસની બાળકીને લઇને પોતાના વિસ્તારની અંદર આવેલાં તમામ ગામોમાં ઘરે ઘરે પહોંચી જાય છે. એક વૃદ્ધ તો સોઇથી ડરતા હતા તો અસ્મિતાબેને કહ્યું હતું કે કંઈ નહીં થાય, બાદમાં વૃદ્ધના મહિલા પરિવારજને કહ્યું કે બાળકોને રસી દઇએ છીએ તો તેને શું થતું હશે, તમે તો બાળકો કરતાં પણ ડરો છો. બાદમાં વૃદ્ધે અસ્મિતાબેન પાસે રસી લેવડાવી લીધી હતી.

7મી મુલાકાતે વૃદ્ધાને આખરે રસી મૂકીને જંપ્યાં
અસ્મિતાબેને ગઇકાલે લોધિડા ગામમાં સાતમી મુલાકાતની સમજાવટ બાદ રસી મુકાવવા સંમત થયેલાં વૃદ્ધાને રસી આપી હતી. તેઓ આ વૃદ્ધાને છ વખત મનાવવાની કોશિશ કરી, પણ તેઓ રસી માટે સંમત થતા નહોતા છતાં પણ અસ્મિતાબેને હાર માની નહોતી. સાતમી વખત વૃદ્ધા પાસે ગયાં અને સમજાવ્યા બાદ વૃદ્ધા રસી લેવા સંમત થયાં અને અસ્મિતાબેને વેક્સિન આપી.

વૃદ્ધને સોઈની બીક મનમાંથી દૂર કરી રસી આપી.

6 માસની દીકરીના ઉછેરની તમામ જવાબદારી અસ્મિતાબેનના શિરે
રાજ્યના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરું પાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધિડા સબ સેન્ટરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયા કોરોનાવિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલાં છે. તેમને સંતાનમાં 6 મહિનાની દીકરી છે, જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે.

- Advertisement -
રસ્તામાં લોકો મળે તો તેને ત્યાં જ રોકી વેક્સિન આપી સુરક્ષિત કરે છે.

અસ્મિતાબેન દીકરીની સુરક્ષાની તમામ સંભાળ રાખે છે
પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં અસ્મિતાબેન પોતાના સંતાનને સાથે લઇને ગામેગામ કોરોનાવિરોધી રસી મૂકવા જાય છે. માત્ર છ જ મહિનાની દીકરીની સુરક્ષાની તમામ સંભાળ લઇને અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે.

ફરજ પર હોય ત્યારે દીકરી મમતારૂપી માતાના હૈયા પર સૂઇ જાય છે.

અસ્મિતાબેને ઉત્તમ ફરજનિષ્ઠાનું દૃષ્ટાંત સ્થાપિત કર્યું
લોધિડા ગામના એક વૃદ્ધા કોરોનાવિરોધી રસી લેવા માટે સંમત જ નહોતા થતા. લોધિડાના આરોગ્યકર્મચારીઓએ છ વાર તેમના ઘરે જઇને રસી લેવા માટે વૃદ્ધાને સમજાવવાની કોશિશ કરી. અંતે સાતમી વખતની બ્લોક હેલ્થ ઓફિસર ડો.એમ.એસ.અલીની સમજાવટ રંગ લાવી અને માજી રસી મુકાવવા તૈયાર થયાં. આ માજીને અસ્મિતાબેને રસી આપી અને ઉત્તમ ફરજનિષ્ઠાનું દૃષ્ટાંત સ્થાપિત કર્યું છે. અસ્મિતાબેન જેવા આરોગ્યકર્મચારીઓની કાર્યનિષ્ઠા થકી જ કોરોનાની ત્રીજી લહેરનું આક્રમણ ખાળી શકાયું છે.

Exit mobile version