‘ગૃહમંત્રીજી, રાજકોટના CP મનોજ અગ્રવાલ 15% કમિશને ડૂબેલા નાણાં અપાવે છે, 15 કરોડની ઠગાઈમાં 75 લાખ પડાવ્યા’ ભાજપના MLA ગોવિંદ પટેલનો પત્ર

By Abhishek Raghuvanshi
3 Min Read
  • 15 કરોડમાંથી આરોપીઓ પાસેથી 7 કરોડ વસુલ્યા પણ બાકી 8 કરોડની એક પાઈ પણ ન આપ્યાનો આક્ષેપ
  • ઠગાઈની ફરિયાદ લઈને કોઈ CP પાસે જાય તો ફરિયાદ નોંધવાને બદલે કમિશનથી વસૂલી કરાય છેઃ ગોવિંદ પટેલ

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ બેડામાં ફડફડાટ મચાવે તેવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. જેમાં ચોંકવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્‍સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી તેની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી 15 ટકા હિસ્‍સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે.

15 કરોડની છેતરપિંડીનો કેસ મહેશભાઈ સખીયાએ કર્યો હતો
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે. જેના ઘણા કિસ્‍સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્‍સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખીયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલા આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્‍સો માગ્યો હતો.

ગોવિંદ પટેલે ગૃહમંત્રીને લખેલો પત્ર.

8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવી નથી
વધુમાં જણાવ્યું છે કે, આ પ્રમાણે ક્રાઇમબ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસુલાત કરી છે. જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના PI મારફત વસુલ્યા છે. બાકીની 30 લાખની ઉઘરાણી જે તે PI ફોનથી કરી રહ્યા હતા પરંતુ આ રકમ આવી નથી. ત્‍યારબાદ આપના પાસે ફરિયાદ થતા FIR દાખલ થઈ હતી. જેમાં બે આરોપીને પકડ્યા પણ ખરા, એક આરોપી ભાગતો ફરે છે અને આ જ રકમમાંથી એક ફ્લેટ લીધો છે. આમ પોલીસ કમિશનર આવા ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. આ અંગેની આપને આપેલી ફરિયાદ પછી અને FIR ફાડ્‍યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી. તેમજ પોલીસ કમિશનરે લીધેલા 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલા ભરો તેવી વિનંતી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ફાઈલ તસવીર.
Exit mobile version